ભારતની ડિમાન્ડ વધવાની ધારણાથી વૈશ્વિક સોનું ચાર સપ્તાહની ઊંચાઈએ

14 October, 2014 04:48 AM IST  | 

ભારતની ડિમાન્ડ વધવાની ધારણાથી વૈશ્વિક સોનું ચાર સપ્તાહની ઊંચાઈએ


બુલિયન બુલેટિન-મયૂર મહેતા


વિશ્વના બીજા ક્રમના સોનાના ઇમ્ર્પોટર ભારતની ડિમાન્ડ દિવાળીના તહેવારમાં વધવાની ધારણા અને ઇક્વિટી માર્કેટની મંદીથી ડૉલર તૂટતાં સોનાના ભાવ ચાર સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. વળી ચીનના બુલિશ એક્સર્પોટ ડેટાનો પણ સોનાની તેજીને ટેકો મળ્યો હતો. ગોલ્ડ સર્વે રિપોટમાં પણ ઍનલિસ્ટોએ તેજીની ધારણા મૂકી હતી. ગોલ્ડ ETP (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ)ના હોલ્ડિંગમાં પણ જંગી ઉછાળો નોંધાયો હતો.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગયા સપ્તાહે સોનાનો ભાવ આંરભે ઘટયા બાદ સ્પ્રિગની જેમ ઊછળ્યો હતો. ગયા સપ્તાહે ૧૧૮૩ ડૉલર સુધી ઘટેલા સોનાના ભાવમાં મોટો ઉછાળો આવીને ભાવ એક તબક્કે ૧૨૩૦ ડૉલર સુધી વધ્યા હતા. નવા સપ્તાહના આરંભે ગઈ કાલે ઇક્વિટી માર્કેટની મંદી અને ક્રૂડ તેલની તેજીનો સર્પોટ મળતાં સોનાનો ભાવ ૧૨૨૮ ડૉલર ખૂલ્યા બાદ એક તબક્કે વધીને ૧૨૩૭.૩૦ ડૉલર સુધી વધ્યો હતો. છેલ્લે સોનાનો ભાવ ૧૨૨૮.૨૦ ડૉલર થયો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૪૧ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૩૯ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૬૪ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૫ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૮૮ ડૉલર ખૂલીને ૭૮૧ ડૉલર રહ્યો હતો.

ચીનની બુલિશ એક્સર્પોટ

વર્લ્ડના સૌથી મોટા કન્ઝ્યુમર અને ઇમ્ર્પોટર ચીનના સપ્ટેમ્બરના એક્સર્પોટ ફિગર બુલિશ રહ્યા હતા. સપ્ટેમ્બરની એક્સર્પોટ ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં ૧૫.૩ ટકા વધી હતી જે ઍનલિસ્ટોએ ૧૧.૮ ટકા વધવાની ધારણા રાખી હતી, જ્યારે સપ્ટેમ્બરની ઇમ્ર્પોટ સાત ટકા વધી હતી જે ઍનલિસ્ટોએ ૨.૭ ટકા ઘટવાની ધારણા રાખી હતી. આગલા મહિના ઑગસ્ટની સરખામણીમાં એક્સર્પોટ ૯.૪ ટકા વધી હતી. ચીનની ટ્રેડ-સરપ્લસ સપ્ટેમ્બરમાં ગયા વર્ષ કરતાં ડબલ ૩૧ અબજ ડૉલર રહી હતી. ચીનની ઇકૉનૉમીનો સુધારો અને સ્પૉટ ફિઝિકલ કૉન્ટ્રૅક્ટ ગયા મહિને શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જમાં ચાલુ થયા બાદ આવનારા દિવસોમાં ચીનની ડિમાન્ડ વધવાના પૉઝિટિવ સંકેતો મળવા લાગ્યા છે જે સોનાના ભાવને તેજી તરફ દોરી જશે.

પ્રાઇસ-સર્વેનો રિપોટ

ગોલ્ડના ભાવ વિશે દર સપ્તાહે કિટકો ન્યુઝસર્વિસ દ્વારા યોજાતા સર્વેમાં આ વખતે ૩૭ ઍનલિસ્ટોમાંથી ૨૩ પાર્ટિસિપન્ટોએ ભાગ લીધો હતો. ૨૬માંથી દસના મતે ગોલ્ડમાં તેજી થશે અને નવના મતે મંદી થશે, જ્યારે ચાર પાર્ટિસિપન્ટ્સે ભાવ રેન્જબાઉન્ડ રહેવાની આગાહી કરી હતી. ગોલ્ડ સર્વેના પાર્ટિસિપન્ટ્સમાં આ વખતે તેજી-મંદી વિશે જુદા-જુદા મત હતા. કેટલાક પાર્ટિસિપન્ટોના મતે ગોલ્ડની તેજી કામચલાઉ હતી; જ્યારે કેટલાકના મતે હવે ગોલ્ડના ભાવ સતત વધતા રહેશે, કારણ કે અમેરિકાની ઈઝી મની પૉલિસી હજી લાંબા સમય સુધી ચાલુ રહે એવા સ્પક્ટ સંકેતો મળી રહ્યા છે.

ETPનું હોલ્ડિંગ

અમેરિકી ફ્યુચર માર્કેટનાં હેજ ફન્ડો અને મની મૅનેજરોએ વીતેલા સપ્તાહ દરમ્યાન સતત આઠમા સપ્તાહે બુલિશ પોઝિશન ઘટાડી હતી, પણ ETPના હોલ્ડિંગમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૧.૨ અબજ ડૉલરનો વધારો થયો હતો. અમેરિકી ગોલ્ડ ફ્યુચરમાં વીતેલા સપ્તાહ દરમ્યાન ૨.૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો જે સતત પાંચ સપ્તાહના ઘટાડા બાદનો ઉછાળો હતો અને જૂન પછીનો સૌથી મોટો વીકલી ઉછાળો હતો. હેજ ફન્ડો અને મની મૅનેજરોએ બુલિશ પોઝિશન ૧.૨ ટકા ઘટાડી હતી, પણ આવતા સપ્તાહે હેજ ફન્ડો અને મની મૅનેજરો બુલિશ પોઝિશન વધારે એવી ધારણા છે.

ચિદમ્બરમ દ્વારા સોનાનાં આયાત નિયંત્રણોની વકીલાત

સોનાની આયાત પરનાં નિયંત્રણોથી સ્મગલિંગ જેવા ગેરલાભ સામે ભારતીય અર્થતંત્રને જે લાભ મળી રહ્યો છે એ ઘણો મોટો હોવાની વાત કહીને ભૂતપૂવર્‍ નાણાપ્રધાન ચિદમ્બરમે સોનાની આયાત પર ચાલુ રખાયેલાં નિયંત્રણોની વકીલાત કરી હતી. ભારતમાં સોનાની આયાત પર ચિદમ્બરમે જ તમામ નિયંત્રણો નાણાપ્રધાનના કાર્યકાળ દરમ્યાન લાદી દીધાં હતાં. નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ સોનાની આયાત પરનાં નિયંત્રણો દૂર થશે એવી ઝવેરીબજારની આશા હજી સુધી ફળીભૂત થઈ નથી ત્યારે ચિદમ્બરમે સોનાની આયાત પરનાં નિયંત્રણોની વકીલાત કરતાં નજીકના ભવિષ્યમાં સોનાનાં આયાત-નિયંત્રણો દૂર થવાની રહીસહી આશા પર પણ ઠંડું પાણી રેડાઈ ચૂક્યું છે. 

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૧૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૬૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૯,૪૭૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)