કંપનીનાં ફન્ડામેન્ટલ્સની જ્યારે ઐસી-તૈસી થઈ જાય

20 October, 2014 05:14 AM IST  | 

કંપનીનાં ફન્ડામેન્ટલ્સની જ્યારે ઐસી-તૈસી થઈ જાય


શૅરબજારની સાદી વાત- જયેશ ચિતલિયા

છેલ્લાં બે સપ્તાહથી આપણે ફાઇનૅન્શિયલ સેક્ટરમાં સ્વચ્છતા અભિયનાની વાત કરી રહ્યા છીએ. સરકાર અને સેબી, રિઝવર્‍ બૅન્ક ઑફ ઇન્ડિયા સહિતનાં નિયામક તંત્રોએ આ વિષયમાં શું કરવું જોઈએ એની પણ વાત થઈ. જોકે એ જ સપ્તાહમાં સેબીએ મોટી સફાઈ કરી નાખી હોય એવો ઘાટ સર્જા‍યો છે. સેબીએ રિયલ્ટી સેક્ટરની જાયન્ટ કંપની DLF અને એના મુખ્ય પ્રમોટરો તથા સંચાલકો સામે આકરાં પગલાં ભરીને કૉર્પોરેટ સેક્ટર માટે તો દાખલારૂપ ઍક્શન લીધી, પરંતુ આમ કરવા જતાં રોકાણકારોની મૂડી ભરપૂર પ્રમાણમાં ધોવાઈ ગઈ છે. હવે પછી તો આ શૅર ક્યારે અને કેટલો ઉપર આવશે એ તો સમય જાણે, પરંતુ રોકાણકારો માટે પણ આ એક બહુ મોટો સબક બની શકે એવી ઘટના છે. ખાસ કરીને કંપનીનાં ફન્ડામેન્ટલ્સ જોઈને તેમ જ એના વિકાસની સંભાવના ધ્યાનમાં રાખીને એ શૅરમાં રોકાણ કરતા ઇન્વેસ્ટરો પણ અત્યારે તો ફિક્સમાં મુકાઈ ગયા છે. DLFના આ કિસ્સા પરથી ઘણું સમજી-શીખી શકાય છે.

ફન્ડામેન્ટલ્સ ફંદો બની જાય ત્યારે

DLFનો ઇશ્યુ આવ્યો ત્યારે લોકોએ બહુ હોંશપૂવર્‍ક એ શૅરો માટે અરજી કરી હતી. એ સમયે એ શૅરનો ભાવ પણ સારો ચાલ્યો. કંપની જાયન્ટ છે, એની પાસે બહુ મોટી લૅન્ડ-બૅન્ક છે, ભાવિ વિકાસલક્ષી છે, ભારતમાં રિયલ્ટીના ભાવ કાયમ ઊંચા રહે છે અથવા વધતા રહે છે. પરિણામે આ કંપનીમાં ઇશ્યુ વખતે અને બાદ પણ રોકાણ થતું રહ્યું. અનેક લોકો ઊંચા ભાવે નફો બુક કરીને કમાયા પણ ખરા. જોકે અત્યારે જે બન્યું છે એની કલ્પના કોઈને નહોતી. ફન્ડામેન્ટલ્સની દ્રષ્ટિએ મજબૂત ગણાતી કંપની સેબીની એક જ ઍક્શનથી મજબૂર કંપની બની ગઈ. સેબીએ તો અમુક વરસ પહેલાંની કંપનીની ભૂલ-ક્ષતિ-કાનૂનભંગ સામે પગલાં લીધાં છે; પરંતુ હવે આની સજા કંપની ઉપરાંત એમાં રોકાણ કરનારા વિવિધ વર્ગ ભોગવશે એ નક્કી છે. હજી તો આ કંપની સામે શું-શું ઍક્શન કોના તરફથી આવશે એ વિશે પણ અનિશ્ચિતતા છે તેથી આ શૅરને હાથ લગાવવા એ જ લોકો તૈયાર થશે જેમની પાસે ખૂબ નાણાં છે અને જોખમ લેવાની શક્તિ તથા હિંમત છે. બાકી નાના-મધ્યમ રોકાણકારો તો અત્યારે એમ વિચારે છે કે હવે આ શૅર રાખી મૂકવા કે પછી લૉસ બુક કરીને નીકળી જવું કે પછી ભાવિ માટે આશા રાખવી; કેમ કે કંપની હજી સેબીને પડકારે એવું બની શકે છે. એમાં એને ક્યાંક સફળતા મળી શકે એવું પણ બની શકે. જોકે આમાં હવે ઘણાબધા જો અને તો જોડાઈ ગયા છે.

