વૈશ્વિક અનિશ્ચિતતા ફુગાવા સામેની લડાઈને જટિલ બનાવે છે : રિઝર્વ બૅન્ક

23 February, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્કની મૉનિટરી કમિટીની મિનિટ્સનો અહેવાલ

વૈશ્વિક અનિશ્ચિતતા ફુગાવા સામેની લડાઈને જટિલ બનાવે છે : રિઝર્વ બૅન્ક

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીની આઠમી ફેબ્રુઆરીએ યોજાયેલી બેઠક દરમ્યાન રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબબ્રત પાત્રાએ અભિપ્રાય આપ્યો હતો કે સતત વૈશ્વિક અનિશ્ચિતતાએ ફુગાવા સામેની લડાઈને જટિલ બનાવી છે.

બુધવારે જાહેર થયેલી મીટિંગની મિનિટ્સ અનુસાર, રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ ઉલ્લેખ કર્યો હતો કે નૉન-ઑઇલ કૉમોડિટીના ભાવમાં વધારો જેવાં વૈશ્વિક પરિબળોના કારણે નોંધપાત્ર અનિશ્ચિતતા છે.

રિઝર્વ બૅન્કે વધતા ફુગાવાને ટાંકીને મુખ્ય ટૂંકા ગાળાના ધિરાણ દરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને રેપો રેટ ૬.૫૦ ટકા કર્યો હતો. ગયા વર્ષે મે મહિનાથી ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં આ છઠ્ઠો વધારો હતો અને કુલ ૨.૫૦ ટકાનો વ્યાજદર વધારો થઈ ગયો છે.

મોંઘવારી સામેની લડાઈ વૈશ્વિક દૃષ્ટિકોણથી જટિલ છે. અગાઉની આશંકા કરતાં હળવી મંદીની આસપાસ કેટલીક સર્વસંમતિ વધી રહી છે. જોકે ભૌગોલિક અસમાનતાઓ પૂર્વસૂચનને જટિલ બનાવે છે. વૈશ્વિક ફુગાવા માટેનો દૃષ્ટિકોણ પહેલાં કરતાં વધુ અનિશ્ચિત થઈ રહ્યો છે, એમ પાત્રાએ મૉનિટરી પૉલિસી કમિટીની મિનિટ્સ મુજબ અભિપ્રાય આપ્યો હતો.

business news reserve bank of india