શ્રીકાંત બોલા તો બોલેંગે કિ બોલતા હૈ

05 May, 2024 11:42 AM IST  |  Mumbai | Aashutosh Desai

સ્કૂલના અભ્યાસથી લઈને અમેરિકા ઉચ્ચ અભ્યાસ કરવા માટે ભારત સરકાર સાથે લડી લેનારા આ જાંબાઝે ઊંચા હોદ્દાની નોકરી પર ઠરીઠામ થઈ જવાને બદલે પોતાના જેવા અનેક દૃષ્ટિહીનોને રાહ ચીંધતો માર્ગ અપનાવી કરોડોનું ટર્નઓવર કરતો બિઝનેસ કઈ રીતે સ્થાપ્યો એની કહાણી પ્રેરણા

શ્રીકાંત બોલા

આવતા શુક્રવારે રાજકુમાર રાવ અભિનીત એક સાવ નોખી કહાણીવાળી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, શ્રીકાંત! તુષાર હીરાનંદાણી દિગ્દર્શિત એવી આ ફિલ્મ રાજકુમાર રાવને મુખ્ય ભૂમિકામાં લઈને આવી રહી છે. પરંતુ આ કહાણીનો રિયલ લાઇફ હીરો છે, ‘શ્રીકાંત બોલા!’

કોઈ સાહસી વ્યક્તિને કરોડો રૂપિયાનું વૅલ્યુએશન ધરાવતી એક કંપની ઊભી કરવા માટે સામાન્ય રીતે કેટલો સમય જોઈએ? સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિ કેટલી ઉંમર સુધીમાં એક ઠીકઠાક વૅલ્યુએશન ધરાવતી કંપનીનું નિર્માણ કરી શકે? આ બન્ને પ્રશ્નોનો કોઈ એક ચોક્કસ આંકડા સાથે જવાબ આપવો મુશ્કેલ છે, ખરુંને? પણ જો તમને કોઈ એમ કહે કે ભારત દેશમાં એક એવો બાહોશ પણ છે જે વાસ્તવમાં આંખોથી દિવ્યાંગ છે છતાં તેણે માત્ર ૨૩ વર્ષની ઉંમરે કરોડોનું વૅલ્યુએશન ધરાવતી એક કંપની ઊભી કરી દેખાડી તો? જી હા, ‘શ્રીકાંત’ એ જ અસામાન્ય સાહસિકની અસામાન્ય કહાણી છે.

