રાકેશ ઝુનઝુનવાલાએ કઈ કંપનીઓમાં રોકાણ વધાર્યું ?

26 October, 2012 05:54 AM IST  | 

રાકેશ ઝુનઝુનવાલાએ કઈ કંપનીઓમાં રોકાણ વધાર્યું ?

રાકેશ ઝુનઝુનવાલાએ ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, રાલીઝ ઇન્ડિયા, ઍગ્રો ટેક ફૂડ્સ અને જ્યૉમેટ્રિક સૉફ્ટવેરમાં રોકાણ વધાર્યું છે. રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં તાતા ગ્રુપની કંપની ટાઇટન ઇન્ડસ્ટ્રીઝના ૭૧,૦૦૦ કરતાં વધુ શૅર્સ ખરીદ્યા હતા. કુલ હોલ્ડિંગ ૮.૮૬ કરોડ શૅર્સનું થયું છે, જેની વૅલ્યુ ૨૪૭૧.૫૨ કરોડ રૂપિયા જેટલી છે.

તાતા ગ્રુપની અન્ય કંપની રાલીઝ ઇન્ડિયામાં તેમનું હોલ્ડિંગ ૧.૭૪ કરોડ શૅર્સથી વધીને ૧.૭૬ કરોડ શૅર્સ જેટલું થયું છે, જેનું મૂલ્ય ૨૪૦ કરોડ રૂપિયા જેટલું છે. ઍગ્રો ટેક ફૂડ્સમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ ૧૪.૫૩ લાખ શૅર્સથી વધીને ૧૭.૨૮ લાખ શૅર્સ જેટલું થયું છે. ગોદરેજ ગ્રુપની કંપની જ્યૉમેટ્રિક સૉફ્ટવેરમાં હોલ્ડિંગ ૧૦ ટકાથી વધીને ૧૯.૩૯ ટકા થયું છે, જેનું મૂલ્ય ૧૪૦ કરોડ રૂપિયા જેટલું છે. રાકેશ ઝુનઝુનવાલાએ તેમના પોર્ટફોલિયોમાં ડી. બી. રિયલ્ટીના શૅર્સનો ઉમેરો કર્યો છે.

રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વૉર્ટરમાં જે કંપનીઓમાં રોકાણ ઘટાડ્યું છે એની વિગત જોઈએ.

ક્રિસિલ લિમિટેડમાં તેમનું હોલ્ડિંગ ૫૫ લાખ શૅર્સથી ઘટીને ૫૪ લાખ શૅર્સ જેટલું થયું છે જેની વૅલ્યુ ૫૨૩ કરોડ રૂપિયા છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ ૧૫ લાખ શૅર્સ જેટલું ઘટાડ્યું છે. હવે તેમની પાસે કંપનીના ૧.૫૦ કરોડ શૅર્સ છે જેનું મૂલ્ય ૭૨ કરોડ રૂપિયા છે. આદિનાથ એક્ઝિમ રિસોર્સિસમાં રોકાણ ૨૫૦૦ શૅર્સ જેટલું ઓછું કર્યું છે. તેમની પાસે આ કંપનીના ૧.૬૬ લાખ શૅર્સ છે. ઍપ્ટેક, લુપિન, ડેલ્ટા કૉર્પોરેશન, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, જિયોજિત બીએનપી પારિબાસ ફાઇનૅન્શિયલ અને મૅક્નેલી ભારત એન્જિનિયરિંગમાં એમના હોલ્ડિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

બીએનપી = બૅન્ક નૅશનલ પૅરિસ