17 June, 2024 08:45 AM IST | Mumbai | Mayur Mehta
ફાઇલ તસવીર
ભારતમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. કેરલામાં સમયસર ચોમાસાની શરૂઆત થયા બાદ હાલ દેશના તમામ વિસ્તારોમાં ચોમાસાની પ્રગતિ પ્રોત્સાહક રીતે આગળ વધી રહી છે. જોકે કેટલાંક રાજ્યોમાં ચોમાસાની પ્રગતિ થોડી ધીમી પડી છે, પણ ભારતીય હવામાન એજન્સીના રિપોર્ટ વિશે ચોમાસા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી. ભારત અને વિશ્વની હવામાન એજન્સીઓએ ચોમાસા વિશે પ્રોત્સાહક આગાહી કરી હોવાથી ઓછા વરસાદનો કોઈ ભય નથી, પણ હાલ સૌથી મોટી ચિંતા ઑગસ્ટ-સપ્ટેમ્બર બાદ લા-નીનાની અસર શરૂ થવાની હોવાથી અંતિમ તબક્કાના ભારે વરસાદની ચિંતા વધી રહી છે. સામાન્ય રીતે ભારતમાં દુકાળ કે ઓછા વરસાદથી કૃષિ પાકને જેટલું નુકસાન થાય છે એના કરતાં કૃષિ પાક તૈયાર થયા પછી જે વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થાય ત્યારે નુકસાન ચારથી પાંચ ગણુ વધુ થાય છે, કારણ કે મોટે ભાગે ભારતમાં રોકડિયા પાક અને ઓછી અવધિવાળા પાક વધુ લેવાતા હોવાથી એનું નુકસાન મોટું હોય છે.
લા-નીના વિશેની આગાહીઓ
અમેરિકાની હવામાન એજન્સી ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટર (CPC)એ લા-નીના હવામાનની ઘટનાની સંભાવનાને થોડી ઘટાડી છે, પણ ભારતમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવનાને નકારી નથી જે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ઊભરી શકે છે. ૬૫ ટકા લા-નીનાની સંભાવનાને કારણે અગાઉના મહિના કરતાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ વધુ આવી શકે છે. વળી લા-નીના ૨૦૨૪-’૨૫ના ઉત્તરીય ગોળાર્ધના શિયાળામાં ચાલુ રહેવાની ૮૫ ટકા સંભાવના અમેરિકન એજન્સીએ બતાવી છે.
લા-નીનાની સિસ્ટમ ઊભરવાનું કારણ એ છે કે રાષ્ટ્રીય સમુદ્રી વાતાવરણમાં મે મહિનાથી ઠંડકનો દર ધીમો પડી ગયો છે. ઑસ્ટ્રેલિયન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે લા-નીના 2024ના અંતમાં ઊભરી શકે છે. દરમ્યાન, ઑસ્ટ્રેલિયન હવામાનશાસ્ત્ર બ્યુરોએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓશન ડિપોલ (IOD) હાલમાં તટસ્થ છે. સૌથી તાજેતરનાં છ અઠવાડિયાંમાં IOD ઇન્ડેક્સ તટસ્થ થ્રેશોલ્ડમાં જોવા મળ્યો છે, જેમાં નવીનતમ સાપ્તાહિક મૂલ્ય શૂન્યની નજીક છે જે લા-નીના સિસ્ટમ ઑગસ્ટથી શરૂ થવાનો સંકેત આપે છે.
