25 February, 2025 06:54 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
બજાર આડેધડ વધતું હતું ત્યારે આશ્ચર્ય ન પામ્યા તો ઘટતી વખતે કેમ નવાઈ લાગે છે? બજારનો તો આ સ્વભાવ છે, તેજી નફો ઘરમાં લેવા માટે હોય છે અને મંદી શૅરો ઘરમાં લાવવા માટે હોય છે. અલબત્ત, આવી વાતો અત્યારે માત્ર ડહાપણ પૂરતી લાગી શકે, પરંતુ બજારની વાસ્તવિકતા આવા સમયમાં જ સમજવાની હોય છે. બજાર લગભગ ૧૦,૦૦૦ પૉઇન્ટથી વધુ નીચે ઊતરી ગયું છે, આના અર્થ સમજનાર સ્માર્ટ અને સફળ ઇન્વેસ્ટર બની શકે
તાજેતરમાં શૅરબજારના એકધારા મૂડીધોવાણને જોઈ એક હળવો કટાક્ષરૂપી વિડિયો ફરતો થયો છે જેમાં કહેવાય છે કે વર્તમાન સમય-સંજોગોને ધ્યાનમાં રાખી નિયમન તંત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI-સેબી)ના નવા નિયમો બહાર પડાયા છે જે મુજબ રોકાણકારોએ બજારમાં પ્રવેશતાં પહેલાં તેમના ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) રિપોર્ટ (અર્થાત્ હૃદયના ધબકારાનો અહેવાલ), છેલ્લા ૧૦ દિવસના બ્લડ પ્રેશર રિપોર્ટ, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી અને પોતાના પરિવારનું એવું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ કે અમારા પરિવારના આ રોકાણકાર સભ્યને શૅરબજારમાં કોઈ ખોટ જાય, કંઈ થઈ જાય તો અમારે તેની સાથે કોઈ લેવાદેવા નહીં હોય અને અમારી જવાબદારી પણ નહીં હોય વગેરે જેવા દસ્તાવેજ સુપરત કરવાના રહેશે. છેલ્લે આમાં એક પંચ એવો પણ મુકાયો છે કે રોકાણકારે પોતાના ખિસ્સામાં કાયમ એક સ્ટિકર રાખી મૂકવું અને એનું રોજ નિરીક્ષણ કરવું જેમાં ભગવદ્ગીતાનો ઉપદેશ લખ્યો હોય ‘શું લઈને આવ્યા હતા અને શું લઈને જઈશું?’
આ મજાકમાં કહેવાયેલો વ્યંગ એક રીતે જોવા જઈએ તો ગંભીર પણ છે અને એમાં કાયમી સબક પણ છે. અત્યારે બજારમાં સ્ટૉક્સ વૅલ્યુએશનની અને મૂડીધોવાણની જે દશા થઈ છે એને ધ્યાનમાં રાખતાં નાના-મોટા ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયો કથળી ગયા છે, ક્યાંક તો ત્રણ વર્ષના નફા ધોવાઈ ગયા છે તો ક્યાંક પ્લસનો ફોલિયો માઇનસમાં ફેરવાઈ ગયો છે. બાય ધ વે, શું આવું બજારમાં પહેલી વાર થયું છે? શું આવું થશે એનો કોઈ અંદાજ નહોતો? બજાર એક સમયે આડેધડ વધી રહ્યું હતું અને વધુપડતા ઊંચા વૅલ્યુએશન સામે સવાલો ઊભા થતા હતા તોય લોકો તેજીને જોઈ આંખ અને દિમાગ બન્ને બંધ કરી રોકાણ કરતા જતા હતા. વાસ્તવમાં બજારના આ ઘટાડા માટે નક્કર કારણો જન્મ લેતાં ગયાં અને બજાર તૂટતું ગયું હતું. આમાં બે પ્રકારના રોકાણકારો છે (આપણે અહીં ટ્રેડર્સ વર્ગની વાત કરતા નથી) જેમાં એક વર્ગના નફામાં ગાબડાં પડી ગયાં છે અને બીજા વર્ગમાં ખોટના ખાડા થઈ ગયા છે.
ખાસ કરીને છેલ્લા પાંચેક મહિનામાં શૅરબજારના માર્કેટકૅપમાં મોટા કડાકા નોંધાયા છે, નાના રોકાણકારોની દશા તો બેઠી જ છે, ખાસ કરીને ઊંચા માર્કેટમાં પ્રવેશેલા લાખો નવા રોકાણકારોની. જોકે આ વખતે મોટા-દિગ્ગજ કહેવાય એવા ઇન્વેસ્ટર્સના પોર્ટફોલિયોના પણ બૂરા હાલહવાલ થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પોર્ટફોલિયોનું ધોવાણ પચીસ ટકા જેટલું થયું છે અને ઑક્ટોબરથી ગણતરીમાં લેવાય તો આ કડાકો ૩૦ ટકા જેટલો છે. અત્યારે તો માર્કેટના હાલ જોઈને નવાં ડિમૅટ અકાઉન્ટ્સ ખૂલવાની ગતિમાં પણ ફરક પડી ગયો છે, કેમ કે માર્કેટમાં કરેક્શન સિવાય કંઈ વધુ દેખાતું નથી.