ઇન્ડેક્સ અને A ગ્રુપની કંપની પણ

અત્યાર સુધી ઇન્ડેક્સમાં સ્થાન ધરાવનાર આવી કંપનીઓ જ્યારે એમની સામે આવી આકરી ઍક્શન આવે છે ત્યારે એમનું ઇન્ડેક્સમાંથી પણ સ્થાન ડગમગવા લાગે છે. રોકાણકારો ઘણી વાર કંપની ઇન્ડેક્સમાં હોવાથી એને મજબૂત-ફન્ડામેન્ટલ્સથી મજબૂત કંપની માનવા લાગે એ સહજ છે. જોકે આવા સંજોગોમાં એના ઇન્ડેક્સમાં હોવાની માન્યતા પણ બદલાઈ જાય છે, આવી કંપનીઓ પછી ઇન્ડેક્સમાં હોય કે ન હોય એમની સામે મોટા ભાગે શંકાની નજરે જોવાય છે. પરિણામે ઇન્ડેક્સમાં સ્થાન હોવાથી કંપની સારી-મજબૂત હોવાનો ભ્રમ કે સિદ્ધાંત પણ તૂટી જાય છે. અગાઉ સત્યમ કમ્પ્યુટર્સ પણ ઇન્ડેક્સમાં હતી, પરંતુ સ્કૅમ બાદ એનું સ્થાન-માન બધું જ બદલાઈ ગયું. તાજેતરમાં નૅશનલ સ્પૉટ એક્સચેન્જના સ્કૅમને પગલે ઇન્ડેક્સમાં સ્થાન ધરાવતી ફાઇનૅન્શિયલ ટેક્નૉલૉજીઝ પણ ઇન્ડેક્સમાંથી-A ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવી હતી. એ જ રીતે વિજય માલ્યા વિલફુલ ડિફૉલ્ટર જાહેર થવાના પરિણામે તેમની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝ પણ A ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

ભૂષણ સ્ટીલ-સિન્ડિકેટ બૅન્ક

તાજેતરની જ વધુ અમુક ઘટનાઓ પર નજર કરીએ તો ભૂષણ સ્ટીલ અને સિન્ડિકેટ બૅન્કની સાઠગાંઠ બહાર આવી અને બન્નેના શૅરોના ભાવ ધોવાઈ ગયા હતા. સુપ્રીમ ર્કોટે અગ્રણી કંપનીઓના કોલ બ્લૉક્સ રદ કર્યા અને એ કંપનીઓ તેમ જ એમને ધિરાણ આપનારી બૅન્કોના શૅરોના ભાવોનું પણ જબ્બર ધોવાણ થયું હતું. આમ અહીં પણ ફન્ડામેન્ટલ્સ સારાં મનાતાં હતાં, પરંતુ આવેલી ઍક્શન આકરી હતી જેણે ધરખમ ફેરફાર કરી નાખ્યા હતા.

