ફેડે વ્યાજદર વધારતાં બજાર નારાજ : અમેરિકન રાજકારણમાં ગરમાવો

13 February, 2019 12:01 PM IST  |  | Biren Vakil

ફેડે વ્યાજદર વધારતાં બજાર નારાજ : અમેરિકન રાજકારણમાં ગરમાવો

ભારતીય ચલણ

કરન્સી-કૉર્નર - બિરેન વકીલ

કરન્સી અને કૉમોડિટી બજારોમાં પાછલા એક મહિનાથી આવેલી વધઘટ અને ગર્ભિત મંદી કૉમોડિટી અને કરન્સીમાં એક્સપોઝર હોય એવા આયાતકારો કે નિકાસકારો અથવા ટ્રેડર્સ માટે શિરદર્દ બની ગયાં છે. રૂપિયામાં ૭૪.૫૦થી ૬૯.૫૦ અને ૬૯.૫૦થી ૭૨.૫૦ સુધીની બેતરફી અફરાતફરી પછી હવે રોજ એકાદ ટકાની વધઘટ સામાન્ય થઈ ગઈ છે. એક જમાનામાં રૂપિયામાં સાપ્તાહિક એકાદ ટકાની વધઘટ રહેતી, પણ હવે વીકલી ત્રણ-ચાર ટકા અને દૈનિક પોણા કે એક ટકાની વધઘટ સામાન્ય થઈ ગઈ છે. નિકાસકારો કે આયાતકારો ખાસ કરીને કપડાં, રૂ કે ઍગ્રી પ્રોડક્ટ્સની નિકાસ કરતા સમુદાયનું માર્જિન ૪-૫ ટકા હોય છે એમાં રૉ મટીરિયલની ૩-૪ ટકાની વૉલેટિલિટી અને કરન્સીની ૨-૩ ટકાની વૉલેટિલિટી મિક્સ કરીએ તો પાંચ ટકા માર્જિન સામે ૫-૭ કે ક્યારેક ૧૦-૧૫ ટકાની વૉલેટિલિટી આવે તો કમાવાનું તો બાજુએ રહ્યું, ઘરનાં નાણાં ખોવાં પડે. થોડાં વર્ષો પહેલાં સ્ટેબલ બજારમાં કરન્સી હેજિંગ કરનારને પાંચ-છ ટકા કોસ્ટ લાગતી ત્યારે હેજિંગ કરવું મુર્ખામી ગણાતું, પણ હવે ૧૦-૧૫ ટકાની વધઘટ સામે છમાસિક પ્રીમિયમ ૪-૪.૫ ટકા છે એટલે હેજિંગ કરવું એ ઓછું જોખમી છે. જોકે સૌથી ફાયદામંદ માર્ગ ડાયનૅમિક હેજિંગ અને કૉલ પુટ ઑપ્શન કે ડેલ્ટા ગામા હેજિંગ જેવી ટેãક્નકથી ઘણા ઓછા ખર્ચે નુકસાનીથી બચી શકાય અને બૅલૅન્સશીટને રક્ષણ કવચ આપી શકાય. રિસ્ક મૅનેજમેન્ટ હવે જરૂરિયાત નથી, અસ્તિત્વ માટે અનિવાર્ય અંગ બની ગયું છે. 

બજારની વાત કરીએ તો રૂપિયો ૭૧.૫૫થી ઊછળીને ૬૯.૫૫ થયા પછી ૭૦.૧૪ બંધ હતો અને ઑફશૉર માર્કેટમાં ૭૦.૪૦ના ભાવ મળતા હતા. ડોનલ્ડ ટ્રમ્પ પાછલા કેટલાય મહિનાથી ફેડ પર સતત અટૅક કરીને કહેતા હતા કે વ્યાજદર ન વધારો. જોકે ફેડે વ્યાજદરમાં સતત નવમો વધારો કર્યો હતો અને ચૅરમૅન જેરેમી પોવેલે સોઇ ઝાટકીને કહી દીધું હતું કે અર્થતંત્રના હિતમાં જે સારું હશે એ પગલું લેતાં અમને કોઈ નહીં અટકાવી શકે. ફેડે વ્યાજદર વધારા સાથે બજારને રાહત આપવા બૅલૅન્સિંગ યાને હેજિંગ જેવો વચગાળાનો માર્ગ અપનાવી કહ્યું હતું કે ‘ભવિષ્યના વધારા ધીમા રહેશે. ૨૦૧૯માં બે વધારા આવશે.’ જોકે ફેડને બજારની ફટકાર પડી હતી. ડાઉ રેટહાઇક પછી ૮૦૦ પૉઇન્ટ તૂટ્યો હતો. ફેડ ગમે એ કરે, બજારને તૂટવું નિશ્ચિત હતું કેમ કે ઔદ્યોગિક સ્લોડાઉન છે. વધુ વ્યાજદર વધારો બજાર કે વપરાશકાર સહન કરી શકે એમ નથી. ફુગાવો એપેક્ષા કરતાં નીચો જ રહે છે એટલે વ્યાજદર વધારાની જરૂર નથી. જો ફેડ આ સત્ય સ્વીકારી વધારો ન કરે તો બજારમાં એવું સિગ્નલ જાય કે અર્થતંત્રમાં ખરેખર મંદી છે એટલે જ વ્યાજદર ન વધ્યા. આમ હતાશાની મંદી આવી. ફેડે અત્યાર સુધી બેસુમાર લિક્વિડિટી ઠાલવી અને કંપનીઓ બાયબૅક કરીને ઘરમાં પૈસા નાખતી ગઈ અને વગર વ્યાજે ધંધો કરતી ગઈ. એને બધાએ વિકાસ માની લીધો (આપણે પણ માની લઈએ). હવે ક્વૉન્ટિટિવ ઇઝિંગનો યુ ટર્ન છે. બજારમાંથી લિક્વિડિટી ખેંચાય છે એટલે ઇકૉનૉમી ડાયટિંગ પર આવી રહી છે.

 

શૅરબજારની વાત કરીએ તો ડાઉ ૨૬,૪૦૦થી ઘટીને ૨૨,૬૦૦ થઈ ગયો છે. નૅસ્ડૅકમાં ૨૦ ટકાની મંદી થઈ ગઈ છે. શુક્રવારે અમેરિકી ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટિસના રાજીનામાથી અમેરિકી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મેક્સિકો બૉર્ડર પર વૉલ બાંધવા ભંડોળ ફાળવણી મુદે સરકાર અને વિપક્ષ વચ્ચે અસહમતીથી આંશિક શટડાઉન થયું છે.  

ટેãક્નકલી રૂપિયાની રેન્જ ૬૮.૮૮-૭૨.૨૪ છે. ડૉલેક્સની રેન્જ ૯૫.૩૦-૯૭.૭૭૭ છે. ૯૭.૭૭ વટાવતાં ૯૯.૩૦ અને ૯૬.૮૦ તૂટતાં ૯૪.૮૦, ડૉલેકસમાં બે બાજુ તોફાની ચાલ આવી શકે. આગામી સમયમાં નાયમેક્સ ક્રૂડ ઑઇલમાં ભાવો ૪૦ ડૉલર નીચે જવાની સંભાવના છે. એમ થાય તો રૂપિયો પણ ૬૮.૮૦ આવી શકે.