કરેક્શન વચ્ચે આશાના સંકેત
વીતેલા સોમવારે બજારે કરેક્શનની ગાડીથી જ શરૂઆત કરી, પરંતુ બજાર બંધ થતી વખતે એમાં સાધારણ સુધારો (રિકવરી) જોવાયો હતો. ટ્રમ્પ સાથેની મોદીની બેઠક અને ગ્લોબલ બિઝનેસ સમિટમાં ભારતના આર્થિક વિકાસ વિશે વ્યક્ત થયેલા વિચારો પૉઝિટિવ પરિબળ બન્યા હતા, મંગળવારે પણ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાધારણ ઘટાડા સાથે જ બંધ રહ્યા હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીએ બજારને અને રોકાણકારોને ભારે ચિંતામાં મૂકી દીધા છે. જોકે મંગળવારે ઘણા દિવસો બાદ ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (FII) દ્વારા નેટ લેવાલી નોંધાઈ હતી. બુધવારે આ અસરરૂપે માર્કેટ પ્લસ રહ્યા બાદ અંતે સાધારણ માઇનસ જ બંધ રહ્યું હતું. બજારની આ ચાલ ક્યાંક કન્સોલિડેશનનો સંકેત આપે છે, ક્યાંક માર્કેટ બૉટમ આસપાસ પહોંચી ગયું હોવાનું જતાવે છે. અલબત્ત, યુએસ-ટ્રમ્પના નામે કે નિમિત્તે આવતા અહેવાલો અનિશ્ચિતતા વધુ દર્શાવે છે. સપ્તાહના અંતે પણ બજારે કરેક્શનને જ આગળ વધાર્યું હતું. હાલ ટૂંકા ગાળામાં કોઈ નવી આશા નજરે પડતી નથી, જ્યારે કે રિઝર્વ બૅન્ક તરફથી ચોક્કસ સંકેત એ બહાર આવ્યા છે કે ફુગાવો હળવાશતરફી બની રહ્યો છે, ગ્રોથલક્ષી બાબતો પર જોર અપાઈ રહ્યું છે, જે વ્યાજદરના કાપ માટે અવસર ઊભો કરશે એમ જણાય છે. જોકે ગ્લોબલ અનિશ્ચિતતા બજારને હાલ તો શાંતિથી બેસવા દેશે કે કેમ એ કહેવું કઠિન છે. FIIની સતત નેટ વેચવાલી સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)ની સતત નેટ ખરીદી રહી છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ પ્રૉફિટ બુક કરી બહાર નીકળી રહ્યા છે અને સ્થાનિક ખરીદદારો પ્રૉફિટ માટે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એમ સમજવું હોય તો સમજી શકાય.
ગ્લોબલ નાણાસંસ્થાઓનો આશાવાદ
દરમ્યાન ગ્લોબલ નાણાસંસ્થા જે.પી. મૉર્ગને આ વર્ષના અંત સુધીમાં નિફ્ટી માટે ૨૬,૫૦૦નો અંદાજ મૂક્યો છે. હાલ નિફ્ટી ૨૨-૨૩ હજાર આસપાસ પહોંચી ગયો છે. સિટી બ્રોકરેજ હાઉસે પણ ડિસેમ્બર સુધીમાં નિફ્ટી ૨૬,૦૦૦ના લેવલે પહોંચશે એવી આગાહી કરી છે. આમ હાલ ગ્લોબલ સ્તરેથી માર્કેટ રિકવરીના સંકેત વધવા લાગ્યા છે. સરકારી ખર્ચમાં વધારો, રેટ-કટ જેવાં પરિબળો ગ્રોથને વેગ આપવાની ભૂમિકા ભજવશે એવું આ વર્ગનું માનવું છે. બીજી બાજુ એમ્કે ઇન્સ્ટિટ્યૂશન દ્વારા નિફ્ટી માટે ડિસેમ્બર સુધીમાં ૨૫,૦૦૦નો અંદાજ જાહેર કરાયો છે, એના મતે આ એપ્રિલથી FIIનું વેચવાલીનું દબાણ ઓછું થશે. વર્ષમાં અત્યાર સુધીમાં FII તરફથી નેટ સેલ ૧.૧૫ લાખ કરોડ રૂપિયા જેટલું થયું છે જેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી ૧.૨૦ લાખ કરોડ રૂપિયા જેટલી રહી છે.
આ પાંચ બાબતો ખાસ સમજો - યાદ રાખો
આ સમયમાં માર્કેટ એક્સપર્ટ્સ અસરકારક વાત સમજાવતાં કહે છે કે જો તમે માર્કેટના કડાકાથી ઉદાસ અને દુખી થયા હો તો એના કેટલાક અર્થ સમજવા જોઈએ. એક, તમે તમારું ઍસેટ અલોકેશન બરાબર નહીં કર્યું હોય. બીજું, તમારી પાસે વિશ્વસનીય અને હોશિયાર નાણાકીય સલાહકાર નથી, તમે પોતાની અધૂરી સમજ અને ટિપ્સમાં દોરવાઈ ગયા છો. ત્રીજું, તમે માર્કેટનો ઇતિહાસ જાણતા નથી અથવા તમને એની ખબર નથી. ચોથી વાત, વૉલેટિલિટી એ માર્કેટનો સ્વભાવ છે, એને સમજો અને સ્વીકારો. દરેક કડાકાની ચિંતા કરવાનું બંધ કરો અન્યથા તમે દરિયામાં ઊતરી રહ્યા છો અને મોજાંઓથી ગભરાટ અનુભવો છો. પાંચમી વાત, સતત ટીવી ચૅનલ અથવા માર્કેટ સંબંધી ઍપ્સ પર ભાવો જોવાનું બંધ કરો, આ જોયા કરીને તમે તમારી ઉત્તેજના વધારીને માઇન્ડને ગેરમાર્ગે વાળશો તો આખરે હેરાન થશો. બજારના આવા સમયમાં જ્યારે ખરેખર સંયમ તેમ જ ધીરજની જરૂર ગણાય ત્યારે તમે ઉતાવળા થઈ કે પૅનિકમાં આવીને નિર્ણય લેશો તો મોટે ભાગે એ નિર્ણયો ખોટા ઠરશે.