10 May, 2024 10:40 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
બૅન્ક ઑફ જપાને કરન્સીને ઘટતી અટકાવવા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની તૈયારી બતાવતાં સોનામાં લેવાલી વધતાં મજબૂતી જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૩ રૂપિયા ઘટ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૦૦ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ત્રીજે દિવસે ઘટ્યો હતો અને છેલ્લા ત્રણ દિવસમાં સોનાનો ભાવ ૩૧૪ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીના ભાવ છેલ્લા પાંચ દિવસમાંથી ચાર દિવસ વધ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં ચાંદીના ભાવ ૨૬૨૩ રૂપિયા વધ્યા હતા.
વિદેશ પ્રવાહ
અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ૧૦૫.૫૫ પૉઇન્ટે સ્ટેડી હતો. ફેડના દરેક ઑફિશ્યલ્સ ઇન્ટરેસ્ટ રેટ વિશે અલગ કમેન્ટ કરી રહ્યા હોવાથી માર્કેટમાં રેટકટ વિશે અનિશ્ચિતતા વધી રહી છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ (CME) ફેડવોચના ડેટા અનુસાર હાલ રેટકટના ચાન્સિસ જૂન મીટિંગમાં ૮.૭ ટકા, જુલાઈ મીટિંગમાં ૩૧.૪ ટકા, સપ્ટેમ્બર મીટિંગમાં ૬૫.૭ ટકા, નવેમ્બર મીટિંગમાં ૭૭.૭ ટકા અને ડિસેમ્બર મીટિંગમાં ૮૯ ટકા છે. ૨૦૨૪માં હવે યોજાનારી પાંચ મીટિંગમાં ડિસેમ્બર સુધી રેટકટ આવશે કે કેમ એ વિશે ભારે અનિશ્ચિતતા છે. ચીનની એક્સપોર્ટ એપ્રિલમાં ૧.૫ ટકા વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી જે માર્ચમાં ૭.૫ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા એક ટકા વધારાની હતી. ખાસ કરીને ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ જપાનમાં ૧૧ ટકા અને એશિયન કન્ટ્રીઝમાં ૮.૧ ટકા વધતાં ઓવરઑલ એક્સપોર્ટ વધી હતી. ચીનની ઇમ્પોર્ટ ૮.૧ ટકા વધી હતી જે માર્ચમાં ૧.૯ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૫.૪ ટકા વધારાની હતી. ચીનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ સરપ્લસ એપ્રિલના અંતે ઘટીને ૭૨.૩૫ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૮૬.૪૬ અબજ ડૉલર હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
બૅન્ક ઑફ જપાનની એપ્રિલ મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સના મુદ્દાઓ સોનાની દિશા નક્કી કરવા માટે મહત્ત્વના બની રહેશે. હાલ ડૉલરની મજબૂતીમાં જૅપનીઝ યેનની નબળાઈનો મોટો ફાળો છે, કારણ કે જૅપનીઝ યેનનું મૂલ્ય હાલ ૩૪ વર્ષની નીચી સપાટીએ છે, કારણ કે બૅન્ક ઑફ જપાને લાંબા સમય સુધી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી અપનાવી હોવાથી યેનનું મૂલ્ય સતત ગગડતું રહ્યું છે, પણ બૅન્ક ઑફ જપાને નવા ગવર્નર કાજુઓ ઉડાના નેતૃત્વમાં હવે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનું મન મનાવી લીધું હોવાથી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીને ઑલરેડી સમાપ્ત કરી છે. એપ્રિલ મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ હજી વધારવા માટે તૈયારી બતાવવામાં આવી છે. ૨૦૨૪ના અંતમાં એક તરફથી બૅન્ક ઑફ જપાન ઇન્ટરેસ્ટ રેટ વધારે અને બીજી તરફ અમેરિકન ફેડ જો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે તો ડૉલરના મૂલ્યમાં મોટો ઘટાડો શક્ય બની શકે છે અને એ વખતે સોનામાં ૧૦૦થી ૧૫૦ ડૉલરનો ઉછાળો જોવા મળશે.