ઘઉંમાં સરકારી વેચાણ ભરસીઝને ચાલુ થાય તેવી સંભાવના

11 April, 2019 10:45 AM IST  | 

ઘઉંમાં સરકારી વેચાણ ભરસીઝને ચાલુ થાય તેવી સંભાવના

દેશમાં નવા ઘઉંની સીઝન ચાલુ થઈ ગઈ છે અને દેશભરમાં પુષ્કળ આવકો થઈ રહી છે. કેન્દ્ર સરકાર સરકારી ગોડાઉનમાં પડેલા ઘઉં અને ચોખાના વધારાના સ્ટૉકને ખુલ્લા બજારમાં ઠલવવાનું આયોજન કરી રહી છે. સામાન્ય રીતે ઘઉંનું વેચાણ માર્ચ અંતમાં પૂરુ થઈ ગયું છે, પરંતુ ચાલુ વર્ષે પ્રથમ વાર સીઝનમાં જ સરકાર વધારાનો સ્ટૉક ખાલી કરવાના મૂડમાં છે. ફ્લોર મિલો અને બલ્ક ગ્રાહકોને પૂરતી માત્રમાં ઘઉં મળી રહે એ હેતુથી સરકાર આ આયોજન ઘડી રહી છે.

હાલ લોકસભાની ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ હોવાથી મંત્રીઓના સમૂહની બેઠક મળતી નથી. આવી સ્થિતિમાં સેક્રેટરીઝની કમિટીના ગ્રુપે એક બેઠક બોલાવી હતી અને તેમાં આ નર્ણિય લવાયો હતો. હવે આ અંગેના આખરી નર્ણિય માટેની દરખાસ્ત નાણાં મંત્રાલયને મોકલી છે અને નાણાં મંત્રાલયે ચૂંટણીપંચની મંજૂરી અર્થે મોકલી છે. એક વાર ચૂંટણીપંચ મંજૂરી આપશે તો આગામી દિવસોમાં વેચાણ ફરી શરૂ થઈ શકે છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા પાસે હાલમાં ૨૬૩ લાખ ટન ચોખા અને ૨૦૧ લાખ ટન ઘઉં પડ્યાં છે. સરકારનો આગામી ખરીફ સીઝનમાં ચોખાનો ૪૫૦ લાખ ટન અને ઘઉંનું ચાલુ સીઝનમાં ૩૫૭ લાખ ટનની ખરીદીનો લક્ષ્યાંક છે. પરિણામે સરકારે ઘઉંનો કુલ ૧૦૦ લાખ ટન અને ચોખાનો ૨૦ લાખ ટનનો ઓપન માર્કેટમાં વેચાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

આ પણ વાંચોઃ ખાંડમાં તેજીની ધારણા, ચીન સાથે ૩૦ હજાર ટનનો વેપાર

 

news