જીલેડ કંપનીની દવાના કોવિડ-૧૯માં આશાસ્પદ પરિણામો, અમેરિકી બજારોમાં તરખાટ

18 April, 2020 04:41 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જીલેડ કંપનીની દવાના કોવિડ-૧૯માં આશાસ્પદ પરિણામો, અમેરિકી બજારોમાં તરખાટ

પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19ની દવા શોધવા માટે વિશ્વભરની દવા કંપનીઓમાં જામેલી હોડ વચ્ચે અમેરિકી બાયોટેક કંપની જીલેડની રેમડેસિવિરનાં શિકાગોમાં દરદીઓ પર થયેલા પ્રયોગોમાં આશાસ્પદ પરિણામો મળ્યાનો દાવો થયો છે. આ દાવાના કારણે વિશ્વભરનાં ફાર્મા બાયોટેક સૅક્ટરમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ જીલેડ કંપનીના શૅરમાં ૧૬ ટકાનો ઉછાળો આવ્યો હતો અને સાથે સાથે ડાઉ જોન્સ ફ્યુચર્સમાં પણ ઉછાળો નોંધાયો હતો. જોકે સંખ્યાબંધ નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો છે કે આ દવાની અસકારકતા વિશે કોઈ પણ અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નથી અને હજુ વધુ ક્લિનિકલ ટ્રાયલ્સની જરૂર છે.

યુનિવર્સિટી ઑફ શિકાગોના તબીબી સંશોધકોએ જણાવ્યું હતું કે તેમણે ૧૨૫ દરદીઓને જીલેડની રેમડેસિવિર દવા ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે આપી હતી. મેડિકલ ન્યુઝ સાઇટ સ્ટેટ ન્યુઝના અહેવાલ અનુસાર શિકાગો યુનિવર્સિટીમાં બે તબક્કામાં યોજાયેલી ત્રણ ક્લિનિકલ ટ્રાયલમાં ૧૨૫ દરદીઓને આ દવા અપાઈ હતી. તેમાંથી ૧૧૩ દરદીઓને બહુ સિવિયર ઇન્ફેક્શન હતું. શિકાગો યુનિવર્સિટીના સંશોધકો વચ્ચે એક ચર્ચાનો વિડિયો સ્ટેટ ન્યુઝ દ્વારા મેળવવામાં આવ્યો છે. તેમાં આ નિષ્ણાતોને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે આ દવા અપાયા બાદ સંખ્યાબંધ દરદીઓનો તાવ ઘટ્યો હતો અને કેટલાય દરદીઓ વેન્ટિલેટર સપોર્ટમાંથી બહાર આવી ગયા હતા. દરદીઓની શ્વાસસંબંધી તકલીફોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આ ટ્રાયલ દરમ્યાન બે દરદીનાં મોત થયાં હતાં, પરંતુ મોટાભાગના દરદી સાજા થઈ ચૂક્યા હતા.

આ અહેવાલના સંદર્ભમાં જીલેડ કંપનીએ એટલું જ જણાવ્યું છે કે અમે હજુ હાલ ચાલી રહેલી ટ્રાયલ્સના પૂરતા ડેટાની રાહ જોઈ રહ્યા છીએ.

coronavirus covid19 united states of america chicago washington national news