02 May, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં મૅન્યુફૅક્ચરિંગ પ્રવૃત્તિ વધુ વેગવંતી બની અને એપ્રિલમાં ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. મજબૂત નવા ઑર્ડર, ઘટતા ભાવ અને બહેતર આંતરરાષ્ટ્રીય વેચાણ અને સપ્લાય-ચેઇનની સ્થિતિમાં સુધારો થવાને કારણે ગ્રોથ વધ્યો, એમ માસિક સર્વેમાં જણાવાયું હતું.
સીઝનલી ઍડ્જસ્ટેડ એસઍન્ડપી ગ્લોબલ ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ પરર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) માર્ચમાં ૫૬.૪થી વધીને એપ્રિલમાં ૫૭.૨ થયો છે, જે આ વર્ષે અત્યાર સુધીના સેક્ટરના સ્વાસ્થ્યમાં સૌથી ઝડપી સુધારો દર્શાવે છે. પીએમઆઇ ડેટા સતત ૨૩માં મહિને સ્થિતિમાં સુધારો દર્શાવે છે.
નવા ઑર્ડરમાં મજબૂત અને ઝડપી વિસ્તરણને પ્રતિબિંબિત કરીને, ઉત્પાદન વૃદ્ધિએ એપ્રિલમાં વધુ એક પગલું આગળ વધાર્યું છે. કંપનીઓને પ્રમાણમાં ભાવઘટાડો, બહેતર આંતરરાષ્ટ્રીય વેચાણ અને પુરવઠા-શ્રેણીની સ્થિતિમાં સુધારો થવાથી પણ ફાયદો થયો છે એમ એસઍન્ડપી ખાતે અર્થશાસ્ત્રના અસોસિયેટ ડિરેક્ટર ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું.
ચાલુ કૅલેન્ડર વર્ષમાં અત્યાર સુધીના સૌથી મજબૂત દરે ફૅક્ટરી ઑર્ડર અને ઉત્પાદન વધ્યું હતું અને વધુ નોકરીઓનું સર્જન થયું હતું અને કંપનીઓએ સ્ટૉક રિપ્લેનિશમેન્ટના પ્રયત્નોને કારણે ઇન્પુટ ખરીદીમાં વધારો કર્યો હતો.