સપ્તાહ દરમ્યાન બજારમાં વધુ કરેક્શન જોવા મળશે

19 November, 2012 07:29 AM IST  | 

સપ્તાહ દરમ્યાન બજારમાં વધુ કરેક્શન જોવા મળશે



શૅરબજારનું ચલકચલાણું - નીરવ સાંગાણી

નબળા વૈશ્વિક સંકેતોને પગલે ગત સપ્તાહમાં ભારતીય શૅરબજારમાં આશરે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસની ફિસ્કલ ક્લિફની વધતી ચિંતા અને યુરો ઝોનના જીડીપી ગ્રોથના ડેટા જેવાં આંતરરાષ્ટ્રીય નબળાં પરિબળો ઉપરાંત દેશમાં વધતો ફુગાવો અને નબળા આઇઆઇપી ડેટા જેવાં નેગેટિવ ફૅક્ટરોએ બજારના ઘટાડામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગયા સપ્તાહના કામકાજનાં તમામ સત્રોમાં બજાર ઘટ્યું હતું.

બીએસઈના માર્કેટકૅપમાં ૬૩,૦૦૦ કરોડનો કડાકો

ગયા સપ્તાહમાં સેન્સેક્સ ૩૭૫ પૉઇન્ટ ઘટ્યો હતો. બીએસઈનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૬૩,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ૬૪.૯૩ લાખ કરોડ રૂપિયાનું થયું હતું. સપ્તાહ દરમ્યાન સેન્સેક્સની ૩૦માંથી ફક્ત ૩ કંપનીઓ ભારતી ઍરટેલ ૮.૫૭ ટકા, કોલ ઇન્ડિયા ૧.૩૪ ટકા અને એચડીએફસી બૅન્ક ૦.૪૯ ટકા વધી હતી.

મિડ કૅપ અને સ્મોલ કૅપ શૅરો સ્થિર

મુંબઈ શૅરબજારમાં ગયા સપ્તાહે યુનાઇટેડ સ્પિરિટ્સ ૩૧.૭૬ ટકા, એલએનડી ફાઇનૅન્સ હોલ્ડિંગ્સ ૩૦.૧૪ ટકા, મુથુટ ફાઇનૅન્સ ૧૨.૬૭ ટકા અને ભારતી ઍરટેલ ૯.૩૭ ટકા સૌથી અધિક વધ્યા હતા. ગત સપ્તાહ દરમ્યાન ફ્રન્ટલાઇન શૅર્સના ઘટાડા વચ્ચે પણ મિડ કૅપ અને સ્મૉલ કૅપ શૅર્સ સ્થિર રહ્યા હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે મિડ કૅપ નજીવો ૦.૦૪ ટકા ઘટ્યો હતો.

આગામી ચાલ

વર્તમાન સપ્તાહમાં પણ ભારતીય શૅરબજારમાં ઘટાડનો દોર જળવાઈ રહે એવી શક્યતા છે. બજારના જાણકારોનું માનવું છે કે અત્યારે માર્કેટ પાસે વધવા માટે કોઈ પૉઝિટિવ ટ્રિગર ઉપલબ્ધ નથી. તેમના મતે રેટ સેન્સિટિવ શૅર્સમાં હજી ગાબડું જોવા મળશે અને સેન્સેક્સ ઘટીને ૧૮,૦૦૦ની તેમ જ નિફ્ટી ઘટીને ૫૫૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડે એવી શક્યતા છે.

નવેમ્બરમાં એફઆઇઆઇનું રોકાણ ઘટ્યું


અત્યારે અહીંના બજારમાં એફઆઇઆઇનું ઘટતું ઇન્વેસ્ટમેન્ટ પણ એક મુખ્ય ચિંતાનું કારણ છે. જુલાઈ-ઑક્ટોબર ૨૦૧૨ દરમ્યાન એફઆઇઆઇએ પ્રત્યેક મહિને સરેરાશ ૧૨,૫૦૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. જોકે વર્તમાન નવેમ્બર મહિનામાં એફઆઇઆઇએ અત્યારસુધીમાં ફક્ત ૩,૩૫૦ કરોડ રૂપિયાનું નેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.