NSEL કેસમાં ટ્રેડરોએ કરચોરી કરી હોવાની શંકા ITએ મોકલી નોટિસો

15 March, 2019 09:22 AM IST  | 

NSEL કેસમાં ટ્રેડરોએ કરચોરી કરી હોવાની શંકા ITએ મોકલી નોટિસો

આવકવેરા ખાતા

NSEL કેસમાં સેબીએ કાર્યવાહી કર્યા બાદ હવે કરવેરા ખાતું સક્રિય થયું છે. આ એક્સચેન્જના વ્યવહારોમાં કેટલાક ટ્રેડરોએ કરચોરી કરી હોવાની શંકાના આધારે ખાતાના અધિકારીઓએ સંખ્યાબંધ ટ્રેડરો પાસેથી નાણાકીય વિગતો માગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આવક વેરા ખાતાએ NSELના ક્લાયન્ટ્સને આવકવેરા ધારાની કલમ ૧૩૩(૬) હેઠળ નોટિસો મોકલી છે. ખાતું આ કલમ હેઠળ નાણાકીય વિગતો મગાવવાનો અધિકાર ધરાવે છે.

૨૦૧૩માં પેમેન્ટ કટોકટીનો ભોગ બનેલા NSELના કેસમાં સિરિયસ ફ્રૉડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે (SFIO) તૈયાર કરેલા અહેવાલને પગલે આવકવેરા ખાતાએ નોટિસો મોકલવાનું પગલું ભર્યું છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે NSELના ટ્રેડરોએ નાણાકીય વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં કરવેરાની ચોરી કરી હોવાની શક્યતા છે.

ખાતાએ રજિસ્ટર્ડ ટ્રેડરો પાસેથી વિગતો મગાવી છે, જેમાં એક્સચેન્જ પર કરાયેલા સોદાઓ, ઑડિટેડ હિસાબ, વગેરેનો સમાવેશ થાય છે. ખાતાની મુંબઈ અને દિલ્હી કચેરીઓએ નોટિસો મોકલી છે.

SFIOના અહેવાલ મુજબ ૭,૨૧૭ ક્લાયન્ટ્સ પાસેથી મળેલા ૨,૨૩૯.૬ કરોડ રૂપિયાના દાવામાંથી ૯૩૫ કરોડના દાવા વિશે શંકા છે. એજન્સીએ ૧૨,૭૩૫ ટ્રેડરો પાસેથી વિગતો મગાવી હતી, પરંતુ એમાંથી ૭,૨૧૭ લોકોએ જ જવાબ આપ્યો હતો. આમ કુલ ૧૩,૦૦૦ ટ્રેડિંગ ક્લાયન્ટ્સ હોવાના દાવા બાબતે પણ શંકા ઊભી થઈ છે. વળી ૭,૨૧૭માંથી ૨,૮૯૭ ક્લાયન્ટ્સે કરવેરાનાં પોતાનાં રિટર્ન્સ વિશે જવાબ આપ્યો નહોતો. આ ક્લાયન્ટ્સના દાવાની રકમ ૮૨૩.૭ કરોડ રૂપિયા છે, પરંતુ તેમણે રિટર્ન્સ આપ્યાં નથી. આ કેસમાં ૨૩૦ ક્લાયન્ટ્સ એવા છે, જેમના દાવા ૨૭.૬૮ કરોડ રૂપિયાના છે, પરંતુ તેમણે કરવેરાનાં રિટર્ન ફાઇલ કર્યાં નહોતાં. ઉપરાંત કેસમાં ૧૪ બનાવટી કંપનીઓએ પણ ૧૫.૮૭ કરોડ રૂપિયાના દાવા કર્યાનું પ્રકાશમાં આવ્યું છે.

ઉક્ત અહેવાલ મુજબ ૭૮૧ ક્લાયન્ટ્સે એક કરોડ કરતાં વધુ રકમ મેળવી હતી. તેનું કુલ મૂલ્ય ૩,૬૦૦ કરોડ રૂપિયા થાય છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બે લાખથી ૧૦ લાખ રૂપિયા સુધીની રકમના દાવા કરનારા ૬,૪૪૫ ક્લાયન્ટ્સમાંથી ૩,૪૪૭ ક્લાયન્ટ્સે જ વિગતો પૂરી પાડી છે. બાકીના દાવેદારો સાચા હોવા વિશે શંકા ઊભી થઈ છે.

આ પણ વાંચો : રિઝર્વ બૅન્ક હવે વધારશે બૅન્કોના ઑડિટર્સની જવાબદારી

નોંધનીય છે કે ટ્રેડિંગ ક્લાયન્ટ્સે તેમના આવકવેરાનાં રિટર્નમાં NSELમાંથી થયેલી આવકને ટ્રેડિંગની આવક બતાવી છે. આમ આ કેસ રોકાણકારોનો નહીં, પણ ટ્રેડરોનો છે, એવું સ્પક્ટ થતું હોવાનું એક કાનૂની જાણકારનું કહેવું છે. કોઈ ટ્રેડરે પોતાના હિસાબના ચોપડા ઑડિટ કરાવ્યા ન હતા, એવું SFIOના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

income tax department