30 September, 2025 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પ સરકાર પોતાનું શટડાઉન ટાળવા માટે પ્રયત્ન કરી રહી હોવાના અહેવાલોને પગલે સોમવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો નોંધાયો હતો. માર્કેટમાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડને મળી રહેલી માન્યતા અને એની લોકપ્રિયતામાં થઈ રહેલો વધારો એ પણ માર્કેટ વધવા માટેનાં પરિબળો છે. સોમવારે સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે એકંદર માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૩.૫૬ ટકાનો વધારો થઈને આંક ૩.૯૨ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યો હતો. બિટકૉઇન ૪.૦૧ ટકા વૃદ્ધિ સાથે ૧,૧૪,૧૨૮ ડૉલર થયો હતો. ઇથરમાં ૪.૪૬ ટકા વધારો થતાં ભાવ ૪૧૯૯ ડૉલર થઈ ગયો હતો અને એક્સઆરપીમાં ૪.૨૦ ટકા વૃદ્ધિ થઈને આંક ૨.૯૦ ડૉલર થયો હતો.
બજારના નિષ્ણાતોના મતે બિટકૉઇનમાં વૃદ્ધિનું વલણ યથાવત્ છે. ફિયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ફિયરની શ્રેણીમાંથી બહાર નીકળીને ન્યુટ્રલ થઈ ગયો છે. બ્લૅકરૉકના આઇશૅર્સ બિટકૉઇન ઇટીએફે ૭,૬૦,૦૦૦ બિટકૉઇન ભેગા કરી લીધા હોવાનું દર્શાવે છે કે આ પ્રચલિત કૉઇન માટે સંસ્થાકીય માગ મજબૂત છે. વૈશ્વિક સ્તરે નાણાકીય પ્રવાહિતા વધી રહી હોવાનું પરિબળ પણ ક્રિપ્ટો માર્કેટની વૃદ્ધિ માટે કારણભૂત છે.