ભારતમાં પ્રાઇવેટ સેક્ટરની ટોચની ૫૦૦ કંપનીઓની માર્કેટવૅલ્યુ ૩૨૪ લાખ કરોડ રૂપિયા, ૮૪ લાખ લોકોને આપે છે રોજગારી

22 February, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિચર્સ-કંપની હુરુન ઇન્ડિયાએ બહાર પાડેલો ૨૦૨૪નો રિપોર્ટ કહે છે કે ભારતની GDP કરતાંય વધુ મૂલ્યાંકન છે આ કંપનીઓનું

પ્રતીકાત્મક તસવીર

રિચર્સ-કંપની હુરુન ઇન્ડિયાએ ૨૦૨૪ની પ્રાઇવેટ સેક્ટરની ભારતની સૌથી મૂલ્યવાન ૫૦૦ કંપનીઓનો રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓનું સંચિત મૂલ્ય ૩.૮ ટ્રિલ્યન ડૉલર એટલે કે ૩૨૪ લાખ કરોડ રૂપિયા છે, જે ભારતની GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) તથા UAE, ઇન્ડોનેશિયા અને સ્પેનની સંયુક્ત GDP કરતાં પણ વધારે છે. ૫૦૦ કંપનીઓના કમ્બાઇન્ડ મૂલ્યમાં ૨૦૨૪માં આગલા વર્ષની સરખામણીમાં ૪૦ ટકાનો વધારો થયો છે.

૮૪ લાખ લોકોને રોજગારી

આ ૫૦૦ કંપનીઓએ ૨૦૨૪ દરમ્યાન તેમના વર્કફોર્સમાં ૨૦ ટકાનો વધારો નોંધાવ્યો હતો, જેમાં લગભગ ૧૪ લાખ નવી નોકરીઓ ઉમેરી હતી અને આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની કુલ સંખ્યા ૮૪ લાખ સુધી પહોંચી હતી. તેઓ ભારતના કુલ વર્કફોર્સના લગભગ ૧૬ ટકા લોકોને રોજગારી આપે છે, જે રાષ્ટ્રીય રોજગારમાં એમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રદર્શિત કરે છે.

૧૫ કંપની સાથે તાતા ગ્રુપ મોખરે

બજારમાં પ્રભુત્વની વાત કરીએ તો તાતા ગ્રુપ મોખરે છે, જ્યારે અદાણી ગ્રુપ એની પકડ મજબૂત બનાવી રહ્યું છે. તાતા ગ્રુપે ૧૫ કંપનીઓ સાથે એનું અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે જે ટોચની ૫૦૦ કંપનીઓના મૂલ્યમાં ૧૦ ટકા ફાળો આપે છે.

અદાણી ગ્રુપની કંપનીઓ

અદાણી ગ્રુપે વધુ એક કંપની ઉમેરીને એની હાજરીનો વિસ્તાર કર્યો છે, જેનાથી એની કુલ કંપનીઓની સંખ્યા ૯ થઈ છે.

હરિયાણાની આગેકૂચ

મુંબઈ અને બૅન્ગલોરમાં કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો છે, પણ હરિયાણા આગળ વધી રહ્યું છે. જ્યારથી આ યાદી બનાવવાની શરૂઆત થઈ છે ત્યારથી પહેલી વાર હરિયાણા ટોચનાં ત્રણ સ્થાનો ધરાવતાં રાજ્યોમાં જોડાઈ જવા માટે બે સ્થાન ઉપર આવ્યું છે. હૈદરાબાદ, ગુડગાંવ અને નોએડા જેવાં નાનાં શહેરોમાં કંપનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

૧૦૦ અબજ ડૉલરની કંપનીઓ

આ લિસ્ટમાં સામેલ કંપનીઓનું મૂલ્ય રૂપિયાના અવમૂલ્યન છતાં ઓછામાં ઓછા ૧૦૦ અબજ અમેરિકી ડૉલર જેટલું રહ્યું છે.

૧૧ ટકાની વેચાણવૃદ્ધિ

આ લિસ્ટમાં સામેલ કંપનીઓએ ૨૦૨૪માં ૧૧ ટકાની મજબૂત વેચાણવૃદ્ધિ નોંધાવી છે, જે કુલ એક ટ્રિલ્યન ડૉલરનું વેચાણ દર્શાવે છે.

