આવતા અઠવાડિયે મોદીને મળશે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ

05 October, 2014 05:14 AM IST  | 

આવતા અઠવાડિયે મોદીને મળશે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ




સોશ્યલ નેટવર્કિંગ સાઇટમાં બીજા ક્રમે આવતા ફેસબુકના ચીફ ઑપરેટિંગ ઑફિસર (COO) શેરિલ સૅન્ડબર્ગ બાદ હવે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ઉપરાંત ૯ અને ૧૦ ઑક્ટોબરે યોજાનારી સર્વપ્રથમ Internet.org સમિટને તેઓ સંબોધન કરશે. આ ઉપરાંત તેઓ અન્ય મુખ્ય મંત્રાલયોના સભ્યોને પણ મળશે.

ઍમેઝૉનના જેફ બેઝોસ અને માઇક્રોસૉફ્ટના સત્ય નાદેલા પછી થોડા જ દિવસોમાં ભારતની મુલાકાત લેનાર ઝકરબર્ગ અમેરિકાસ્થિત કૉર્પોરેશનના ત્રીજા હાઈ પ્રોફાઇલ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (ઘ્ચ્બ્) છે. Internet.orgનો હેતુ વિશ્વના લોકો માટે ઇન્ટરનેટનો વપરાશ વધુ સસ્તો બનાવવાનો છે.

ઇન્ટરનેટ ઍક્સેસ સિવાયના વિશ્વના પાંચ અબજ લોકોને ઑનલાઇન આવવા સક્રિય કરવાના Internet.org મુખ્ય હેતુ ધરાવતા આ પ્રોજેક્ટમાં ફેસબુક, એરિક્સન, ટેક, નોકિયા, ક્યુઅલકૉમ અને સૅમસંગનો પણ સમાવેશ છે જેઓ ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાના સ્માર્ટફોન વિકસાવવામાં અને સમાજના પ્રત્યેક વર્ગને ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડવાનો નિર્ધાર ધરાવે છે.

Internet.org સમિટમાં અંગ્રેજી સિવાયની ભાષાના લોકો માટે વધુ સારી રીતે ઇન્ટરનેટ સર્વિસિસ પહોંચાડવાના મુદ્દા પર ક્ષેત્રના નિષ્ણાતો, અધિકારીઓ અને અગ્રણીઓ પોતાના વિચારો વ્યક્ત કરશે. Internet.org પર ફેસબુક અને ભારતની સરકાર કઈ રીતે સહયોગ સાધી શકશે એ વિશે પણ મોદી અને ઝકરબર્ગ વિચારોની આપ-લે કરશે. જુલાઈમાં સૅન્ડબર્ગને મળીને મોદીએ સરકારનું ગવર્નન્સ સુધારવા તેમ જ ભારતમાં વધુ પ્રવાસીઓને દેશમાં આકર્ષવા ફેસબુકના ઉપયોગ વિશે સૂચન કર્યું હતું.

ભારત મોટું બજાર

સોશ્યલ નેટવર્કિંગ કંપનીઓ માટે ભારત એક મહત્વનું બજાર છે. વિશ્વના એક અબજ કરતાં વધુ વપરાશકર્તાઓમાંથી માત્ર ભારતમાં ૧૦ કરોડ વપરાશકર્તા છે. એક અભ્યાસ મુજબ ચાલુ વર્ષના અંત સુધીમાં ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારોની સંખ્યા વર્ષ ૨૦૧૩ના અંતના ૭.૭૮ કરોડથી વધીને ૧૦.૮૯ કરોડ થવા અપેક્ષિત છે.