05 December, 2024 08:46 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
HDFC બૅન્ક નવા શિખર સાથે પ્રથમ વાર ૧૪ લાખ કરોડ રૂપિયાની કંપની બની : ૬૩ મૂન્સમાં ૧૧ વર્ષની નવી ટૉપ, પૉલિસી બાઝાર ઑલટાઇમ હાઈ : ટેક ઓવરની હવા અને સ્પષ્ટીકરણ વચ્ચે સ્ટાર સિમેન્ટ મજબૂત : ચાઇનીઝ ફૅક્ટરની અસરમાં HEG સાડાસોળ ટકાની તેજીમાં મલ્ટિયર ટોચે બંધ : રાજેશ પાવર, સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ અને રાજપૂતાના બાયોડીઝલ ઉપલી સર્કિટ સાથે નવા શિખરે, લૅમોસિકમાં નવું બૉટમ : મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સનો SME ઇશ્યુ પ્રથમ દિવસે ત્રણગણો છલકાયો : અગરવાલ ટફન્ડનું આજે લિસ્ટિંગ
બ્રિક્સ દેશો અને હમાસને ધમકાવી લીધા પછી ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય ગણાવી એક નવો વિવાદ પેદા કર્યો છે. અમેરિકાના પ્રમુખ તરીકે આ માણસ રોજેરોજ નવા બખેડા કરતો રહેવાનો છે એ વાત પાકી થઈ ગઈ છે. ૪૦ વર્ષ પહેલાં સંપૂર્ણ લોકશાહીને અપનાવ્યા પછી સાઉથ કોરિયામાં પ્રથમ વાર માર્શલ લૉ લાગુ પડાયો છે. જેનો મુખ્ય હેતુ વિપક્ષ અને વ્યાપક વિરોધને ડામી દેવાનો છે. જોકે સાઉથ કોરિયન પ્રમુખને માત્ર છ કલાકમાં જ માર્શલ લૉ પરત ખેંચી લેવાની ફરજ પડી છે, પરંતુ મામલો અહીં જ પતી જવાનો નથી. રાજકીય અસ્થિરતા વકરવાની આશંકા છે. સાઉથ કોરિયાનું શૅરબજાર બુધવારે દોઢ ટકો ઘટ્યું હતું. અન્ય એશિયન બજાર મિશ્ર હતાં. ઇન્ડોનેશિયા પોણાબે ટકા તથા તાઇવાન એક ટકો પ્લસ હતાં. યુરોપ ખાતે જર્મન ડેક્સ રનિંગમાં એક ટકો તથા અન્ય માર્કેટ અડધા ટકા આસપાસ સુધર્યાં હતાં, લંડન ફુત્સી નહીંવત નરમ હતો. પાકિસ્તાની શૅરબજાર ૧૦,૫૪૭૩ની વિક્રમી સપાટી નોંધાવી રનિંગમાં ૬૦૫ પૉઇન્ટ વધી ૧૦,૫૧૬૪ દેખાયું છે. બ્રૅન્ટ ક્રૂડ સુધારાની ચાલમાં ૭૪ ડૉલર નજીક સરક્યું છે. બિટકૉઇન અડધા ટકા જેવા સુધારામાં ૯૬,૪૧૪ ડૉલર ચાલતો હતો. ડૉલર સામે રૂપિયો નવા નીચા તળિયે ગયો છે.
