મની-લૉન્ડરિંગ કેસમાં દીપક કોચર 19 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં

09 September, 2020 12:07 PM IST  |  Mumbai | Agency

મની-લૉન્ડરિંગ કેસમાં દીપક કોચર 19 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં

દીપક કોચર

મુંબઈ કોર્ટે આઇસીઆઇસીઆઇસી બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરને મની-લૉન્ડરિંગ કેસમાં ૧૯ સપ્ટેમ્બર સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આઇસીઆઇસીઆઇ બૅન્ક-વિડિયોકૉન મની-લૉન્ડરિંગ કેસની તપાસના પગલે પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ)ની કલમો હેઠળ સોમવારે દીપક કોચરની ધરપકડ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ-સંસ્થા આ કેસના મામલે પ્રાપ્ત થયેલા કેટલાક તાજા પુરાવા વિશે વધુ વિગતો મેળવવા કોચરની કસ્ટોડિયલ પૂછપરછ હાથ ધરવા ઇચ્છે છે.

તપાસકર્તા સંસ્થાએ દીપક કોચરને સ્પેશ્યલ પીએમએલએની અદાલતના જજ મિલિંદ વી. કુર્તાડીકર સમક્ષ હાજર કર્યા હતા, જ્યાં અદાલતે કોચરને ૧૯ સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

કોચરના રિમાન્ડ માટે માગણી કરનાર ઈડીએ અદાલતને જણાવ્યું હતું કે તપાસના આધારે માલૂમ પડ્યું હતું કે ૨૦૦૯ની ૭ સપ્ટેમ્બરે આઇસીઆઇસીઆઇસી બૅન્કે વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (વીઆઇઈએલ)ની ૩૦૦ કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી.

વિડિયોકૉનને આ લોન અપાઈ એ વખતે દીપક કોચરનાં પત્ની ચંદા કોચર બૅન્કની મંજૂરી-સમિતિનાં ચૅરમૅન હતાં. વળી લોન મંજૂર કરાઈ એના એક જ દિવસ પછી ૬૪ કરોડ રૂપિયા વિડિયોકૉન દ્વારા દીપક કોચરની કંપની નુપાવર રિન્યુએબલ્સ લિમિટેડ (એનઆરએલ)ને ટ્રાન્સફર કરાયા હતા.

icici bank business news