ફિલ્મ જોવા જવા પહેલાં દૃષ્ટિથી સુરદાસ એવા શ્રીકાંતની વાસ્તવિક કહાણી ખરેખર જાણવા જેવી છે. શક્ય છે ત્યાર બાદ કદાચ આપણને ફિલ્મ જોવાની વધુ મજા પડે. તારીખ હતી ૭ જુલાઈ અને સાલ હતી ૧૯૯૨ની. આંધ્ર પ્રદેશનું મછલીપટ્ટનમ ગામ અને એ ગામમાં રહેતા ખેડૂત  દામોદર રાવ અને વેન્કટ અમ્માને ત્યાં એક પુત્રનો જન્મ થયો. જન્મ તો થયો, પણ એના તરત બાદ તેનાં મા-બાપને સગાંવહાલાં અને ઓળખીતાઓએ કહ્યું કે ‘આ બાળકને મારી નાખો, કારણ કે ભવિષ્યમાં આ બાળક તમારો સહારો નહીં પરંતુ બોજારૂપ બનવાનું છે. તમારા જિંદગીભરના દુઃખનું કારણ બની જશે!’ આવું કહેવાનું કારણ એ જ કે દામોદર રાવના ઘરે જન્મેલું એ બાળક બ્લાઇન્ડ હતું. જોકે બાળક જન્મતાંની સાથે જ એક સ્ત્રીને ‘મા’નો દરજ્જો અને એક પુરુષને ‘બાપ’નો દરજ્જો બક્ષે છે! દામોદર રાવ અને વેન્કટ અમ્માએ પણ કોઈની વાત નહીં સાંભળી એ બાળકને ઈશ્વરના આશીર્વાદ ગણી મોટો કરવાનું નક્કી કર્યું. આવા મક્કમ નિર્ધાર સાથે બાળકને મોટો કરવાનો નિર્ણય કરનારાં એ મા-બાપનો દીકરો દૃષ્ટિબાધિત હોવા છતાં તેનામાં આત્મવિશ્વાસ એવો તો કૂટી-કૂટીને ભર્યો હતો કે તેણે તત્કાલીન રાષ્ટ્રપતિને કહી દીધું કે તે ભવિષ્યમાં ભારત દેશના પહેલા દૃષ્ટિહીન રાષ્ટ્રપતિ તરીકે આરૂઢ થશે. આત્મવિશ્વાસ એવો જબરદસ્ત જળવાયેલો હતો કે તેણે સુરદાસ સાથે થતા ભેદભાવો સામે લડવા સરકારને કોર્ટમાં લલકારી દીધી હતી. મોટી-મોટી અનેક કંપનીઓની જૉબ ઑફર ઠુકરાવીને એ છોકરાએ પોતાની એક કંપની શરૂ કરી અને આખાય ભારત દેશમાં શ્રીકાંત બોલા જાણીતા થઈ ગયા. શ્રીકાંત બોલા એક એવું વ્યક્તિત્વ છે જે આપણા જેવા દરેક જનસામાન્ય માટે પ્રેરણાનું એક અવિરત ઝરણું સાબિત થઈ શકે.

ચોખાની ખેતી કરી ગુજરાન ચલાવતાં મા-બાપ દીકરો થોડો મોટો થયો એટલે તેને પણ ખેતરે લઈ જવા માંડ્યાં જેથી શ્રીકાંત ખેતીનું થોડુંઘણું કામ શીખી મા-બાપની મદદે આવી શકે, પણ શ્રીકાંતની નેત્રહીનતા અહીં આડે આવી અને તે મા-બાપને કોઈ પણ રીતે ખેતીના કામમાં ઉપયોગમાં આવી શક્યો નહીં. તે ભવિષ્યમાં પણ મદદ નહીં કરી શકે એટલું સમજાઈ જતાં દામોદર રાવે નક્કી કર્યું કે દીકરાને ભણાવવામાં આવે. હવે આ વિચાર કર્યો તો ફરી એમાં એક મુશ્કેલી ઊભી થઈ. સૌથી નજીકની શાળા જે હતી એ ચારથી પાંચ માઇલ દૂર હતી. વળી ત્યાં સુધી જવા માટે કોઈ સાધન કે વાહનવ્યવહાર પણ નહોતા. હવે આ મુશ્કેલીનો ઇલાજ એકમાત્ર હતો અને એ હતો પગપાળા પ્રવાસ. શ્રીકાંત પગપાળા શાળાએ તો જતા, પરંતુ ત્યાં ફરી એક નવી મુશ્કેલી. વિદ્યાર્થી બ્લાઇન્ડ હોવાને કારણે ભણવામાં શું નવીન કરી શકવાનો એવું ધારી તેને ક્લાસની છેલ્લી બેન્ચ પર બેસાડી દેવામાં આવ્યો. રમત-ગમતનો પિરિયડ હોય અને આખોય વર્ગ મેદાન પર જાય ત્યારે શ્રીકાંત પણ બધાની સાથે જતા ખરા, પણ તેમની સાથે કોઈ રમતું નહીં. એક જોઈ ન શકતા છોકરા સાથે રમવાની શું મજા આવે!

