ટ્રેડવૉરના ખોફથી સેફ હેવન ડિમાન્ડ વધતાં સોના-ચાંદીમાં મજબૂતી વધી

09 January, 2025 09:19 AM IST  |  Mumbai | Mayur Mehta

ટૅરિફના વધારા પહેલાં અમેરિકાની ઇમ્પોર્ટમાં જંગી વધારો થવાથી ટ્રેડ-ડેફિસિટ વધી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ચાંદી સતત છઠ્ઠે દિવસે વધી : છ દિવસમાં ચાંદી ૩૪૮૬ રૂપિયા વધી 

ટ્રમ્પના સત્તાકાળમાં ટૅરિફ વધારાથી ફરી ટ્રેડવૉર ઊભું થવાનો ખોફ વધતાં સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ નિરંતર વધી રહી છે જેને કારણે બુધવારે વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીમાં મજબૂતી વધી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૮ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૯ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સતત છઠ્ઠે દિવસે ચાંદી વધી હતી, છેલ્લા છ દિવસમાં ચાંદીના ભાવ ૩૪૮૬ રૂપિયા વધ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના જૉબ-ઓપનિંગ ડેટામાં નવેમ્બરમાં ૨.૫૯ લાખનો વધારો થઈને એ કુલ ૮૦.૯૮ લાખે પહોંચ્યા હતા જે ઑક્ટોબરમાં ૭૮.૩૯ લાખ હતા અને માર્કેટની ધારણા ૭૭ લાખની હતી. ખાસ કરીને પ્રોફેશનલ-બિઝનેસ સર્વિસિસ, ફાઇનૅન્સ-ઇન્શ્યૉરન્સ સર્વિસિસ અને પ્રાઇવેટ એજ્યુકેશન સર્વિસિસમાં જૉબ-ઓપનિંગ વધ્યું છે. અમેરિકામાં નોકરી ગુમાવનારાઓની સંખ્યા નવેમ્બરમાં ઘટીને સાડાચાર વર્ષની નીચી સપાટીએ ૩૦.૬૫ લાખ રહી હતી જે ઑક્ટોબરમાં ૩૨.૮૩ લાખ હતી.

અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઑફિશ્યલ ડેટા અનુસાર ડિસેમ્બરમાં વધીને ૫૪.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૨.૧ ટકા હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ સતત દસમા મહિને વધ્યો હતો. ખાસ કરીને બિઝનેસ ઍ​ક્ટિવિટી ઇન્ડેક્સ સતત છઠ્ઠે મહિને વધતાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો.

અમેરિકાના જૉબ-ઓપનિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથડેટા સ્ટ્રૉન્ગ આવતાં રેટ-કટના ચાન્સ ઘટ્યા હતા જેને પગલે ડૉલર ઇન્ડેક્સ વધીને ૧૦૮.૬૭ પૉઇન્ટે પહોંચ્યો હતો. રેટ-કટના ચાન્સ ઘટતાં ટ્રેઝરી યીલ્ડ પણ વધીને ૪.૬૮૧ ટકાએ પહોંચ્યાં હતાં. જપાનમાં ઇન્ટરેસ્ટ રેટ વધારા બાબતે સતત વધતી અનિશ્ચિતતાથી યેનનું મૂલ્ય ઘટતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો.

ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ ટૅરિફ-વધારો લાગુ પાડવાનો પુનરુચ્ચાર કરતાં અમેરિકાની ઇમ્પોર્ટમાં જંગી વધારો નોંધાયો હતો. નવેમ્બરમાં અમેરિકાની ઇમ્પોર્ટ ૩.૪ ટકા વધીને ૩૫૧.૬ અબજ ડૉલરે પહોંચી હતી જે ૩૪ મહિનાની સૌથી વધુ ઇમ્પોર્ટ હતી અને અત્યાર સુધીની બીજા ક્રમની રેકૉર્ડ હાઈ ઇમ્પોર્ટ હતી. સૌથી વધુ ગુડ્સ ઇમ્પોર્ટ વધી હતી, જ્યારે સર્વિસ ઇમ્પોર્ટ એકદમ ઓછી વધી હતી. અમેરિકાની એક્સપોર્ટ નવેમ્બરમાં ૨.૭ ટકા વધીને ૨૭૩.૪ અબજ ડૉલરે પહોંચી હતી. એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ વધતાં ટ્રેડ ડેફિસિટ વધીને ૭૮.૨ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૭૩.૬ અબજ ડૉલર હતી. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 

ચીનની સેન્ટ્રલ બૅન્કે છેલ્લા બે મહિનાથી ફરી સોનાની ખરીદી ચાલુ કરી છે. ચીને ૨૦૨૪માં ૨૯ ટનની ખરીદી કરી હતી જ્યારે ભારતની સેન્ટ્રલ બૅન્કે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં ૭૩ ટનની ખરીદી કરી હતી. પોલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે પણ ૨૦૨૪માં ૯૦ ટનની ખરીદી કરી હતી. સૌથી મહત્ત્વની બાબત ચીને મે મીહિનાથી ઑક્ટોબર સુધી છ મહિના ખરીદી બંધ કર્યા બાદ નવેમ્બરથી ફરી ખરીદી શરૂ કરી છે. ૨૦૨૫માં વર્લ્ડ ગોલ્ડ કાઉ​ન્સિલે વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી વધવાની આગાહી કરી હતી એના સંકેતો ૨૦૨૪ના અંતથી મળી રહ્યા છે. વર્લ્ડમાં સોનાના કન્ઝમ્પ્શનમાં ભારત અને ચીનનો ફાળો ૫૦ ટકા હોવાથી ભારત-ચીનની ગોલ્ડ ઇમ્પોર્ટ વધવાની સાથે સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પણ વધે તો એની સોનાની ડિમાન્ડ પર બેવડી અસર ૨૦૨૫માં જોવા મળશે. ફિઝિકલ ડિમાન્ડ ઉપરાંત સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પણ વધશે તો ૨૦૨૫માં સોનાની તેજીને એક નવો સપોર્ટ મળશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૭૭,૩૬૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૭૭,૦૫૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૮૯,૫૦૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news gold silver price commodity market columnists