૬૫ કંપનીઓની વૅલ્યુ બમણી થઈ

ગયા વર્ષે ૩૪૨ કંપનીઓની સરખામણીમાં ૩૬૪ કંપનીઓના મૂલ્યમાં વધારો થયો છે. ૬૫ કંપનીઓ તો એવી છે જેમની વૅલ્યુ બમણી થઈ છે. ૨૦૨૩માં આવી કંપનીઓની સંખ્યા ૪૫ હતી.

૧૭ કંપનીઓની સિદ્ધિ

આ લિસ્ટમાં સામેલ ૧૭ કંપનીઓએ ૨૦૨૪માં એમનું માર્કેટકૅપ વધારીને એક લાખ કરોડ રૂપિયા કર્યું હતું. ૨૦૨૩માં આવી કંપનીઓની સંખ્યા માત્ર બે હતી.

૨૯૬ કંપનીઓની ગ્લોબલ પ્રેઝન્સ

વધુ ને વધુ ભારતીય કંપનીઓ હવે વૈશ્વિક સ્તરે પહોંચી રહી છે. યાદીમાં સામેલ ૫૦૦માંથી ૫૯ ટકા એટલે કે ૨૯૬ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામકાજ કરે છે, ૩૧ કંપનીઓ તો ૧૦૦થી વધુ દેશોમાં કાર્યરત છે.

ફાઇનૅન્શિયલ સર્વિસિસ મોખરે

૨૦૨૪માં ફાઇનૅન્શિયલ સર્વિસિસ મોખરે રહી હતી, જેમાં કાર્યરત ૬૩ કંપનીઓની વૅલ્યુ ૬૨ લાખ કરોડ રૂપિયા છે, જે કુલ માર્કેટવૅલ્યુમાં ૧૯ ટકાનો ફાળો આપે છે. આ તમામ ભારતના વધતા જતા ક્રેડિટ-પ્રવેશ, રોકાણકારોનો મજબૂત વિશ્વાસ અને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે ભારતની સ્થિતિ દર્શાવે છે.

ઍરોસ્પેસ અને ડિફેન્સના મૂલ્યાંકનમાં ૭૪ ટકાનો વધારો

આ યાદી ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્રને પ્રતિબિંબિત કરે છે. ઍરોસ્પેસ અને ડિફેન્સે મૂલ્યાંકનમાં ૭૪ ટકાનો વધારો નોંધાવ્યો છે. આ ઉછાળો કમર્શિયલાઇઝેશન, ગ્લોબલ કોલૅબરેશન, અદ્યતન ટેક્નૉલૉજી અને સ્પેસ મિશન પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને મળ્યો છે.

શિક્ષણક્ષેત્રમાં ૪૭ ટકાનો વધારો

શિક્ષણક્ષેત્રે છેલ્લાં ચાર વર્ષમાં આવકમાં ૪૭ ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિકદર અનુભવ્યો છે. ફિઝિક્સવાલાએ ગયા વર્ષની સરખામણીમાં ૧૭૨ ટકાનો વધારો નોંધાવ્યો છે અને એની માર્કેટવૅલ્યુ ૧૪,૯૦૦ કરોડ રૂપિયા થઈ છે.

સ્ટાર્ટ-અપ્સની આગેકૂચ

૨૦૨૪માં સ્ટાર્ટ-અપ્સે સામૂહિક રીતે ૧,૦૯,૨૫૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો વધારો નોંધાવ્યો છે જેમાં ઝેપ્ટો, ઓયો અને ઝીરોધાનો સમાવેશ છે.

ભારતમાં મુખ્યાલય ધરાવતી કંપનીઓ

આ લિસ્ટમાં માત્ર એ કંપનીઓને સમાવવામાં આવી છે જેમનું મુખ્યાલય ભારતમાં જ છે. આ ૫૦૦ કંપનીઓમાંથી જે લિસ્ટેડ છે એમને માર્કેટ-કૅપિટલાઇઝેશનના અને અન્ય કંપનીઓેને વૅલ્યુએશનના આધારે ક્રમાંક આપવામાં આવ્યો છે. સરકાર સંચાલિત કંપનીઓ અને વિદેશી કંપનીઓની ભારતની સબસિડિયરી કંપનીઓને એમાંથી બાકાત રાખવામાં આવી છે.

gdp tata group adani group indian economy united states of america haryana technology news finance news Education mumbai business news