કાળાં નાણાં દેશમાં પાછાં લાવવા ભારત કટિબદ્ધ : મોદી

16 November, 2014 05:42 AM IST  | 

કાળાં નાણાં દેશમાં પાછાં લાવવા ભારત કટિબદ્ધ : મોદી




વિદેશોમાં રહેલાં કાળાં નાણાં ભારત પાછાં લાવવાં એ અમારું લક્ષ્ય છે એવો સ્પક્ટ મેસેજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બ્રિક્સ રાષ્ટ્રોના વડાઓને આપ્યો હતો અને એ માટે તેમણે આ દેશોને સહયોગ અર્થે અનુરોધ કર્યો હતો. આ બ્રિક્સ રાષ્ટ્રોમાં બ્રાઝિલ, રશિયા, ચીન, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ છે. G20 દેશોની બેઠક પહેલાંની બ્રિક્સ રાષ્ટ્રોની ઇન્ફૉર્મલ બેઠકમાં નરેન્દ્ર મોદીએ આ બાબત પર ભાર મૂક્યો હતો. આ બેઠક ઑસ્ટ્રેલિયામાં મળી રહી છે

મોદીએ આ બેઠકમાં બ્રિક્સ બૅન્કની સ્થાપના માટે ૨૦૧૬ની ડેડલાઇન નક્કી કરવા પણ કહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ‘વિદેશોમાં પડેલાં આ બિનહિસાબી કાળાં નાણાં સલામતી સામે પણ પડકાર છે. આનો ઉપાય કરવા તમામ સહયોગી દેશો વચ્ચે સુમેળ આવશ્યક બને છે.’

મોદીએ મ્યાનમાર માટે રવાના થતાં પહેલાંની બેઠકમાં પણ કાળાં નાણાંના વિષયને તેઓની G20 બેઠકમાં ગ્લોબલ સ્તરે મૂકશે એવું જણાવ્યું હતું.

 તેમણે બ્રિક્સ બૅન્કની સ્થાપનાની વાત દોહરાવતાં કહ્યું હતું કે આપણે ગવર્નન્સ અને ફાઇનૅન્સિંગનાં નવાં ધોરણો ઘડી શકીશું તેમ જ ઉચ્ચ બૅન્કિંગ સ્ટાન્ડર્ડ પણ સ્થાપી શકીશું. આ હેતુસર તેમણે ૨૦૧૬માં આ બૅન્ક સ્થાપવાનો અનુરોધ પણ કર્યો હતો.

બ્રિક્સ બૅન્કની રચનાનું કાર્ય ઝડપી કરો : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ ડેવલપમેન્ટ બૅન્કની રચનાનું કાર્ય ઝડપી કરવા માટે ગઈ કાલે જોરદાર હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘૨૦૧૬ સુધીમાં આ બૅન્કનું ઉદ્ઘાટન કરી દેવું જોઈએ. આ વર્ષના અંત સુધીમાં આ સંસ્થાની રચના માટેના કરારને સંમતિ મળી જવી જોઈએ.’ 

પાંચ દેશોના બ્રિક્સ સમૂહની બ્રિસ્બેન ખાતેની અનૌપચારિક બેઠકમાં તેમણે કહ્યું હતું કે ‘બ્રિક્સ ડેવલપમેન્ટ બૅન્કની સ્થાપના કરવા વિશે લેવાયેલો નિર્ણય દર્શાવે છે કે આપણે વૈશ્વિક કક્ષાની સંસ્થાની રચના અને સંચાલન કરવા માટે સક્ષમ છીએ. અમે ટૂંક સમયમાં બૅન્કના પ્રમુખપદ માટે અમારા ઉમેદવારનું નામ નોંધાવી દઈશું.’

શાંઘાઇમાં મુખ્ય મથક ધરાવનાર બ્રિક્સ બૅન્કની સ્થાપના વખતે એનું ભંડોળ ૧૦૦ અબજ ડૉલર હશે અને ભારત પ્રથમ છ વર્ષ સુધી એના પ્રમુખપદે હશે. ત્યાર બાદ પાંચ-પાંચ વર્ષ સુધી બ્રાઝિલ અને રશિયા આ હોદ્દો સંભાળશે.

G-20 શું છે?

G20 એ વિશ્વના ૨૦ વિશાળ અર્થતંત્ર ધરાવતા દેશોનું ગ્રુપ છે જેમાં દરેક દેશની સેન્ટ્રલ બૅન્કના ગવર્નર પણ સામેલ હોય છે. આ દેશોમાં ભારત ઉપરાંત રશિયા, અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયન, ચીન, ફ્રાન્સ, જપાન, ઇટલી, કોરિયા, મેક્સિકો, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, જર્મની, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, ઇન્ડોનેશિયા, તુર્કીનો  સમાવેશ છે.

રિફૉમ્ર્સ સામે અવરોધ આવતા જ હોય છે

આર્થિક સુધારા સામે અવરોધો આવતા જ હોય છે એવું નિવેદન મોદીએ G20ની બેઠકમાં કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે જાહેર જનતાનો સહયોગ પણ જરૂરી છે. ઇકૉનૉમિક રિફૉમ્સર્‍ સામે પૉલિટિકલ પ્રેશરરૂપે અવરોધ ઊભા થઈ શકે એમ જણાવતાં મોદીએ આ સુધારાને પગલે પ્રોસેસ સરળ થવી જોઈએ અને ગવર્નન્સનું ધોરણ ઊંચું જવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.