ચોમાસાની સફળતા અને જનજીવન
ભારત કૃષિપ્રધાન દેશ હોવાની સાથે ૬૦ ટકા વધારે જનસંખ્યા કૃષિ અને એના સંલગ્ન રોજગાર સાથે સીધી સંકળાયેલી હોવાથી ચોમાસું જો કોઈ પણ રીતે નબળું કે પ્રતિકૂળ નીવડે તો સમગ્ર જનજીવનને મોટી અસર થાય છે. ગયા વર્ષે અલ-નીનોની અસરે ભારતના અનેક વિસ્તારમાં ચોમાસું નબળું પડતાં મોંઘવારી પર મોટી અસર થઈ હતી અને છેલ્લા એક વર્ષથી મોટા ભાગની જીવનજરૂરી ચીજોના ભાવ સતત આસમાની ઊંચાઈ તરફ જઈ રહ્યા છે એવામાં જો આગામી ચોમાસું પણ નબળું પડે તો એની મોટી અસર પડી શકે છે. આથી આગામી ચોમાસા વિશે અત્યારથી જે આગાહીઓ થઈ રહી છે એ ચિંતાજનક છે. છેલ્લા બે મહિનાથી ભારતનાં મોટા ભાગનાં રાજ્યો હીટવેવની અસરમાંથી પસાર થઈ રહ્યાં છે જેની ઘઉં, ચણા સહિતના શિયાળુ પાક અને ઉનાળુ પાકના ઉત્પાદન પર મોટી અસર જોવા મળી છે. ભારતમાં લેવાતા કૃષિ પાકોમાંથી ૬૫ ટકા કૃષિ પાકો ચોમાસું સીઝનમાં લેવાઈ રહ્યા છે. ઉપરાંત ભારતમાં ૬૧ ટકા જમીન ચોમાસું વરસાદ પર આધારિત હોવાથી જો ચોમાસું પ્રતિકૂળ નીવડે તો દેશના કૃષિ ઉત્પાદન પર મોટી અસર પડે છે.
જીવનજરૂરી ચીજોના ભાવ
નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મ તાજેતરમાં શરૂ થઈ છે. નરેન્દ્ર મોદી સરકાર ૨૦૧૪માં દિલ્હીની ગાદી પર સત્તારૂઢ થઈ ત્યારથી આત્મનિર્ભરતા હાંસલ કરવાની અનેક જાહેરાત થઈ છે, પણ દેશ ખાદ્ય તેલો અને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાને બદલે વધુ ને વધુ આયાત પર નિર્ભર બન્યા છે. હાલ દેશની ૭૦ ટકાથી વધુ ખાદ્ય તેલોની જરૂરિયાત આયાતથી પૂરી કરવામાં આવી છે, જ્યારે એક વર્ષ અગાઉ દેશની દાળ-કઠોળની આયાતનો હિસ્સો કુલ આયાતમાં ૨૫ ટકા હતો એ વધીને ચાલુ વર્ષે ૩૫થી ૪૦ ટકા થવાની શક્યતા છે. ખાદ્ય તેલો અને દાળ-કઠોળની આયાત પરની નિર્ભરતા વધતાં જો સોયાબીન, મગફળી, સૂરજમુખી, તુવેર, મગ-અડદ વગેરેનું ચોમાસું સીઝનનું ઉત્પાદન પ્રતિકૂળ સંજોગોમાં થોડું પણ ઘટે તો જે દેશોથી ભારત દાળ-કઠોળ અને ખાદ્ય તેલો આયાત કરે છે એ દેશોની દાદાગીરી વધી શકે છે, કારણ કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં જ્યારે પણ ભારતમાં ઉત્પાદન થોડું પણ ઘટે ત્યારે આ દેશોએ નિકાસ પર પ્રતિબંધ કે નિયંત્રણો મૂકીને અહીં ભાવ બેકાબૂ બને એવા પ્રયાસો કર્યા છે. ૨૦૨૨માં ઇન્ડોનેશિયાએ એક મહિના સુધી પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં ભારતમાં ટૂંકા ગાળામાં ખાદ્યતેલોના ભાવ ત્રણથી ચાર ગણા વધી ગયા છે. હાલ ચણાનું ઉત્પાદન ઘટતાં ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ભારતે ચણાની આયાતછૂટ મૂકતાં ઑસ્ટ્રેલિયા, કૅનેડા, રશિયા વગેરે દેશોમાં ચણાના ભાવ એકાએક વધવા લાગ્યા છે જેને કારણે ભારતને ઊંચા ભાવના ચણાની આયાત કરવાની નોબત આવી છે. આમ, લા-નીનાની અસરે જો ચોમાસું પ્રતિકૂળ બને તો ખાદ્ય તેલો, દાળ-કઠોળ, તેલીબિયાં અને અન્ય જીવનજરૂરી ચીજોના ભાવ વધી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૨૬ મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉંના ભાવ હાલ આસમાની ઊંચાઈએ છે ત્યારે ઘઉંના ભાવ હજી પણ કિલોએ બેથી ત્રણ રૂપિયા મોંઘા થવાની શક્યતા ઝળુંબી રહી છે. આમ, ચોમાસાની પ્રતિકૂળતાથી મોંઘવારી વધતાં સામાન્ય જનજીવનને મોટી અસર થશે.