તમે નાણાકીય પિરામિડ બનાવ્યો છે?

25 March, 2019 11:03 AM IST  |  | ખ્યાતિ મશરૂ

તમે નાણાકીય પિરામિડ બનાવ્યો છે?

વેલ્થ મૅનેજમેન્ટ

નાણાકીય આયોજનની પ્રક્રિયામાં નાણાકીય પિરામિડ બનાવવાનું અગત્યનું હોય છે. દરેક વ્યક્તિ માટે તેનું અદકેરું મહત્વ હોય છે. આ પિરામિડને સમજવા માટે સૌથી પહેલાં તો તેને પિરામિડ કેમ કહેવાય છે એ જાણવું અગત્યનું છે. પિરામિડનું માળખું અનેક રીતે વિશિક્ટ છે. તેમાં સ્થિરતા અને સમતુલા તથા મજબૂત પાયો રહેલાં છે.

ઇજિપ્તમાં પિરામિડની રચના પથ્થરથી કરવામાં આવી છે. પ્રથમ થરમાં એટલે કે પાયામાં મોટા ભાગના અને સૌથી મોટા પથ્થર રખાયેલા હોય છે. તેને લીધે મજબૂત પાયો રચાય છે અને તેના પર બીજા થર રચવામાં કોઈ વાંધો આવતો નથી.

આ જ રીતે પર્સનલ ફાઇનૅન્શિયલ પ્લાનિંગના પિરામિડમાં પણ મજબૂત પાયો રચાવો જરૂરી છે. પાયો રાતોરાત નાખી શકાતો નથી અને તેના વગર બિલ્ડિંગ પણ બાંધી શકાતું નથી.

આમ ફાઇનૅન્શિયલ પ્લાનિંગ એક વ્યવહાર નહીં પણ પ્રક્રિયા છે. પિરામિડનો મૂળભૂત નિયમ નીચેથી શરૂઆત કરીને ક્રમે-ક્રમે ઉપર જવાનો હોય છે. બધાં જ પાસાં એકસાથે હાથ ધરવામાં આવતાં નથી.

આ પણ વાંચો : દેશમાં ચણાનું ઉત્પાદન ઘટીને ૮૫.૩ લાખ ટન થવાનો અંદાજ

યોગ્ય ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં સમગ્રતયા વિચાર કરવામાં આવે છે, આંશિક નહીં. આ વાતને ઉદાહરણ દ્વારા સમજીએ. તમે નિવૃત્તિકાળ માટે બચત કરવાનું લક્ષ્ય રાખ્યું હોય, પરંતુ જો તમે તાકીદની સ્થિતિમાં જરૂર પડે એ નાણાંની જોગવાઈ કરીને રાખી ન હોય તો નિવૃત્તિકાળની બચત માટેનું આયોજન ખોરવાઈ શકે છે. એ સંજોગોમાં નિવૃત્તિકાળ માટેની રકમ તાકીદની સ્થિતિમાં વાપરી નાખવી પડે એવું પણ બને. તેને પગલે નિવૃત્ત જીવનમાં શાંતિ મેળવવાની ઇચ્છા ફળીભૂત થાય નહીં. વળી તેનાથી પરિવારે આર્થિક ઉપરાંત નાણાકીય નુકસાન પણ ખમવું પડે છે. જો મુશ્કેલીમાં સપડાયેલી વ્યક્તિ ઘરની એકમાત્ર કમાનાર વ્યક્તિ હોય તો વિપદા આવી પડે છે. નાણાકીય સમસ્યાઓ આવે ત્યારે ભલભલા લોકોના હાંજા ગગડી જાય છે. આવા વખતે બીજાં બધાં નાણાકીય લક્ષ્યો કે આયોજનો ખોરવાઈ જાય છે. ખર્ચ માંડ પૂરા થતા હોય ત્યારે બચત અને રોકાણનો તો સવાલ જ આવતો નથી. પરિણામે, જીવનનાં અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અશક્ય બની જાય છે.

નાણાકીય પિરામિડના દરેક થરની વિગતવાર વાત કરવા જેવી છે; અને તેથી જ તેની ચર્ચા આપણે હવે પછીના કેટલાક લેખોમાં એક પછી એક થર લઈને કરીશું.

news