ઇન્વેસ્ટરોએ રિવ્યુ કરવો જરૂરી

આમ એક-બે મોટી ઘટનાથી કંપનીનું સ્થાન-માન-ભાવ બદલાઈ જાય છે ત્યારે ક્યાંક કંપની કે એના સંચાલકોનો વાંક હોઈ શકે, પરંતુ રોકાણકારોનો શું વાંક? તેમણે તો ફન્ડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને આવી કંપનીઓના શૅર લીધા હોય છે. અહીં રોકાણકારો માટે પણ સબક છે કે તેમણે પોતે જેના શૅરો ધરાવે છે એના પર સતત નજર રાખવી પણ જરૂરી છે, એનો સમયાંતરે રિવ્યુ થવો જરૂરી છે. રોકાણકારોને નુકસાન ન થાય એ માટે સેબી કે કોઈ એજન્સી જવાબદાર અથવા દોષી કંપનીઓ સામે ઍક્શન ન લે એવું બની શકે નહીં. અર્થાત્ ઇન્ડેક્સમાં હોવાથી કે A ગ્રુપમાં હોવાથી કંપની સદા સારી જ છે અને રહેશે એવું કાયમ માટે માની લઈ શકાય નહીં. અલબત્ત, અપવાદરૂપ કિસ્સા માટે તૈયાર રહેવું પડે. જોકે સૌથી મહત્વની બાબત કંપનીના પ્રમોટરો અને મૅનેજમેન્ટનો ટ્રૅક-રેકૉર્ડ હોય છે.

બજારની આગામી ચાલ ફન્ડામેન્ટલ્સ પર આધાર રાખશે

શૅરબજાર પર અસર કરતાં ત્રણ મૂળભૂત મુખ્ય પરિબળો હોય છે : ફન્ડામેન્ટલ્સ, સેન્ટિમેન્ટ અને લિક્વિડિટી (પ્રવાહિતા). સેન્ટિમેન્ટ એ એક મૂડ છે જે સંજોગો મુજબ બદલાયા કરે છે, જ્યારે લિક્વિડિટીની સ્થિતિ પણ એક યા બીજા કારણસર બદલાય છે; પરંતુ ફન્ડામેન્ટલ્સ સૌથી મોટું અને આધારભૂત પરિબળ ગણાય છે. ફન્ડામેન્ટલ્સ સારાં-મજબૂત હોય તો મોટા ભાગે સેન્ટિમેન્ટ અને પ્રવાહિતા જોરમાં આવી જાય છે. જોકે આ ત્રણે પરિબળોનું એકસાથે હાજર હોવું શ્રેષ્ઠ સંજોગ ગણાય. અત્યારે નરેન્દ્ર મોદીના આશાવાદને લીધે સેન્ટિમેન્ટ ઊંચું છે, જ્યારે કડક નાણાનીતિને કારણે પ્રવાહિતા પૂર્ણપણે ખીલી નથી અને ફન્ડામેન્ટલ્સ હવે પછી સુધરવાની આશા છે. જેમ-જેમ આર્થિક સુધારા અમલમાં મુકાતા જશે અને એનાં પરિણામો આવવા લાગશે એમ-એમ ફન્ડામેન્ટલ્સ પણ સુધરશે. અર્થતંત્રનાં ફન્ડામેન્ટલ્સ સુધરવા સાથે કંપનીઓનાં ફન્ડામેન્ટલ્સ પણ સુધરશે. વર્તમાન સમયમાં ઘટેલું બજાર ગ્લોબલ સંજોગોને લીધે છે, વિદેશી સંસ્થાકીય ઇન્વેસ્ટરોના વેચાણને લીધે છે; જ્યારે દેશનાં ફન્ડામેન્ટલ્સ સુધરી રહ્યાં છે જે આવનારા સમયમાં વધુ રોકાણ-પ્રવાહ આકર્ષશે. આગામી સમયમાં બજાર મુખ્યત્વે મજબૂત ફન્ડામેન્ટલ્સ પર જ ચાલવાનું હોવાથી રોકાણકારો ફન્ડામેન્ટલ્સ જોઈને આગળ વધે એ સલાહભર્યું છે.

DLF સામે પેનલ્ટી

DLF સામે તો હજી થોડા વખત પહેલાં કૉમ્પિટિશન કમિશને ગેરવાજબી વેપાર-પ્રવૃત્તિ કરવાના આરોપસર ૬૩૦ કરોડ રૂપિયાની પેનલ્ટી પણ લાદી હતી.