એકલતા અનુભવતો છોકરો ધીરે-ધીરે મુંઝાવા અને મુરઝાવા માંડ્યો. મા-બાપને દીકરાની ન બોલાયેલી પીડા વિશે ખબર પડી અને નિર્ણય લેવામાં આવ્યો કે તેને બ્લાઇન્ડની સ્પેશ્યલ સ્કૂલમાં મૂકવામાં આવે. હૈદરાબાદની દેવનાર સ્કૂલ ફૉર બ્લાઇન્ડમાં શ્રીકાંતનું ઍડ્મિશન લઈ લેવામાં આવ્યું. માત્ર સાત વર્ષનું બ્લાઇન્ડ બાળક, જે હમણાં સુધી માત્ર તેનાં મા-બાપ સાથે રહ્યું હતું, એ હવે અચાનક ઘરથી ૨૫૦ કિલોમીટર દૂર એકલું રહેવા માટે આવી ગયું હતું. ઘરથી વિખૂટું પડેલું નાનું બાળક એકલતાને કારણે વધુ પીડાવા માંડ્યું. આખરે એક દિવસ તેણે એ સ્કૂલથી ભાગી જવાનો નિર્ણય કર્યો. નિર્ણય તો કર્યો, પરંતુ એમાં તે સફળ ન થઈ શક્યો કારણ કે તે ભાગતાં પકડાઈ ગયું હતું. જેમણે શ્રીકાંતનું ઍડ્મિશન કરાવ્યું હતું તેમણે આવીને નાના શ્રીકાંતને સમજાવ્યું કે શાળાથી ભાગી જઈ ઘરે જતો રહેશે તો ભવિષ્ય તેને માટે કેવી જિંદગી લઈને આવશે. પેલી જાણીતી કહેવત છેને, તેજીને ટકોર... બસ, શ્રીકાંત માટે પણ આ એક ટકોર જાણે ૩૬૦ ડિગ્રીનો જીવન વળાંક લાવનારી સાબિત થઈ.

બ્રેઇલ લિપિ શીખવાથી પોતાની સ્વતંત્ર સફરની શરૂઆત કરનારા શ્રીકાંત ત્યાર બાદ અંગ્રેજી શીખ્યો. એક એ ભાષા, જે તેને પોતાને માટે શીખવી જરૂરી હતી અને એક બીજી ભાષા, જે તેણે બાહરી વિશ્વ માટે શીખવી જરૂરી હતી. આ બન્નેના અભ્યાસ સાથે શ્રીકાંતે ક્રીએટિવ રાઇટિંગ, ડિબેટ્સ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જ્યારે એક સાહસિક વ્યક્તિત્વ મેદાને ઊતરે ત્યારે સ્વયં વિજય રાજતિલક કરવા આવતો હોય એમ શ્રીકાંત એક પછી એક ડિબેટ અને વક્તૃત્વ સ્પર્ધાઓ જીતવા માંડ્યા. આ બધી ઇતર પ્રવૃત્તિઓમાં તેમણે ચેસ અને ક્રિકેટ જેવા ખેલોમાં પણ રુચિ લેવા માંડી અને ત્યાં પણ પોતાનો કક્કો મનાવવા માંડ્યો. હવે કક્કો કેવો મનાવ્યો હશે વિચારી શકો? બ્લાઇન્ડ ક્રિકેટ અને ચેસમાં નૅશનલ લેવલ સુધી પહોંચેલા શ્રીકાંતે જે શાળાથી ભાગવાની તૈયારીઓ કરી હતી એ જ શાળામાં હવે પ્રથમ આવવા માંડ્યા હતા.

૨૦૦૬ની સાલ, જ્યારે શ્રીકાંત હજી માત્ર ૧૪ વર્ષના હતા. તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ આઝાદ સાહેબે લીડ ઇન્ડિયા ૨૦૨૦ મિશન શરૂ કરેલું જેમાં દેશના યુવાનોને એ રીતે તૈયાર કરવામાં કે જેથી તેઓ દેશનું ઉજ્જવળ ભવિષ્ય બની શકે. શ્રીકાંત પણ એ લીડરશિપ પ્રોગ્રામમાં સિલેક્ટ થયા અને કાર્યક્રમ દરમ્યાન મહેમાન તરીકે સ્વયં ભારતના રાષ્ટ્રપતિ કલામ સાહેબ બાળકો સાથે વાત કરવા પહોંચ્યા. તેમણે બાળકો સાથે વાત તો કરી, પરંતુ નવમા ધોરણમાં ભણતા શ્રીકાંતની વાતો સાંભળી તેઓ દંગ રહી ગયા અને તેમને અત્યંત ખુશી પણ થઈ, કારણ કે શ્રીકાંતે કહેલું કે પોતે દેશનો પહેલો દૃષ્ટિહીન રાષ્ટ્રપતિ બનવા માગે છે.

દસમા ધોરણમાં ૯૦ ટકા સાથે પાસ થયેલો આ છોકરો તેનું આગળનું ભણતર સાયન્સ સ્ટ્રીમ સાથે ભણવા માગતો હતો, પરંતુ સ્કૂલે કહ્યું, આર્ટ્સ સ્ટ્રીમ સાથે ભણવું હોય તો નિઃશંક ભણી શકે છે, સાયન્સ તું નહીં લઈ શકે! કારણ શું? કારણ માત્ર એટલું કે તે દૃષ્ટિહીન છે. અને જિદ્દી સાહસવીર પહોંચ્યો ભારતની કોર્ટના દરવાજે. કેસ કોની સામે અને શું કર્યો? કેસ હતો ભારત સરકાર સામે અને ફરિયાદ હતી ભેદભાવ વિશેની. આખરે સાહસ જીત્યું અને સરકાર હારી. શ્રીકાંત પર એક સરકારી કાગળ આવ્યો, જેમાં લખ્યું હતું કે ‘તમારે સાયન્સ સ્ટ્રીમ સાથે ભણવું હોય તો ભણી શકો છો, પરંતુ તમારા પોતાના ખર્ચે અને જોખમે.’

એ સમયે દૃષ્ટિબાધિત બાળકોને ભણવા માટે સાયન્સના બ્રેઇલ લિપિનાં પુસ્તકો તો હજી હતાં નહીં. આથી તેમણે બધાં પુસ્તકોની ઑડિયો બુક બનાવડાવી લીધી અને આ ઑડિયો બુક્સનું પરિણામ શું આવ્યું? ૯૮ ટકા સાથે શ્રીકાંત બારમું ધોરણ ઉત્તીર્ણ થયા. બારમું પાસ થયા તો કૉલેજ આડે આવી. ભારતની લગભગ તમામ કૉલેજોએ તેમને કમ્પેટિટિવ એક્ઝામ્સમાં સામેલ કરવાની ના કહી દીધી, કારણ કે તેઓ જોઈ નહોતા શકતા.

