બજારમાં સાવચેતીભર્યું વલણ રહેવાની આશા

05 November, 2012 05:55 AM IST  | 

બજારમાં સાવચેતીભર્યું વલણ રહેવાની આશા


શૅરબજારનું ચલકચલાણું


ગયા સપ્તાહમાં બજારમાં મર્યાદિત સુધારો જોવા મળ્યો. સ્થાનિક તેમ જ આંતરરાષ્ટ્રીય હકારાત્મક પરિબળોની ગેરહાજરીને કારણે બજારમાં મોટો ઉછાળો જોવા નથી મળતો. આ ઉપરાંત એફઆઇઆઇની ખરીદી પણ ઓછી થઈ રહી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને રીટેલ ઇન્વેસ્ટરોની તો બજારમાં જ્યારે પણ સુધારો જોવા મળે ત્યારે વેચવાલી જ આવે છે.

વર્તમાન રાજકીય અને આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેતાં ચાલુ સપ્તાહમાં પણ બજારમાં સાવચેતીભર્યું વલણ જળવાઈ રહેવાની ગણતરી છે. કૉપોરેટ રિઝલ્ટ્સ પણ એટલાં પ્રોત્સાહક નથી કે બજારમાં ઉછાળો આવી શકે. જો વિદેશી રોકાણકારોની ખરીદીમાં વધારો થશે તો જ બજારમાં સુધારો આગળ વધશે. ગયા સપ્તાહમાં મુંબઈ શૅરબજારના સેન્સેક્સમાં ૧૩૦ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૩૩.૪૦નો વધારો થયો હતો. એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી ૮૮૫.૯૦ કરોડ રૂપિયા જેટલી રહી હતી.

સેક્ટર સ્પેસિફિક


ગયા સપ્તાહમાં મુંબઈ શૅરબજારનો ઑટો ઇન્ડેક્સ સૌથી વધુ ૪૦૧ પૉઇન્ટ વધ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં ૩૫૭ પૉઇન્ટની વૃદ્ધિ થઈ હતી. તહેવારોની સીઝનને કારણે વાહનો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું વેચાણ વધી રહ્યું છે એને કારણે આ બે ઇન્ડાઇસિસમાં વૃદ્ધિ થઈ છે. હજી દિવાળી સુધીમાં વાહનો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના વેચાણમાં વધુ વૃદ્ધિ જળવાઈ રહશે એને પગલે આ બે ઇન્ડાઇસિસમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સમાં ગયા સપ્તાહમાં સૌથી વધુ ૨૧૪ પૉઇન્ટનો ઘટાડો થયો હતો. આ ઇન્ડેક્સમાં સુધારો થવાની શક્યતા ઓછી છે. ચાલુ સપ્તાહમાં સેન્સેક્સ ૧૮,૯૬૬ અને ૧૮,૫૧૧ પૉઇન્ટ અને નિફ્ટી ૫૭૫૫થી ૫૬૩૩ પૉઇન્ટની વચ્ચે જોવા મળશે.

વિદેશી રોકાણ


એફઆઇઆઇનું ડેટ માર્કેટમાં છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ રોકાણ ઑક્ટોબરમાં ૭૮૫૨ કરોડ રૂપિયા રહ્યું છે. એફઆઇઆઇની ડેટ માર્કેટમાં કુલ ખરીદી ૧૮,૯૦૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૧,૦૫૨ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૭૮૫૨ કરોડ રૂપિયા રહી છે. ફેબ્રુઆરીમાં એફઆઇઆઇએ ડેટ માર્કેટમાં ૧૦,૦૧૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. એફઆઇઆઇએ ચાલુ કૅલેન્ડર વીકમાં અત્યાર સુધીમાં ડેટ માર્કેટમાં ૩૨,૫૮૧ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઑક્ટોબરમાં એફઆઇઆઇનું ઇક્વિટી માર્કેટમાં ચોખ્ખું ઇન્વેસ્ટમેન્ટ ૧૧,૩૬૪ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલુ કૅલેન્ડર વર્ષમાં ચોખ્ખી ખરીદી ૯૪,૩૮૧ કરોડ રૂપિયા રહી છે.

એફઆઇઆઇ = ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર