શૅરબજારો અને રૂપિયામાં અફરાતફરી : ડૉલેક્સમાં તેજી

24 December, 2018 01:26 PM IST  |  | Biren Vakil

શૅરબજારો અને રૂપિયામાં અફરાતફરી : ડૉલેક્સમાં તેજી

નવા ગવર્નર તરીકે માજી મહેસૂલ સચિવ ડૉ. શક્તિકાંત દાસની વરણી, શૅરબજારમાં કારમા કડાકા પછી એવો જ મોટો ઉછાળો આવ્યો

અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધમાં કામચલાઉ વિરામ આવ્યો એ પછીની તેજી ધેવાઈ ગઈ છે. અમેરિકા અને યુરોપનો હાઉસિંગ ડેટા, મૅન્યુફૅક્ચરિંગ ડેટા નરમાઈ બતાવે છે. ચીનનો ડેટા સતત ખરાબ આવે છે. જપાન પણ ફરી મંદીમાં સરક્યું છે. ડાઉ, હૅન્ગ સેંગ, નિક્કી, ડેક્સ જેવાં આગેવાન બજારો ટોચના ભાવથી ૧૫થી ૨૫ ટકા તૂટ્યાં છે.

બજારોની વાત કરીએ તો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશની ચૂંટણીમાં શાસક પક્ષનો દેખાવ અપેક્ષાથી નબળો રહ્યો. રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. ઉર્જિત આર. પટેલનું રાજીનામું, વિજય માલ્યાના પ્રત્યાર્પણમાં સરકારને પ્રાથમિક સફળતા, નવા ગવર્નર તરીકે માજી મહેસૂલ સચિવ ડૉ. શક્તિકાંત દાસની વરણી, શૅરબજારમાં કારમા કડાકા પછી એવો જ મોટો ઉછાળો આવ્યો. ચૂંટણીપરિણામો ડિસ્કાઉન્ટ થઈ ગયાં. બજાર ગેલમાં આવી જવાનું કારણ મને એ લાગે છે કે નવા ગવર્નર વ્યવહારું માણસ મનાય છે. શે. બજારની લિક્વિડિટી ક્રાઇસિસ દૂર કરવા સરકારને રિઝર્વ બૅન્ક પાસે પડેલી ૯ લાખ કરોડ જેટલી અનામતમાંથી અમુક ફન્ડ જોઈતું હતું એ પણ કદાચ મળશે. આર્થિક નીતિઓ એક્સપાન્શરી બનશે એટલે કે આર્થિક પ્રણાલી અને બૅન્કિંગ પ્રણાલીમાં સીધા કે આડકતરા પૈસા આવશે અને પૈસા તેજીકારક બનશે. આર્થિક પરિભાષામાં શૉર્ટ ટર્મ ગેઇન વિરુદ્ધ લૉન્ગ ટર્મ પેઇનના રસ્તા તરફ ગતિ છે. ડૉ. રાજને અને ત્પ્જ્નાં મુખ્ય અર્થશાસ્ત્રી ડૉ ગીતા ગોપીનાથે ભારતની મૅક્રોઇકૉનૉમિક સ્ટેબિલિટીના સંદર્ભે ચેતવણીઓ ઉચ્ચારી એ સૂચક છે. ડૉ. રાજને ચૂટણીપંચને પત્ર પણ લખ્યો છે કે કિસાનોના દેવામાફી જેવા મુદ્દા ચૂંટણીના મુદ્દા ન બનવા જોઈએ.