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૧૯૦ પૉઇન્ટના ગૅપમાં ઉપર ૮૧,૦૩૬ ખૂલી છેવટે ૧૧૦ પૉઇન્ટની મામૂલી આગેકૂચમાં ૮૦,૯૫૬ તો નિફ્ટી ફક્ત ૧૦ પૉઇન્ટના પરચૂરણ સુધારે ૨૪,૪૬૮ બંધ થયો છે. બજારમાં બેતરફી વધઘટ હતી. ખાસ કરીને બાર વાગ્યાની આસપાસના ૧૨-૧૪ મિનિટના ગાળામાં બજાર લગભગ ૧૦૦૦ પૉઇન્ટ ઉપર-નીચે થઈ ગયું હતું. શૅરઆંક આ ગાળામાં ૮૧,૨૪૬ની ઇન્ટ્રા-ડે હાઈથી ૮૦,૬૩૦ની ઇન્ટ્રા-ડે બૉટમે પટકાઈ ત્વરિત બાઉન્સબૅક થયો હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું રહેતાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ હતી. NSEમાં ૧૬૯૯ શૅર પ્લસ તો ૧૧૦૩ જાતો નરમ હતી. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ સુધર્યાં છે. રિયલ્ટી બેન્ચમાર્ક બે ટકાથી વધુ, ફાઇનૅન્સ સવા ટકા નજીક, બૅન્ક નિફ્ટી એક ટકો કે ૫૭૧ પૉઇન્ટ મજબૂત હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સથવારે સર્વાધિક સવાબે ટકા ઊંચકાયો છે. યુકો બૅન્ક ૧૨ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક સવાઆઠ ટકા, પંજાબ સિંધ બૅન્ક પોણાઆઠ ટકા, સેન્ટ્રલ બૅન્ક સાડાસાત ટકા ઝળક્યા હતા. અન્ય ૭ બૅન્ક પોણાબેથી સવાચાર ટકા તો સ્ટેટ બૅન્ક અડધો ટકો અપ હતા. બજારનું માર્કેટ કૅપ ૨.૧૪ લાખ કરોડ વધી ૪૫૫.૬૬ લાખ કરોડ થયું છે.
HDFC બૅન્ક ૧૮૬૫ના બેસ્ટ લેવલે જઈ પોણાબે ટકા વધી ૧૮૬૦ બંધ આપી બજારને ૨૧૭ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. એનું માર્કેટ કૅપ ૧૪.૨૨ લાખ કરોડ થઈ ગયું છે. ICICI બૅન્ક અડધો ટકો વધી બજારને ૪૮ પૉઇન્ટ તો ટીસીએસ સવા ટકો વધી ૪૭ પૉઇન્ટ ફળ્યા છે. રિલાયન્સ એક ટકો ઘટી ૧૩૦૯ના બંધમાં માર્કેટને ૮૪ પૉઇન્ટ નડ્યો છે. ભારતી ઍરટેલ સવાબે ટકા બગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. તાતા મોટર્સ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, મારુતિ, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ, કોલ ઇન્ડિયા સવાથી પોણાબે ટકા તેમ જ સિપ્લા બે ટકાથી વધુ ડાઉન હતા. HDFC લાઇફ અઢી ટકા ઊંચકાઈ નિફ્ટીમાં મોખરે હતો. અપોલો હૉસ્પિટલ્સ, NTPC, બજાજ ફિનસર્વ સવાથી દોઢ ટકો અપ હતા. ૬૩ મૂન્સ ૭૩૪ નજીક ૧૧ વર્ષની નવી ટૉપ હાંસલ કરી ૪ ટકા વધી ૭૩૧ થયો છે. વિપ્રો પોણો ટકો સુધરી ૨૯૪ વટાવી ગયો હતો.
નિવા બુપા ૨૦ ટકાની તેજીમાં, જનરલ ઇન્શ્યૉરન્સના શૅર વધ્યા
મામા અર્થ ફેમ હૉનેસા કન્ઝ્યુમરમાં સહ પ્રમોટર વરુણ અલઘ તરફથી સાડાચાર કરોડનું રોકાણ કરી કંપનીમાંનો તેમનો હિસ્સો સહેજ વધારી ૩૧.૯૩ ટકા કરાયો છે. આને કંપનીના ઉજ્જ્વળ ભવિષ્યના વિશ્વાસમાં ખપાવી શૅર ખેંચીને ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૮૮ નજીક લઈ જવાયો હતો. ભાવ છેલ્લે સવાછ ટકા વધી ૨૭૮ બંધ આવ્યો છે. પૉલિસી બાઝારવાળી પીબી ફિનટેક દ્વારા હેલ્થકૅર બિઝનેસ માટે પૂર્ણ માલિકીની અલગ સબસિડિયરીની સ્થાપના કરવામાં આવતાં શૅર ૨૦૧૭ની ઑલટાઇમ હાઈ બનાવી ૩.૫ ટકા વધી ૧૯૯૫ રહ્યો છે. સ્વિગીનાં ત્રિમાસિક પરિણામ સાધારણથી નબળાં આવ્યાં છે. કંપની એની પ્લૅટફૉર્મફી બમણી કરવા વિચારી રહી છે. શૅર ઉપરમાં ૫૩૫ નજીક જઈ ૩.૪ ટકા વધી ૫૧૮ બંધ થયો છે. ઝોમાટો સવાબે ટકા વધીને ૨૮૬ હતો. નબળા વેચાણના વસવસામાં બે દિવસની નરમાઈ બાદ હ્યુન્દાઇ મોટર નીચામાં ૧૮૩૫ થયા બાદ સવા ટકો સુધરી ૧૮૭૨ હતો સામે મારુતિ સુઝુકી સવા ટકો કે ૧૪૭ રૂપિયા ઘટ્યો છે. ઓલા ઇલેક્ટ્રિક ૧૦૨ ઉપરની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નજીવો ઘટી ૯૮ બંધ આવ્યો છે.
