અમેરિકી ફેડના નિર્ણયની રાહે સોનું ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ

18 December, 2014 05:46 AM IST  | 

અમેરિકી ફેડના નિર્ણયની રાહે સોનું ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ



બુલિયન બુલેટિન - મયૂર મહેતા


અમેરિકી ફેડરલ રિઝવર્‍ની બે દિવસની મીટિંગ પૂરી થયા બાદ ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશેની પૉલિસી સ્પક્ટ થાય એની રાહે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ હતું. રશિયા દ્વારા ઇન્ટરેસ્ટ-રેટમાં આક્રમક વધારો કરવા છતાં રશિયન કરન્સી રૂબલનું મૂલ્ય અમેરિકી ડૉલર સામે તૂટતું અટક્યું નહોતું. આથી રશિયા હવે કટોકટીને નિવારવા કેવાં પગલાં ભરે છે એના પર વિશ્વની નજર છે. રૂબલને સ્ટેબલ કરવા રશિયા જો સોનું વેચશે તો વિશ્વબજારમાં સોનાના ભાવ ગગડવા માટે નવું કારણ ઉમેરાશે. અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ ૨૦૧૫માં વધારવાનો ફેડરલ રિઝવર્‍નો માઇલ્ડ સંકેત પણ સોનામાં મોટો ઘટાડો લાવશે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે સોનાના ભાવમાં જબ્બર અફરાતફરી બોલી ગઈ હતી. કોમેક્સ ગોલ્ડ ફેબ્રુઆરી કૉન્ટ્રૅક્ટ મંગળવારે ઓવરનાઇટ ૧.૧ ટકા ઘટીને ૧૧૯૪.૩૦ ડૉલર સેટલ થયો હતો. સ્પોટમાં મંગળવારે સોનાનો ભાવ નીચામાં ૧૧૮૮.૪૧ ડૉલર અને ઊંચામાં ૧૨૨૧ ડૉલર થયો હતો. આખા દિવસ દરમ્યાન ૩૩ ડૉલરની વધ-ઘટ જોવા મળી હતી. બુધવારે સવારે સ્પોટ માર્કેટમાં સોનું ૧૧૯૮.૬૬ ડૉલર ખૂલીને એક તબક્કે ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું, પણ ત્યાર બાદ ઘટ્યું હતું. ચાંદીના ભાવમાં પણ મંગળવારે મોટી વધ-ઘટ જોવા મળી હતી. બુધવારે સવારે ચાંદી ૧૫.૮૫ ડૉલર ખૂલ્યા બાદ રેન્જબાઉન્ડ રહી હતી. પ્લૅટિનમના ભાવ ૧૧૯૬ ડૉલર ખૂલ્યા બાદ ધીમી ગતિએ વધ્યા હતા; જ્યારે પેલેડિમનો ભાવ ૭૮૨ ડૉલર ખૂલ્યા બાદ રેન્જબાઉન્ડ અથડાયેલા રહ્યા હતા.

રશિયા હવે નિર્ણાયક

સોનાની બજારની દિશા નક્કી કરવા માટે હવે રશિયાની ભૂમિકા આવનારા દિવસોમાં નિર્ણાયક બનશે. ક્રૂડ તેલની મંદીને કારણે કટોકટીમાં મુકાયેલી રશિયન ઇકૉનૉમીને સ્ટેબલ કરવા સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ-રેટ ૧૦.૫૦ ટકાથી વધારીને ૧૭ ટકા કર્યા તો પણ રશિયન કરન્સી રૂબલ ડૉલર સામે તૂટતો અટક્યો નહોતો. છેલ્લા એક વર્ષમાં રશિયન રૂબલ અમેરિકી ડૉલર સામે ૫૦ ટકાથી વધુ તૂટ્યો છે. રશિયન સેન્ટ્રલ બૅન્ક પાસે ૧૧૬૯.૫૦ ટન સોનું પડ્યું છે, જે રશિયાની કુલ રિઝવર્‍ના ૧૦ ટકા છે. રશિયાએ છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ રિઝર્વ ૧૫૦ ટન વધારી હતી. રશિયાએ રૂબલને વધુ તૂટતો બચાવવા અત્યાર સુધીમાં ઇકૉનૉમીમાં ૮૦ અબજ ડૉલર ઠાલવ્યા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ૨૦૦૫થી અત્યાર સુધીમાં રશિયાએ ગોલ્ડ રિઝવર્‍ને બમણી કરી છે. બૅન્ક ઑફ અમેરિકાના મેટલ સ્ટ્રેટેજિસ્ટના મતે રશિયન કરન્સી રૂબલને સ્ટેબલ કરવા માટે રશિયાને રિઝવર્‍માં પડેલા ગોલ્ડને વેચવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નથી. આગામી દિવસોમાં રશિયા જો ગોલ્ડ વેચશે તો સોનાના ભાવને ઘટવાનું મોટું કારણ મળશે.

