75 વર્ષ બાદ હેવમોર રેસ્ટોરન્ટે બદલ્યું નામ, આ છે નવું નામ

03 September, 2019 07:45 PM IST  |  અમદાવાદ

75 વર્ષ બાદ હેવમોર રેસ્ટોરન્ટે બદલ્યું નામ, આ છે નવું નામ

અમદાવાદની ખૂબ જ જાણીતી બ્રાન્ડ હેવમોરે 75 વર્ષે ઈમેજ બદલવાનો નિર્ણય કર્યો છે. હેવમોર રેસ્ટોરન્ટે બ્રાંડનું નામ બદલીને હોક્કો કર્યું છે. આ સાથે જ હેવમોરે નવા રોકાણની જાહેરાત પણ કરી છે. HRPL રેસ્ટોરન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ આ નવા બ્રાંડ નેમ હેઠળ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યમાં આગામી ત્રણ વર્ષમાં 100 કરોડનું રોકાણ કરશે. અને 60થી વધુ નવી રેસ્ટોરન્ટ અને ઈટરી શરુ કરશે.

ઉલ્લેખનીય છે કે હેવમોર સૌથી વધુ તેના આઈસક્રીમ માટે જાણીતી રહી છે અને કંપનીએ લગભગ બે વર્ષ પૂર્વે આઈસક્રીમની બ્રાન્ડ દક્ષિણ કોરિયાની લોટ્ટે કંપનીને વેચી દીધી હતી. આઈસક્રીમ બિઝનેસમાંથી બહાર નીકળ્યા બાદ હેવમોરે પોતાનું સંપૂર્ણ ધ્યાન રેસ્ટોરન્ટ બિઝનેસને વિસ્તારવા પર આપ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કંપનીના ચેરમેન પ્રદીપ ચોનાએ કહ્યું કે,'હેવમોરની બ્રાંડ તરીકે લોકોમાં એક આગવી ઓળખ છે, પરંતુ આજના જમાના પ્રમાણે મેકઓવર કરવું અમને વધુ યોગ્ય લાગ્યું અને એટલે જ અમે નવું નામ અપનાવવાનો નિર્ણય કર્યો હતો. અમને આશા છે કે, લોકો અમને અમારા નવા નામ સાથે પણ સ્વીકારશે.'

બ્રાંડનું મેક ઓવર કરવાની સાથે સાથે હેવમોરની રેસ્ટોરન્ટનો પણ મેક ઓવર થશે. હાલ હેવમોરની રાજસ્થાન અને ગુજરાતમાં કુલ 40 હેવમોર ઈટરી અને 12 રેસ્ટોરન્ટ કાર્યરત છે. આ તમામનું ઈન્ટિરયર બદલવામાં આવશે. માર્ચ 2020 સુધીમાં આ તમામ રેસ્ટોરન્ટ્સ હોક્કો બ્રાંડમાં બદલાઈ જશે.

આ પણ વાંચોઃ સ્ટેટ બેન્કના ગ્રાહકને ફ્રી મળશે આ સર્વિસ, બે લાખ સુધીનો ફાયદો

આ ઉપરાંત કંપની હેલ્ધી સ્નેક્સ બિઝનેસમાં ઝંપલાવવાનું પણ આયોજન કરી રહી છે. આગામી સમયમાં કંપની હેલ્ધી નાસ્તાની નવી બ્રાન્ડ શરૂ કરી શકે છે. આ પ્રોજેક્ટ પર પણ કંપનીનું મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે. અંકિત ચોનાના કહેવા પ્રમાણે કંપની ફૂડ બિઝનેસની સાથે અમે કન્ઝ્યુમર સેક્ટર સાથેના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાનું આયોજન છે.

business news ahmedabad gujarat