હેલ્થ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ ઉપરનો GST ઘટવાની થીમમાં નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ બીજા દિવસના જમ્પમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ મારી ૯૮ ઉપર નવું શિખર બનાવી ત્યાં જ બંધ થયો છે, પિયર ગ્રુપમાં સ્ટાર હેલ્થ માત્ર એક ટકો વધ્યો હતો. ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ ૩.૫ ટકા, ICICI લોમ્બાર્ડ ત્રણ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ સવા ટકો પ્લસ થયો છે. ગો ડિજિટ દોઢ ટકો ઘટી ૩૪૩ હતો. વૉન્ડરલા હૉલિડેઝ દ્વારા સાધારણ પ્રીમિયમે શૅરદીઠ ૮૩૦ નજીકની ફ્લોર પ્રાઇસ એના ૮૦૦ કરોડના ક્વિપ પ્લેસમેન્ટ માટે નક્કી થતાં ભાવ ૯૪૮ નજીક જઈ અંતે આઠેક ટકા ઊંચકાઈ ૮૯૩ થયો છે.
ચાઇના તરફથી વ્યૂહાત્મક રીતે મહત્ત્વ ધરાવતી સંખ્યાબંધ આઇટમ કે મટીરિયલ્સની નિકાસ પર એકાએક પ્રતિબંધ મૂકી ટ્રમ્પને આડકતરી ચીમકી અપાઈ છે. આ મટીરિયલ્સમાં ગ્રેફાઇટનો પણ સમાવેશ થાય છે. આની અસરમાં ઇલેક્ટ્રૉડસ બનાવતી કંપની HEG લિમિટેડ ૧૩ ગણા વૉલ્યુમે ૫૯૬ની મલ્ટિયર હાઈ બતાવી સાડાસોળ ટકાના ઉછાળે ૫૮૨ તો ગ્રેફાઇટ ઇન્ડિયા સાતેક ટકાની મજબૂતીમાં ૬૦૯ બંધ આવ્યો છે.
પુણેની ઍપેક્સનું તગડું તો આભા પાવરનું નબળું લિસ્ટિંગ
SME સેગમેન્ટમાં બિલાસપુરની આભા પાવર ૧૦ના શૅરદીઠ ૭૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૫ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૮૨ નજીક ખૂલી ૭૮ બંધ થતાં ૩.૭ ટકાનો મામૂલી તથા પુણેની ઍપેક્સ ઇકોટેક ૧૦ના શૅરદીઠ ૭૩ની ઇશ્યુ પ્રાઇસ અને ૪૫ના પ્રીમિયમ સામે ૧૩૯ નજીક ખૂલી ૧૪૫ બંધ રહેતાં ૧૦૦ ટકાનો મઝેદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. જયપુરની અગરવાલ ટફન્ડ ગ્લાસ આજે લિસ્ટેડ થશે. પ્રીમિયમ વધી હાલ ૨૪ ચાલે છે. સુરક્ષા ડાયગ્નૉસ્ટિકમાં પાંચ રૂપિયા અને ગણેશ ઇન્ફ્રાવર્લ્ડમાં ૭૮નું પ્રીમિયમ બોલાય છે. બન્ને જાતો શુક્રવારે લિસ્ટેડ થશે. મુંબઈના વરલી ખાતેની નિસસ ફાઇનૅન્સ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બેન્ડ સાથે ૧૧૪ કરોડ પ્લસનો BSE SME IPO લઈ બુધવારે મૂડીબજારમાં આવ્યો છે. ભરણું પ્રથમ દિવસે ત્રણગણું ભરાઈ ગયું છે. હાલ પ્રીમિયમ બાવન આસપાસ છે. સાઉથની એમરેલ્ડ ટાયર મૅન્યુફૅક્ચરર્સ ૧૦ના શૅરદીઠ ૯૫ની અપર બેન્ડમાં ૪૯૨૬ લાખ રૂપિયાનો NSE SME IPO ગુરુવારે કરશે. ગ્રેમાર્કેટમાં ૫૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધીને અત્યારે ૬૦ બોલાય છે. કંપની અને એનો ટ્રેક-રેકૉર્ડ સારો જણાય છે. ૮૭ કરોડથી વધુનું દેવું ઉધારપાસું છે.
