06 March, 2025 06:55 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ટ્રમ્પે કૅનેડા-મેક્સિકો અને ચીન પર ટૅરિફવધારો અમલી બનાવતાં તમામ દેશોએ વળતો ટૅરિફવધારો લાગુ કરતાં ટ્રેડવૉર વધી હતી જેને કારણે સોના-ચાંદીમાં સતત બીજે દિવસે તેજીની આગેકૂચ રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૯૨૨ ડૉલર અને ચાંદી વધીને ૩૨.૦૬ ડૉલરે પહોંચ્યાં હતાં
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૧૧૨ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૯૫ રૂપિયા વધ્યો હતો. સોના-ચાંદીનો ભાવ સતત બીજે દિવસે વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ટ્રમ્પે અમેરિકામાં કૅનેડા-મેક્સિકોથી આયાત થતી ચીજો પર લાદેલી પચીસ ટકા ટૅરિફ અને ચીન પર વધારાની ૧૦ ટકા ટૅરિફનો અમલ મંગળવારથી થઈ ચૂક્યો છે ત્યારે ટ્રમ્પે એપ્રિલના આરંભથી અમેરિકામાં આયાત થતી ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ પર ટૅરિફવધારો લાગુ કરવાની જાહેરાત કરી છે. અગાઉ યુરોપિયન દેશોમાંથી આયાત થતી ચીજો પર ટૅરિફ લાદવાની જાહેરાત ઑલરેડી થઈ ચૂકી છે. ટૅરિફવધારાને પગલે અમેરિકન ઇન્ફલેશન વધતાં ઇકૉનૉમિક ગ્રોથ ધીમો પડવાની ધારણાએ ડૉલર ઇન્ડેક્સ મંગળવારે સતત બીજે દિવસે ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ ૧૦૬.૧૬ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં ઘટીને ૫૦.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૦.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૫ પૉઇન્ટની હતી જ્યારે પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ વધીને ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૫૧.૨ પૉઇન્ટ અને પ્રિલિમિનરી એસ્ટીમેટમાં ૫૧.૬ પૉઇન્ટ હતો. સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સતત બીજે મહિને વધ્યો હતો. અમેરિકાનું કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ જાન્યુઆરીમાં ૦.૨ ટકા ઘટ્યું હતું.
યુરો એરિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ફેબ્રુઆરીમાં વધીને ૪૭.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જાન્યુઆરીમાં ૪૬.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૭.૩ પૉઇન્ટની હતી.
અમેરિકાના વૉલેટમાં પડેલા ચીનના સોનાના સ્ટૉકને પરત કરવાનો ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને ઇનકાર કરતાં હવે નવું રાજકીય સંકટ ઊભું થવાની શક્યતા વધી છે, કારણ કે અમેરિકાના વૉલેટમાં ચીન ઉપરાંત જર્મની, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોનો સોનાનો સ્ટૉક પડેલો છે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી એક પછી એક ચીજો પર ટૅરિફવધારો લાગુ કરતાં હવે ટ્રેડવૉર વધુ આક્રમક બનતાં અમેરિકાનું ઇન્ફલેશન વધવાની સાથે ઇકૉનૉમિક કન્ડિશન બગડવાના સંકેતો પણ મળવાના ચાલુ થયા છે. ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ સતત ગગડી રહ્યો છે. ટૅરિફવધારાની સાથે હવે ટ્રમ્પ દ્વારા અન્ય રાષ્ટ્રોના વડાઓનું જાહેરમાં અપમાન કરવાનો સિલસિલો આગામી દિવસોમાં રાજકીય સંકટ ઊભું કરી શકે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં અમેરિકાના તમામ નિર્ણયોમાં યુરોપિયન દેશો, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ સહિત મોટા ભાગના વેસ્ટર્ન દેશો એકજૂટ રહેતા હતા, પણ વર્ષો પછી પહેલી વખત અમેરિકાએ યુક્રેનને મિલિટરી સહાય આપવાનો ઇનકાર કર્યા બાદ બ્રિટન સહિત અનેક યુરોપિયન દેશો યુક્રેનને સપોર્ટ કરવા સામે આવ્યા છે જેને કારણે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હજી લાંબો સમય ચાલુ રહી શકે છે. યુક્રેનના પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીએ યુદ્ધનો અંત ઘણો દૂર હોવાની જાહેરાત કરી છે જેની સામે ટ્રમ્પે હવે ઝેલેન્સ્કી સાથે કોઈ મંત્રણા નહીં કરાય એવી જાહેરાત કરી હતી. ટ્રમ્પનો સત્તાકાળ જેમ-જેમ આગળ વધી રહ્યો છે એમ અનેક કન્ટ્રોવર્સી ઊભી થઈ રહી છે જેનાથી જિયોપૉલિટિકલ અને ઇકૉનૉમિક ટેન્શન સહિત ટ્રેડવૉર, ઇન્ફ્લેશનનો વધારો વેગેરે સોના-ચાંદીની તેજીને સપોર્ટ કરતી બાબતોની અસર વધી રહી છે. હાલ બની રહેલી ઘટનાક્રમથી સોના-ચાંદીમાં હજી લાંબો સમય તેજીની આગેકૂચ ચાલુ રહેવાનું દેખાય છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ)ઃ ૮૬,૪૩૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ)ઃ ૮૬,૦૮૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ)ઃ ૯૫,૨૯૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)