13 December, 2024 08:20 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં સતત બીજે મહિને વધતાં ૨૦૨૫માં ફેડના રેટ-કટના ચાન્સિસ ધૂંધળા બનતાં સોનું સતત પાંચ દિવસ વધ્યા બાદ ગુરુવારે વર્લ્ડ માર્કેટમાં ઘટ્યું હતું. સોનું વધીને ૨૭૨૬.૯૦ ડૉલર થયા બાદ ઘટીને ૨૭૦૧.૫૦ ડૉલર થયું હતું પણ ચાંદી વધીને ૩૨.૪૭ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૩૧.૯૭ ડૉલર હતી.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૮૧ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૬૦૦ રૂપિયા વધ્યો હતો. રૂપિયાની સતત વધતી નબળાઈને કારણે મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે ઊછળ્યું હતું. સોનું ચાર દિવસમાં ૧૯૬૦ રૂપિયા વધ્યું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું કન્ઝ્યુમર હેડલાઇન ઇન્ફ્લેશન નવેમ્બરમાં સતત બીજે મહિને વધીને ૨.૭ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૨.૬ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૨.૭ ટકાની હતી. ગૅસોલીન અને ફ્યુઅલ ઑઇલનો ઘટાડો ધીમો પડ્યો હતો અને નૅચરલ ગૅસના ભાવ વધતાં ઇન્ફ્લેશન વધ્યું હતું. કૉર ઇન્ફ્લેશન નવેમ્બરમાં ૩.૩ ટકા જળવાયેલું હતું.
અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા બાદ ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૬.૩૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, કારણ કે ઇન્ફ્લેશનના ડેટા વધીને આવતાં ફેડને ૨૦૨૫માં રેટ-કટના ડિસિઝન માટે વધુ સાવચેતી રાખશે પણ ડિસેમ્બરમાં ફેડના રેટ-કટના ચાન્સિસ વધીને ૧૦૦ ટકા પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૬.૬૬ પૉઇન્ટે પહોંચ્યા
બાદ ૧૦૬.૬૪થી ૧૦૬.૬૫ પૉઇન્ટે સ્ટેડી રહ્યો હતો.
અમેરિકન ગવર્નમેન્ટની બજેટ ડેફિસિટ નવેમ્બરમાં વધીને ૩૬૭ અબજ ડૉલરે પહોંચી હતી જે છેલ્લા એક વર્ષમાં ૧૭ ટકા વધી હતી. ડિસેમ્બરમાં મેડિકલ અને સોશ્યલ સિક્યૉરિટી પેમેન્ટનો બોજ વધતાં ડેફિસિટ મોટા પ્રમાણમાં વધી હતી. ઑક્ટોબરથી શરૂ થયેલા નવા ફાઇનૅન્શિયલ વર્ષના પ્રથમ બે મહિનામાં બજેટ ડેફિસિટ ગયા વર્ષથી ૬૪ ટકા વધીને ૬૨૪ અબજ ડૉલરે પહોંચી હતી. અમેરિકન સરકારની રિસિપ્ટ ૭ ટકા ઘટી હતી એની સામે આઉટલે ૧૮ ટકા વધ્યું હતું.
ભારતનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન નવેમ્બરમાં ઘટીને ૫.૪૮ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૬.૨૧ ટકા હતું. કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઘટવા છતાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ચાર ટકાથી વધુ હોવાથી ટૂંક સમયમાં રેટ-કટની શક્યતા વધી હતી જે જાહેરાત રિઝર્વ બૅન્કના ગર્વનરે કરી હતી. ભારતનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઑક્ટોબરમાં સતત બીજે મહિને ૩.૫ ટકા વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૩.૧ ટકા વધ્યું હતું.
યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ-રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટને ત્રણ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો આ ચોથો રેટ-કટ હતો. આ ઘટાડા પછી ૨૦૨૫માં જૂન સુધી દરેક મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ આવવાની માર્કેટની ધારણા છે, કારણ કે યુરો એરિયાનું ઇન્ફ્લેશન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ નજીક પહોંચી ગયું છે. કૅનેડાની સેન્ટ્રલ બૅન્કે પણ ૫૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ કર્યો હતો જે સતત બીજો રેટ-કટ હતો. સ્વીત્ઝરલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે પણ બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ-રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો જે સતત ચોથો ઘટાડો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
ચીનની નબળી બનતી ઇકૉનૉમિક કન્ડિશનને સુધારવા ઘણી બધી કવાયત છેલ્લા ચાર દિવસથી ચાલી રહી છે. ગવર્નમેન્ટની હાઈ લેવલ ઇકૉનૉમિક પ્લાનિંગની મીટિંગ ગુરુવારે પૂરી થયા બાદ અનેક પ્રકારનાં પગલાં લેવાશે એવા સંકેત ત્યાંના સ્ટેટ મીડિયાએ આપ્યા હતા જેમાં કન્ઝ્યુમર ડિમાન્ડ વધારવા માટે સબસિડી અને ઇન્સેન્ટિવ પ્રોગ્રામને વ્યાપક બનાવવાની વાત કહેવામાં આવી હતી. ચીને એકથી વધુ વખત ઇન્ટરેસ્ટ-રેટમાં ઘટાડો કરીને સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કર્યાં હતાં પણ આ તમામ પગલાં કારગત નીવડ્યાં નથી. ચીનની નૅશનલ કૉન્ગ્રેસની મીટિંગ માર્ચમાં યોજાશે ત્યારે મેગા સ્ટિમ્યુલસ પૅકેજ આવવાની ધારણા મુકાઈ રહી હોવાથી હાલ સોના-ચાંદીની તેજીને ચાઇનીઝ બાઇંગનો સપોર્ટ મળી રહ્યો છે. જો ધારણા પ્રમાણે અસરકારક સ્ટિમ્યુલસ પૅકેજ આવશે તો માર્ચ બાદ સોના-ચાંદીમાં તેજીનો નવો તબક્કો શરૂ થશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૭૮,૧૪૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૭૭,૮૩૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૩,૩૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)