તાજેતરમાં લિસ્ટેડ થયેલા ભરણામાં ૧૦૦ ટકા લિસ્ટેડ ગેઇન આપનારો અમદાવાદી રાજેશ પાવર ઉપલી સર્કિટમાં પાંચ ટકા વધી ૭૩૭ના શિખરે જઈ ત્યાં, રાજપૂતાના બાયો ડીઝલ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૨૭૨ના નવા ઊંચા ભાવ બતાવી ત્યાં જ અને સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ પણ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૪૭૩ની નવી ટૉપ દેખાડી ત્યાં જ બંધ રહ્યા છે. NTPC ગ્રીન ૧૫૫ની ઑલટાઇમ હાઈ હાંસલ કરી ચારેક ટકા વધી ૧૪૮ નજીક તો ઝિન્કા લૉજિસ્ટિક ૩૬૮ની વિક્રમી સપાટી દર્શાવી તેર ટકાના જમ્પમાં ૩૬૧ હતા. પૂણેની લૅમોસેક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવથી ૬૧૨૦ લાખનો NSE SME ઇશ્યુ લાવી હતી. ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ પછી આ શૅર સતત ગગડતો રહી ગઈ કાલે પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૪૮ની અંદર નવા તળિયે જઈ અંતે ત્યાં જ બંધ થયો છે. એન્વિરો ઇન્ફ્રા ગઈ ખાલે ૨૭૬ નજીક નવી ઊંચી સપાટી નોંધાવી અડધો ટકો સુધરી ૨૫૯ હતો.
સરકારની સોલર કૉર્પોરેશનનો યુ-ટર્ન, અનિલ અંબાણીના શૅર જોરમાં
સરકારની ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલે ૨૧૭૭૨ કરોડની ડિફેન્સ પ્રપોઝલ્સને લીલીઝંડી આપી છે. એના પગલે ડિફેન્સ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી જોવાઈ હતી. ગાર્ડનરીચ શિપ બિલ્ડર્સ સવાચાર ટકા, ભારત ડાયનૅમિક્સ સાડાપાંચ ટકા, ભારત અર્થ મૂવર્સ ઉપરમાં ૪૩૮૬ થઈ અડધો ટકો સુધરી ૪૨૭૮, પારસ ડિફેન્સ ત્રણ ટકા, ડેટા પૅટર્ન્સ સવાપાંચ ટકા, માઝગાવ ડોક પોણાચાર ટકા નજીક કે ૧૭૨ રૂપિયા, કોચિનશિપ યાર્ડ અડધો ટકો, અવાન્ટેલ અઢી ટકા, મિશ્ર ધાતુ નિગમ સાડાત્રણ ટકા તાતાની નેલ્કો ૧૩૪૮ના શિખરે જઈ સાડાછ ટકાની તેજીમાં ૧૨૯૭, ઝેન ટેક્નૉલૉજી બે ટકા વધીને બંધ રહ્યો છે.
બોગસ બૅન્ક ગૅરન્ટી આપવાના કારણસર સરકારની સોલર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા તરફથી અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ પાવર ઉપર નવા કોઈ ટેન્ડરમાં બીડ કરવા સામે ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો એ ત્રણ મહિનાથીય ઓછા સમયમાં સોલર એનર્જી કૉર્પોરેશને પોતે રદ કર્યો છે. આની અસરમાં રિલાયન્સ પાવર તથા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ થયો છે. ત્રણ વર્ષનો બૅન મુકાયો ત્યારે આ બન્ને શૅર કેટલાક દિવસ સુધી નીચલી સર્કિટમાં ગગડતા રહ્યા હતા. હવે કેટલા દિવસ ઉપલી સર્કિટ મારે છે એ જોવું રહ્યું.
