મેક ઇન ઇન્ડિયાનો સૌથી વધુ રિસ્પૉન્સ ગુજરાતમાં

26 October, 2014 05:30 AM IST  | 

મેક ઇન ઇન્ડિયાનો સૌથી વધુ રિસ્પૉન્સ ગુજરાતમાં




મોદી સરકાર દ્વારા શરૂ થયેલી મેક ઇન ઇન્ડિયાની ઝુંબેશને હજી એક મહિનાનો સમય થયો છે અને એને પ્રતિભાવ મળવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને ગુજરાતમાં જ વિવિધ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ આવવા લાગ્યા છે. અમુક પ્લાન્ટસનાં ઉદ્ઘાટન થયાં છે અને કેટલાક પાઇપલાઇનમાં છે. આ રોકાણ કરી રહેલી કંપનીઓમાં દેશ અને વિદેશની અગ્રણી કંપનીઓ સામેલ છે.

અમેરિકન દવા કંપની અબોટે ગુજરાતમાં ઝગડિયા ખાતે પ્લાન્ટ શરૂ કર્યો છે, જે અહીં ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ બનાવશે. આ પ્લાન્ટમાં ૪૫૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, જે ૪૦૦ લોકો માટે રોજગારી ઊભી કરશે. જર્મનની અગ્રણી કંપની બાસ્ફ લિમિટેડે દહેજ ખાતે ૧૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કેમિકલ પ્લાન્ટ સ્થાપ્યો છે, જે કંપનીનું ભારતમાં સિંગલ લાર્જેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. આ બન્ને પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન ગુજરાતનાં ચીફ મિનિસ્ટર આનંદીબહેન પટેલે કર્યું હતું.

આ વિષયમાં નોંધપાત્ર વાત એ છે કે અહીં બહુ ઝડપથી અમલ થઈ રહ્યો છે, કારણ કે સ્થાપનાની પ્રોસેસ-ક્લિયરન્સ પણ ઝડપી થઈ શકે છે. હજી અનેક પ્લાન્ટ્સ કતારમાં છે. હૉન્ડા મોટરસાઇકલ પ્લાન્ટ પણ આવી રહ્યો છે. અમેરિકાની ફોર્ડ મોટરની ફોર્ડ ઇન્ડિયા પણ ગુજરાતના સાણંદમાં પોતાના પ્લાન્ટનું કમર્શિયલ કામકાજ શરૂ કરી રહી છે. આ કંપની એક અબજ ડૉલરનું રોકાણ કરશે. કંપની અહીં ૨.૪૦ લાખ કાર અને ૨.૭૦ લાખ એન્જિન બનાવશે.

ગુજરાત ઇન્વેસ્ટર્સ-ફ્રેન્ડ્લી રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે. કહેવાય છે કે મોદી જે ગુજરાતમાં સફળતાપૂવર્‍ક કરી ચૂક્યા છે એ મૉડલ દિલ્હીમાં પણ અમલમાં મૂકી રહ્યા છે.

ગુજરાતમાં આવી રહેલું રોકાણ

ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપનાર અને રોકાણ કરનાર અન્ય કંપનીઓમાં અમેરિકાની ર્ફોડ ઇન્ડિયા સાણંદમાં ૬૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરર રહી છે. હૉન્ડા મોટરસાઇકલ ૧૦૦૦ કરોડ રૂપિયાનું અને કોલગેટ સાણંદમાં ૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે.