૧૪૦ વર્ષમાં પહેલી વાર બનેલી ઘટના

29 November, 2014 04:32 AM IST  | 

૧૪૦ વર્ષમાં પહેલી વાર બનેલી ઘટના


ભારતીય શૅરબજારમાં ગઈ કાલે એક નવો ઇતિહાસ રચાયો હતો. એશિયાના સૌથી જૂના સ્ટૉક એક્સચેન્જ BSE પર લિસ્ટેડ કંપનીઓમાં થતા સોદાઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન (બજારમૂલ્ય - મૂડીકરણ) ગઈ કાલે ૧૦૦ લાખ કરોડ (એક ટ્રિલિયન) રૂપિયાને આંબી ગયું હતું. જોકે ટ્રેડિંગ બંધ થવાના સમયે એ થોડું ઓછું (૯૯.૮૩ લાખ કરોડ રૂપિયા) થયું હતું. ભારત અને BSE બન્ને માટે આ ઐતિહાસિક ઘટના છે. શૅરબજારનાં ૧૪૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું છે.

આને રોકાણકારોની સંપત્તિ કહી શકાય એમ જણાવતાં BSEના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તથા મૅનેજિંગ ડિરેક્ટર આશિષ ચૌહાણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં પગલાં તેમ જ તેમની અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જપાન સહિત વિવિધ દેશોની મુલાકાત બાદ આ ઘટના બની છે જે ભારતમાં રહેલી વિકાસની સંભાવના તેમ જ ભારતીય સાહસિકોની ઊંચી ક્ષમતા દર્શાવે છે.

વર્ષે દોઢ કરોડ જૉબ ઊભી થઈ શકે

ભારતે હજી આ ૧૦૦ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કૅપિટલાઇઝેશનથી અનેકગણું ઊંચે જવાનું છે જેના દ્વારા ભારતમાં મોટા પાયે રોજગાર-સર્જન અને સંપત્તિ-સર્જન થઈ શકે એમ આશિષ ચૌહાણે આ પ્રસંગે ઉમેર્યું હતું.તેમણે કહ્યું હતું કે ‘BSEના મતે ભારત ૨૦ વર્ષ સુધી દર વર્ષે એના યુવા જગતની સાહસિકતાનો ઉપયોગ કરીને દોઢ કરોડ જૉબ ઊભી કરી શકે છે. અર્થાત્ ૩૦ કરોડ જૉબ-ક્રીએશન સંભવ છે. આ ક્ષેત્રે BSE પોતાનો નોંધપાત્ર ફાળો આપવા સજ્જ છે અને ભારતના વિકાસની આ સંભાવનામાં હજી ઘણી સિદ્ધિઓ હાંસલ થઈ શકે છે.’

ફાસ્ટેસ્ટ ટેક્નૉલૉજીનો લાભ

દેશનું ફાસ્ટેસ્ટ સ્ટૉક એક્સચેન્જ બનેલું BSE અત્યારે એની ટેક્નૉલૉજીને પરિણામે પાંચ સેકન્ડમાં પાંચ લાખ ઑર્ડર હૅન્ડલ કરી શકે છે. સપ્ટેમ્બરમાં એણે એક જ દિવસમાં ૪૬.૫ કરોડ ઑર્ડર હૅન્ડલ કરવાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો. BSE ડેરિવેટિવ્ઝમાં પણ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. BSEનો માર્કેટશૅર સતત બધાં જ સેગમેન્ટમાં વધી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડ તેમ જ સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસના સેગમેન્ટમાં એ અગ્રસ્થાન ધરાવે છે.

માર્કેટ કૅપિટલાઇઝેશન એટલે શું?

લિસ્ટેડ કંપનીઓના બજારમાં સોદા માટે ફરતા શૅરોના પ્રવર્તતા બજારભાવનો એ ફરતા શૅરોની સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જે રકમ મળે એને એ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન કહે છે. એને ટૂંકમાં માર્કેટકૅપ અને સાદી ભાષામાં મૂડીકરણ કહે છે. એ જ રીતે સેન્સેક્સમાં સમાવિક્ટ ૩૦ શૅરોના કુલ માર્કેટકૅપને સેન્સેક્સનું માર્કેટકૅપ કહેવામાં આવે છે. શૅરબજારમાં લિસ્ટેડ તમામ સ્ક્રિપ્સનું પણ માર્કેટકૅપ મળી શકે છે. કંપનીના શૅરોના ભાવ વધે ત્યારે માર્કેટકૅપ પણ વધે છે અને ભાવ ઘટે ત્યારે માર્કેટકૅપ ઘટે છે, જેના આધારે બજારમાં રોકાણકારોની ચોક્કસ રકમની મૂડી વધી કે ચોક્કસ રકમનું મૂડીધોવાણ થયું એવું બોલાતું હોય છે. માર્કેટકૅપ સામાન્ય રીતે બે પ્રકારનું હોય છે : ફિક્સ્ડ અને ફ્લોટિંગ. ફ્લોટિંગ એટલે બજારમાં ફરતા શૅરોના ભાવને આધારે નક્કી થતું માર્કેટકૅપ. મોટા ભાગે બજારની વધઘટ માટે એને જ ધ્યાનમાં લેવામાં આવે છે.