ઑબેરૉય રિયલ્ટીમાં નોમુરાએ ૨૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપ્યો છે. શૅર અઢી ગણા વૉલ્યુમે ૨૧૭૬ની નવી ટૉપ બનાવી ૧૦૬ કે પાંચ ટકા પ્લસના જમ્પમાં ૨૧૬૪ બંધ થયો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ વૉલ્યુમ સાથે પોણાછ ટકા ઊછળી ૧૩૭૧ વટાવી ગયો હતો. પોદાર હાઉસિંગ, હબ ટાઉન, ઇમામી રિયલ્ટી, બી.રાઇટ રિયલ એસ્ટેટ, રોડિયમ રિયલ્ટી, અરિહંત ફાઉન્ડેશન જેવી જાતો ૫-૫ ટકાની ઉપલી સર્કિટમાં બંધ હતી. રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો.
અદાણીના ૧૧માંથી ૧૦ શૅર નરમ, નાના સિમેન્ટ શૅર ઝમકમાં
અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ્સ નૉર્થ ઈસ્ટમાં પગદંડો જમાવવા મેઘાલય ખાતેની સ્ટાર સિમેન્ટ્સને હસ્તગત કરવા સક્રિય બની હોવાના અહેવાલ વહેતા થયા છે. જોકે સ્ટાર સિમેન્ટ્સ તરફથી આ અહેવાલને પાયાવિહોણા ગણાવતું સ્પષ્ટીકરણ જાહેર થયું છે. સ્ટાર સિમેન્ટનો શૅર ગઈ કાલે ૨૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૩ નજીક ગયા બાદ આ ખુલાસાને પગલે છ ટકા ઊંચકાઈ ૨૦૮ બંધ થયો છે. અંબુજા સિમેન્ટ્સ ૫૭૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સહેજ ઘટી ૫૬૪ બંધ હતો. અદાણીની એસીસી ૨૩૨૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બાદ બે ટકા બગડ્યો હતો તો સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો નરમ રહ્યો છે. અદાણી ગ્રુપના કુલ ૧૧માંથી ગઈ કાલે ૧૦ શૅર ઘટ્યા છે. બન્ને બજારમાં છ ટકાની તેજી સાથે આગલા દિવસે ટૉપ ગેઇનર બનેલો અદાણી પોર્ટ્સ ૧૩૦૭ થયા બાદ દોઢ ટકો ઘટી ૧૨૬૯ હતો. અદાણી પાવર સવા ટકો, અદાણી ગ્રીન આશરે ૪ ટકા, અદાણી ટોટલ અઢી ટકા, NDTV અડધો ટકો નરમ થયા છે. ફ્લૅગશિપ અદાણી એન્ટરપ્રાઇઝિસ પોણા ટકા નજીક અને અદાણી વિલ્મર અડધા ટાક જેવા નરમ હતા. અદાણી એનર્જી પોણા બે ટકા વધ્યો છે.
ગઈ કાલે સિમેન્ટ ઉદ્યોગના ૪૪માંથી ૨૧ શૅર પ્લસ હતા. સ્ટાર સિમેન્ટ ઉપરાંત અન્યમાં સ્કૅન પ્રોજેક્ટ્સ અઢી ટકા, અંજની પોર્ટલૅન્ડ સાડાસાત ટકા, સૈનિક ફાઇનૅન્સ ચાર ટકા, પ્રિઝમ જૉન્સન ૩.૪ ટકા, સાગર સિમેન્ટ અઢી ટકા મજબૂત હતા. બુરનપુર સિમેન્ટ ૩.૭ ટકા ગગડ્યો હતો. અલ્ટ્રાટેક પોણો ટકો નરમ, ગ્રાસિમ સાધારણ પ્લસ, શ્રી સિમેન્ટ ૦.૪ ટકા વધીને બંધ હતો. બિરલા કૉર્પ સવા ટકો વધી ૧૨૮૫ રહ્યો છે.