આખરે જીદનો આ મામલો પહોંચ્યો અમેરિકા સુધી. અમેરિકાની ટૉપની ગણાતી ચાર કૉલેજોમાં તેમણે ઍડ્મિશન માટેનાં ફૉર્મ ભર્યાં. સકારાત્મક જીદનું પરિણામ જુઓ, જે વિદ્યાર્થીને ભારતની એક પણ કૉલેજ લેવા માટે તૈયાર નહોતી તે વિદ્યાર્થીનું ફૉર્મ અને ઍડ્મિશન અમેરિકાની ચારેય કૉલેજે સ્વીકારી લીધું અને હવે શ્રીકાંતે નક્કી કરવાનું હતું કે તેમણે કઈ કૉલેજમાં ભણવું છે! MIT પર પસંદગી ઉતારીને સાહસવીર જિદ્દી આગળ વધ્યો. યુનિવર્સિટીમાંથી સ્કૉલરશિપ પણ મેળવી અને શ્રીકાંત MITના પહેલા ઇન્ટરનૅશનલ બ્લાઇન્ડ સ્ટુડન્ટ બન્યા. 
MIT પાસઆઉટ સ્ટુડન્ટને આખી દુનિયા નોકરી આપવા અને મોંમાગ્યો પગાર અને એશોઆરામ આપવા પણ તત્પર બેઠી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. શ્રીકાંતને પણ અનેક જૉબ ઑફર્સ મળી જ, પણ શ્રીકાંત ક્યાં પૈસાની પાછળ પાગલ થવા માટે ભણ્યા જ હતા કે આ બધા પ્રલોભન તેમને આકર્ષી શકે? તેમના મનમાં તો વર્ષોથી એક ખટક ઘર કરી ગઈ હતી જે તેમણે જાતે જ હટાવવાની હતી. શા માટે માત્ર દૃષ્ટિહીન હોવાને કારણે અન્યાય સહન કરવો પડે? શા માટે દેશની એજ્યુકેશન સિસ્ટમ તેમને સ્વીકારવા માટે તૈયાર નથી હોતી? શા માટે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે? શ્રીકાંતે દૃષ્ટિબાધિત વિદ્યાર્થીઓ માટે ટ્રેઇનિંગ સેન્ટરથી આ જૂની ખટક દૂર કરવાના પ્રયાસ આરંભ્યા અને ટ્રેઇનિંગ સેન્ટરથી શરૂ થયેલા આ પ્રયાસ પછી તો કમ્પ્યુટર ક્લાસિસ સુધી વિસ્તર્યા. ટ્રેઇનિંગ પણ થઈ ગઈ અને સ્કિલ્સ પણ ડેવલપ થઈ ગઈ. હવે શું? અન્યાય માત્ર ભણવામાં જ હતો એવું નહોતું, રોજગારીની તકોમાં પણ હતો જ. તો હવે કરવું શું? શ્રીકાંતે ફન્ડિંગ મેળવવા માટેના પ્રયત્નો આરંભ્યા. થોડાઘણા જે પૈસા મળ્યા એમાંથી શરૂ થઈ બૉલન્ટ ઇન્ડસ્ટ્રીઝ. એમાં રીસાઇક્લેબલ મટીરિયલમાંથી ડિસ્પોઝિબલ ગ્લાસ, વાટકી, પ્લેટ્સ વગેરે બનાવવાનું શરૂ થયું.

શ્રીકાંત નામના આ જિદ્દી સાહસવીરની આ આખીયે સફર દરમ્યાન તેના એક એવા ગુરુ હતા જેમને પોતાના આ વિદ્યાર્થી પર જબરદસ્ત ભરોસો હતો. આથી જ તો ભણતરથી લઈને બૉલન્ટ ઇન્ડસ્ટ્રી શરૂ કરવા સુધીની આખીયે સફરમાં તેમણે શ્રીકાંતને વગર થાકયે, વગર થંભ્યે સાથ આપ્યો. અને તે હતાં શ્રીકાંતનાં ટીચર સ્વર્ણલત્તા. ત્યાર બાદ તો આ દૃષ્ટિબાધિત એવા અબાધિત સાહસવીરે એવી કમાલ કરી દેખાડી કે રતન તાતા સહિતના અનેક કૉર્પોરેટ લીડર્સ તેમને જોઈ ઇન્સ્પાયર થયા અને ન માત્ર તેમની કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું બલકે મૅનેજમેન્ટથી લઈને બાકીની બધી જ બાબતે મદદ પણ કરી. આનું પરિણામ એ આવ્યું કે ૨૦૧૮ની સાલમાં બૉલન્ટની જ્યારે બૅલૅન્સ શીટ જાહેર થઈ ત્યારે એ ૧૫૦ કરોડનું ટર્નઓવર કરતી કંપની બની ચૂકી હતી. ૭૦ ટકા દૃષ્ટિહીન સ્ટાફ સાથે કામ કરતી બૉલન્ટ શ્રીકાંતની જીદની જીતનું પરિણામ છે કે સુરદાસો પર દયા ખાતા કે અન્યાય કરતા આપણા જેવાની હારનું એ નક્કી ન કરી શકો તો ચાલશે, બસ પ્રેરણા લઈ શકીએ તોય ઘણું.

business news rajkummar rao