૩૨ વર્ષનો ગુજરાતી યુવાન ગોલ્ડમૅન સાક્સનો યંગેસ્ટ પાર્ટનર

14 November, 2014 03:43 AM IST  | 

૩૨ વર્ષનો ગુજરાતી યુવાન ગોલ્ડમૅન સાક્સનો યંગેસ્ટ પાર્ટનર




ગોલ્ડમૅન સાક્સમાં મૅનેજિંગ ડિરેક્ટરનું પદ ધરાવનાર બિનરહીશ ભારતીય કુણાલ શાહને કંપનીના પાર્ટનર તરીકે બઢતી આપવામાં આવી છે. રોકાણ સંબંધી કામકાજ કરતી વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની ગોલ્ડમૅન સાક્સમાં આ પદ પર પહોંચનાર સૌથી નાની વયની મૂળ ભારતીય વ્યક્તિનું બિરુદ પણ કુણાલને મળી ગયું છે.

૩૨ વર્ષના કુણાલ સહિત ૭૮ વ્યક્તિઓને પાર્ટનરનો હોદ્દો આપવામાં આવ્યો છે. મૂળ ભારતીય એવી અન્ય ૪ વ્યક્તિઓને પણ આ પદ મળ્યું છે. કુણાલ શાહને ૨૭ વર્ષની નાની વયે જ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગની આ કંપનીમાં મૅનેજિંગ ડિરેક્ટરનું પદ મળ્યું હતું. તે કૅમ્બિþજ યુનિવર્સિટીનો મૅથ્સના વિષયનો પદવીધારી છે. તેને ૨૦૧૧માં ‘ફૉબ્સર્‍’ના ૩૦ અન્ડર ૩૦ ફાઇનૅન્સ લિસ્ટમાં અર્થાત્ ૩૦ વર્ષથી ઓછી ઉંમરની નાણાકીય ક્ષેત્રની ૩૦ અગ્રણી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું.

કુણાલ ૨૦૦૪માં ગોલ્ડમૅન સાક્સમાં લંડનમાં જોડાયો ત્યારથી જ તેણે અદ્ભુત પ્રગતિ કરી છે. એ ઉપરાંત ગોલ્ડમૅન સાક્સમાં પાર્ટનર બનેલી અન્ય ચાર મૂળ ભારતીય વ્યક્તિઓમાં મીના લાકડાવાલા ફ્લિન, માણિકનંદન નટરાજન, ઉમેશ સુબ્રમણ્યન અને રાજેશ વેન્કટરમણીનો સમાવેશ છે.

ગોલ્ડમૅન સાક્સ દર બે વર્ષે પોતાના પાર્ટનર્સની પસંદગી કરે છે. એને માટેના માપદંડ ઘણા આકરા છે. એ પ્રક્રિયા એક મહિનો ચાલે છે.

ગોલ્ડમૅનમાં ૪૬૭ પાર્ટનર્સ છે જે એના કુલ ૩૩,૫૦૦ના કર્મચારીગણનો ૧.૬ ટકા હિસ્સો થાય છે.

પાર્ટનર થવાના લાભ

ગોલ્ડમૅન સાક્સના પાર્ટનર્સને આશરે ૯ લાખ ડૉલરનો પગાર અને બૅન્કના ફક્ત પાર્ટનર્સ માટેના બોનસનો હિસ્સો તથા અન્ય લાભ મળે છે. તેમને રોકાણની વિશેષ તક પણ મળે છે જે અન્ય કર્મચારીઓને નથી અપાતી.