06 February, 2025 07:59 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા-ચીને એકબીજા દેશોમાંથી આયાત થતી ચીજો પર ટૅરિફ વધારતાં ટ્રેડવૉરની શક્યતા વધી હતી એની સાથે અમેરિકાના જૉબ-ઓપનિંગ ડેટા અને ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ નબળો આવતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઘટ્યો હતો જેનાથી સોનું વર્લ્ડ માર્કેટમાં નવી ટોચે ૨૮૭૨.૧૦ ડૉલરે પહોંચ્યુ હતું. સોનું વધતાં ચાંદી પણ વધીને ૩૨.૫૯ ડૉલરે પહોંચી હતી.
વર્લ્ડ માર્કેટની તેજીને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો હતો. ગઈ કાલે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૬૪૭ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૬૩૨ રૂપિયા વધ્યો હતો. સોનાનો ભાવ મુંબઈમાં સતત છ દિવસથી વધી રહ્યો છે જે છ દિવસમાં ૪૩૪૪ રૂપિયા ઊછળ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં સોનાના ભાવે અત્યાર સુધીમાં પહેલી વખત ૮૪,૦૦૦ રૂપિયા અને ચાંદીએ ૯૫,૦૦૦ રૂપિયાની સપાટી ક્રૉસ કરી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના જૉબ-ઓપનિંગ નંબર્સ ડિસેમ્બરમાં ૫.૫૬ લાખ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૭૬ લાખ રહ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૮૦ લાખની હતી અને નવેમ્બરમાં જૉબ-ઓપનિંગ નંબર્સ ૮૦.૯ લાખ હતા. અમેરિકામાં પ્રોફેશનલ-બિઝનેસ, ફાઇનૅન્સ-ઇન્શ્યૉરન્સ અને હેલ્થકૅર સેક્ટરમાં મોટા પ્રમાણમાં જૉબ-ઓપનિંગ નંબર્સ ઘટ્યા હતા.
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં નજીવો વધીને બાવન પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૯ પૉઇન્ટ હતો, પણ માર્કેટની ધારણા ૫૩ પૉઇન્ટની હતી. ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પરના પબ્લિકના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ ૪૩.૪ પૉઇન્ટથી વધીને ૪૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જ્યારે આગામી છ મહિનાના ઇકૉનૉમિક આઉટલુકને બતાવતો ઇન્ડેક્સ ૧.૯ ટકા ઘટીને ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન પબ્લિકના પર્સનલ ફાઇનૅન્શ્યલ આઉટલુકની આગામી છ મહિનાની સ્થિતિને બતાવતો ઇન્ડેક્સ ૬.૮ ટકા ઘટીને ૫૬ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકન જૉબ-ઓપનિંગ નંબર્સ ઘટીને આવતાં તેમ જ ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ પણ ધારણા કરતાં નીચો આવતાં તેમ જ અન્ય પૅરામીટર નબળાં આવતાં ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૭.૮૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. કૅનેડા-મેક્સિકો સાથે ટૅરિફવધારાનો ઇશ્યુ સૉલ્વ થયા બાદ ચીન સાથે પણ સૉલ્વ થવાની આશા હોવાથી ટૅરિફવૉરનો ભય ઓછો થતાં ડૉલર ઘટ્યો હતો તેમ જ જપાનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં જૅપનીઝ યેનની મજબૂતીની અસરે પણ ડૉલર ઘટ્યો હતો.
ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૨૬ મહિના પછી પ્રથમ વખત વધ્યો હતો, પણ સર્વિસ સેક્ટરનો ગ્રોથ પ્રાઇવેટ એજન્સી કેઝીનના રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં ઘટીને ૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં સાત મહિનાની ઊંચાઈએ ૫૨.૨ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ જાન્યુઆરીમાં ઘટીને ૫૧.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૧.૪ પૉઇન્ટ હતો. જોકે પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વાર્ષિક ધોરણે સતત પંદરમા મહિને વધ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટા અને ટ્રમ્પનો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનો આગ્રહની સામૂહિક અસરે ઇકૉનૉમિસ્ટો અને ઍનલિસ્ટો હવે ૨૦૨૫માં ફેડ બે વખત કે એનાથી વધુ વખત રેટ-કટ લાવશે એવું માનવા લાગ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ સડસડાટ નીચે આવી રહ્યો છે. કૅનેડા-મેક્સિકો સાથે ટૅરિફ મુદ્દે સમાધાન થયા બાદ ચીન સાથે પણ સમાધાન થવાની આશા બુલંદ હોવાથી સોનાની તેજીમાં ટ્રેડવૉરનું કારણ ડિસ્કાઉન્ટ થતું જાય છે ત્યારે રેટ-કટનું નવું કારણ સોનાની તેજી માટે ઉમેરાયું હોવાથી સોનું ફરી વધવા લાગ્યું છે. ચીનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૨૬ મહિના પછી વધતાં અને ચાંદીમાં સતત પાંચમા વર્ષે ડેફિસિટ રહેવાની આગાહીથી ચાંદી પણ બે દિવસથી એકધારી વધી રહી છે. આમ સોના-ચાંદીને અસર કરતાં ફન્ડામેન્ટ્સ ૨૪ કલાકમાં એકાએક બદલાઈ ચૂક્યાં છે. આગામી દિવસોમાં અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશન વધારે બગડશે તો રેટ-કટના ચાન્સ વધશે અને ડૉલર વધુ ઘટશે જે સોનાને વધુ ઊંચે લઈ જશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૬૫૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૪,૩૧૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૫,૪૨૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)