સોનામાં મંદીનો લંબાતો મુકામ : ચાંદીએ ૧૬ ડૉલરની સપાટી તોડી

05 November, 2014 05:21 AM IST  | 

સોનામાં મંદીનો લંબાતો મુકામ : ચાંદીએ ૧૬ ડૉલરની સપાટી તોડી


બુલિયન બુલેટિન-મયૂર મહેતા


સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાર વર્ષના તળિયે પહોંચી જતાં અને અમેરિકી ડૉલર ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચતાં મંદીનો મુકામ સતત લંબાઈ રહ્યો છે. અમેરિકી ઇકૉનૉમીની સ્ટ્રૉન્ગનેસ અને ભારત-ચીનનું ફિઝિકલ બાઇંગ લગભગ ઠપ થતાં સોનામાં મંદી અટકવાની આશા વધારે ને વધારે ધૂંધળી બની રહી છે. ચાંદીના ભાવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એક તબક્કે ૧૬ ડૉલરની સપાટી તોડી હતી. ગોલ્ડ ETFનું હોલ્ડિંગ હાલ છ વર્ષના તળિયે પહોંચ્યું હતું. ઇન્વેસ્ટરો, જ્વેલરો અને રીટેલરો હવે વધુ ભાવ ઘટવાની રાહે બાઇંગ કરવાથી દૂર જઈ રહ્યા છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સ્પૉટ માર્કેટમાં સોમવારે એક તબક્કે ઘટીને ૧૧૬૧.૨૫ ડૉલર થયો હતો. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર ૧.૮૦ ડૉલર ઘટીને ૧૧૬૯.૮૦ ડૉલર સેટલ થયો હતો. ગઈ કાલે સવારે સોનાનો ભાવ ૧૧૬૯.૨૫ ડૉલર ખૂલ્યા બાદ એક તબક્કે વધીને ૧૧૭૧ ડૉલર સુધી પહોંચ્યા બાદ  સાંજે ફરી ભાવ ઘટયાં હતા. ચાંદીનો ભાવ સાંજે ૧૬ ડૉલરની સપાટી તોડીને અંદર ગયો હતો. ઇન્ટરનૅશનલ માર્કેટમાં ચાંદી સાંજે એક તબક્કે ૧૫.૯૯ ડૉલર બોલાઈ ચૂકી હતી, પણ પાછળથી થોડો સુધારો જોવા મળ્યો હતો. પ્લૅટિનમ અને પૅલેડિયમના ભાવ પણ સવારે ઘટીને ખૂલ્યા બાદ પાછળથી વધ્યા હતા. પ્લૅટિનમનો ભાવ સવારે ૧૨૨૫ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૯૯ ડૉલર ખૂલ્યો હતો.

ડૉલર ચાર વર્ષની ટોચે

કરન્સી બાસ્કેટમાં અમેરિકી ડૉલરનું મૂલ્ય ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકી મૅન્યુફૅક્ચરિંગ PMI (પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ડેટા ઑક્ટોબરમાં છેલ્લાં દસ વર્ષના સૌથી બેસ્ટ આવતાં ફેડરલ રિઝર્વ નિર્ધારિત સમય કરતાં ઇન્ટરેસ્ટ-રેટ વહેલા વધારશે. ઑક્ટોબરનો મૅન્યુફૅક્ચરિંગ PMI ૫૯ પૉઇન્ટ આવ્યો હતો જે માર્ચ ૨૦૧૧ પછીનો સૌથી ઊંચો હતો અને અગાઉના મહિને ૫૬.૬ હતો. યુરો ઝોન મૅન્યુફૅક્ચરિંગ PMI સુધર્યો હતો; પણ યુરો ઝોન અને જપાનના સ્ટિમ્યુલસ પૅકેજની અસરે અમેરિકી ડૉલર, યુરો અને યેન સામે મલ્ટિલેવલ હાઈ બન્યો હતો.

ગોલ્ડ ETF

સોનામાં ભાવ ધડાધડ ઘટવા લાગતાં ગોલ્ડ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માંથી ઇન્વેસ્ટરો પોતાનાં નાણાં પાછાં ખેંચવા લાગ્યાં છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF SPDR ટ્રસ્ટનું હોલ્ડિંગ ઑક્ટોબરમાં ૨૮.૭ ટન ઘટ્યું હતું. ઑક્ટોબરમાં ઇન્વેસ્ટરોએ SPDR ટ્રસ્ટમાંથી એક અબજ ડૉલર પાછા ખેંચી લીધા હતા. ૨૦૦૪માં શરૂ થયેલા આ ગોલ્ડ ETFનું હોલ્ડિંગ ૨૦૧૨માં હાઇએસ્ટ ૧૩૫૩.૩ ટન પર પહોંચ્યું હતું જે હાલ ઘટીને ૭૪૧ ટને પહોંચ્યું છે જે છેલ્લાં છ વર્ષની નીચી સપાટીએ એટલે કે ૨૦૦૮ પછીનું સૌથી નીચું પહોંચ્યું હતું.

ચાઇનીઝ બાઇંગ

ચીન સોનાના બાઇંગમાં સૌથી વધુ પ્રાઇસ સેન્સિટિવ હોવાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ચાઇનીઝ બાઇંગ વધવાની ધારણા પણ ખોટી પડી હતી. શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જમાં એક સપ્તાહ અગાઉ લંડનના સ્પૉટ પ્રાઇસ પર બેથી ત્રણ ડૉલર પ્રીમિયમ બોલાતું હતું એ હાલ એક ડૉલર ડિસ્કાઉન્ટ બોલાવા લાગ્યું છે. સોનાના સતત ઘટતાં ભાવે ચાઇનીઝ બાયર વધુ ઘટાડાની ધારણાએ માર્કેટથી દૂર જવા લાગ્યો છે.

સોનું-ચાંદી ઘટતાં જ્વેલરોનું બાઇંગ ઠપ

સોના-ચાંદીના ભાવ ઝડપથી ઘટતાં ભારતીય જ્વેલરો અને રીટેલરોએ છેલ્લા ચાર-પાંચ દિવસથી સોના-ચાંદીની ખરીદી સાવ બંધ કરી દીધી હતી. અગ્રણી જ્વેલરોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય માર્કેટના પ્રવાહો અનુસાર સોનાના ભાવ આવનારા દિવસોમાં વધુ ઘટશે એવી આગાહી અનેક ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક અને ઍનલિસ્ટો દ્વારા થઈ રહી હોવાથી આ લેવલે માર્કેટમાં બાઇંગ કરવું જોખમી બની શકે છે. સ્થાનિક માર્કેટમાં પણ સોનું ડિસેમ્બર સુધીમાં ઘટીને ૨૪,૫૦૦ રૂપિયા થવાની આગાહી થઈ રહી હોવાથી હાલ લગ્નગાળાની ખરીદીમાં પણ સુસ્તી વધી રહી છે. ભારતીય રૂપિયા સામે ડૉલર પ્રમાણમાં મજબૂત હોવાથી હજી આંતરરાષ્ટ્રીય માર્કેટના ઘટાડાની અહીં અસર દેખાવી બાકી છે. વળી સરકાર દ્વારા સોનાની ઈમ્પોર્ટ પર વધુ નિયંત્રણો નાખવાની વાત પણ હાલ અટકી ચૂકી હોવાથી સોનાના ભાવ વધવાની શક્યતા રહી નથી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૬,૧૦૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૫,૯૫૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) :  ૩૬,૮૦૦

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)