દરમ્યાન વિલફુલ ડિફૉલ્ટર વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ સરકાર જીતી ગઈ છે. માલ્યાએ કહ્યું છે કે તેઓ મુદ્દલની પૂરી રકમ આપવા તૈયાર છે (વ્યાજ જતું કરો). આ સંદર્ભે એક અખબારી અહેવાલમાં નીતિન ગડકરીનું સૂચક વિધાન આવ્યું છે કે ‘માલ્યાને ધંધામાં નુકસાન થયું છે. ચાલીસ વર્ષ તો તેણે નાણાં ચૂકવ્યાં છે એટલે તેને ડિફૉલ્ટર ન કહેવાય. એક તક આપવી જોઈએ.’ જો આવું થવાનું હોય, માલ્યાને તક મળવાની હોય તો અનેક અઘોષિત ડિફૉલ્ટરો માટે જૅકપૉટ લાગવાનો સંકેત ગણાય. ડૉ. ઉર્જિત આર. પટેલ, સુરજિત ભલ્લા, ડૉ. રાજનની એક્ઝિટ, અરવિંદ પાનસૂરિયા, અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામું. આ બધી ઘટનાઓને કનેક્ટિંગ ડોટ્સ રીતે જોઈએ તો એક અજબ રંગોળી જોવા મળે છે.

રૂપિયાની વાત કરીએ તો એક તબક્કે ૬૯.૫૦ થયો ત્યારે ૬૮-૬૮.૫૦ હાથવેંતમાં લાગતો હતો, પણ હવે બદલાતા સંજોગોમાં રૂપિયો ફરી ૭૨-૭૩ થવાની સંભાવના દેખાય છે. અમેરિકા, યુરોપ અને ચીનમાં હાઉસિંગ અને મૅન્યુફૅક્ચરિંગ ડેટા ઘણા નબળા પડ્યા છે. પૉલિસી છોડવાના સંકેત આપ્યા છે. ફેડ કદાચ આગામી બુધવારે વ્યાજદર નહીં વધારે. કદાચ વધારે તો પણ હવે સાઇકલ પૂરી થવામાં છે. વિશ્વભરમાં ફુગાવો ઘટી રહ્યો છે અને એ નિશાની સારી નથી. ક્રૂડની મંદીની સાથોસાથ ખરીદશક્તિનો ઘટાડો છે અને ફુગાવાનું ઘટવું ડિફ્લેશનરી સંકેત છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં ફુગાવો ઝડપી ઘટે તો એ ખરાબ નિશાની છે.

મુખ્ય કરન્સીમાં ડૉલર ઇન્ડેક્સ ૯૭.૧૭ની એક વર્ષની ટોચે છે. ૯૮.૩૦ વટાવતાં ડૉલેક્સ ફરી ૧૦૦-૧૦૧ થશે. યુરો ફરી ૧.૧૦ અને પાઉન્ડ ફરી ૧.૨૦ તોડશે એમ લાગે છે. અમેરિકા સહિત વિશ્વભરમાં સ્લૉડાઉન તોળાય છે. અમેરિકાની હાલત અન્ય કરતાં સારી હોવાથી ડાઉ તૂટવા છતાં ડૉલર મજબૂત છે. ડૉલરને ફ્લાઇટ ટુ ક્વૉલિટીનો લાભ મળશે. આગામી બુધવારની ફેડની નીતિ પછી ઍસેટ બજારોની ચાલ સ્પક્ટ થશે. ૨૦૧૬-’૧૭માં બુલ માર્કેટનું એવરીથિંગ, બૉન્ડ, બિટકૉઇન, બુલિયન બધું તેજીમાં હતું. ૨૦૧૮-’૧૯માં બેર માર્કેટ ઇન એવરીથિંગ દેખાય છે. રિયલ એસ્ટેટ, બિટકૉઇન, ટેક્નૉલૉજી શૅરો, સોના-ચાંદી જેવા સેફ હેવનમાં તેજીનાં વળતાં પાણી છે. અતિધનિક વર્ગ હવે ઍન્ટિક ફેરારી, વાઇન, આર્ટમાં રોકાણ કરે છે. આવનારા દિવસો રક્ષણવાદ, સામાજિક તનાવ (ફ્રાન્સનાં તોફાનો તાજો દાખલો), આર્થિક અસમાનતા જોતાં વેલ્થ બનાવવા અને વેલ્થ બચાવવા ક્રીએટિવ બનવું પડશે.

bombay stock exchange sensex national stock exchange