૨૦૧૫ના પ્રોસ્પેક્ટસ

વિશ્વના પ્રવાહો અત્યંત અનિશ્ચિત હોવાથી સોનાના ભાવના પ્રોસ્પેક્ટસ વિશે કોઈ નિશ્ચિત ફોરકાસ્ટ કરી શક્યા નથી. ૨૦૧૫માં સોનાના ભાવ કેવા રહેશે? તે વિશે વિવિધ બેન્કો, ફાયનાન્શિયલ એજન્સીઓ દ્વારા ફોરકાસ્ટ આવવા લાગ્યા છે. ANZ (ઑસ્ટ્રેલિયા ઍન્ડ ન્યુ ઝીલૅન્ડ બૅન્કિંગ કૉરપોરેશન) દ્વારા ૨૦૧૫માં સોનાના ભાવ ઍવરેજ ૧૨૩૮ ડૉલર રહેશે એવી આગાહી કરવામાં આવી છે, જે હાલના ભાવથી સાડાત્રણ ટકા વધુ છે. ANZના ઍનૅલિસ્ટનું માનવું છે કે છેલ્લાં ત્રણ ક્વાર્ટરથી ચીનની સુસ્ત રહેલી ડિમાન્ડ ૨૦૧૫માં રીબાઉન્ડ થશે તેમ જ ભારતની બદલાયેલી ઇમ્પોર્ટ પૉલિસી ગોલ્ડના ભાવને સપોર્ટ કરશે, ઉપરાંત યુરો ઝોન સ્ટીમ્યુલેસ પૅકેજ યુરો અને ઇકૉનૉમીને મજબૂત કરશે. વળી ચીન-જપાન અને યુરો ઝોન નબળી ઇકૉનૉમીથી  સોનામાં સેફહેવન બાઇંગ વધશે; જ્યારે ડચ બૅન્ક તદ્દન ઊલટું ફોરકાસ્ટ કરીને ૨૦૧૫માં સોનાના ભાવ ઍવરેજ ૧૧૬૯ ડૉલર રહેવાની આગાહી કરી રહ્યું છે. ડચ બૅન્કના મતે અમેરિકી ડૉલરની મજબૂતી, ક્રૂડ તેલની મંદી અને ચીન, જપાન તથા યુરો ઝોન મંદીથી સોનામાં ભાવ સતત ઘટતા રહેશે.

ગુજરાતમાં ગોલ્ડ સ્મગલિંગ ૨૦૧૪માં નવ ગણું વધ્યું

સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ૨૦૧૩માં વધ્યા બાદ દેશભરમાં ગોલ્ડ સ્મગલિંગ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં ડિરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટે કુલ ૧૬૦.૯ કિલો ગોલ્ડ સ્મગલિંગ પકડ્યું હતું, જે ૨૦૧૩માં ૧૭ કિલો અને ૨૦૧૨માં માત્ર પાંચ કિલો ગોલ્ડ જ સ્મગલિંગમાં પકડાયું હતું. ગુજરાતમાં ૨૦૧૪માં કુલ ગોલ્ડ સ્મગલિંગના ૫૨ કેસો પકડાયા હતા અને એમાં ૪૭.૯૪ કરોડ રૂપિયાનું ગોલ્ડ પકડાયું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ગુજરાતમાં ખંભાળિયા, સુરેન્દ્રનગર અને અન્ય સ્થળેથી ૧૦૬.૧૬ કિલો સોનું અને કસ્ટમ ડિપાર્ટમેન્ટે અમદાવાદ ઍરપોર્ટ પરથી ૫૪.૮૨ કિલો સોનું પકડ્યું હતું. અમદાવાદ ઍરપોર્ટ પરથી ૨૦૧૪માં કુલ ૬૪ ગોલ્ડ સ્મગલરો પકડાયા હતા. દુબઈ, સિંગાપોર, બૅન્ગકૉક વગેરેથી ગોલ્ડ ખરીદીને ભારતમાં ઘુસાડવામાં આવે તો કિલોએ ૭૫,૦૦૦ રૂપિયાનો ફાયદો થાય છે.