લૉન્ગ ટર્મના રોકાણમાં લાંબો થઈ જતો ઇન્વેસ્ટર

10 September, 2012 06:13 AM IST  | 

લૉન્ગ ટર્મના રોકાણમાં લાંબો થઈ જતો ઇન્વેસ્ટર



શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

એક ભાઈસાહેબ જ્યોતિષી પાસે ગયા. તેમની હસ્તરેખા જોયા પછી જ્યોતિષીએ કહ્યું, ‘તમારે હજી બે વરસ મુશ્કેલીનાં છે.’ પેલા ભાઈએ કહ્યું, ‘ઓહ! તો બે વરસ પછી બધું સારું છે, મારે કોઈ ચિંતા નહીં કરે!’ એટલે જ્યોતિષીએ સ્પષ્ટ કર્યું કે ‘ભાઈ, એવું નથી, પણ બે વરસ પછી તમે ટેવાઈ ગયા હશો.’ શૅરબજારમાં લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠેલા રોકાણકારોની દશા કંઈક પેલા ભાઈસાહેબ જેવી જ છે, પરંતુ તેઓ આ સ્થિતિથી હજી ટેવાયા નથી, જેથી દર વખતે સમયસર નફો બુક કરવાનું ચૂકી જાય છે. શૅરબજારમાં સમયની વ્યાખ્યા બદલાઈ રહી છે, અહીં રોકાણ કરીને ત્રણ કે પાંચ કે સાત વરસે કેટલા ટકા મૂલ્યવૃદ્ધિ થશે અથવા કેટલું વાસ્તવિક વળતર મળશે એ ગણતરીમાં હવે લોકોનો રસ ઘટી રહ્યો છે, એટલું જ નહીં, વિશ્વાસ પણ ઘટી રહ્યો છે, લાંબા ગાળે બજાર સારું રહેશે, વધશે, લાભ થશે, એ વાતો અને સિદ્ધાંતો હવે રોકાણકારોના મગજમાં ઊતરતાં નથી, કારણ કે લાંબા ગાળા સુધી શૅરો પકડી રાખીને પણ લૉસ કરનારા અથવા લાંબા ગાળા પછી પણ નજીવું વળતર મેળવનારા રોકાણકારોની સંખ્યા વધી રહી છે. બજારને ક્યાંય ને ક્યાંયથી કોઈ ને કોઈ પરિબળ અસર કરી જઈ બજારની ચાલને બદલી નાખે છે અને રોકાણકારો જોતાં અને હાથમાં આવેલો નફો ખોતાં રહી જાય છે. ઇન શૉર્ટ, ટૂંકા ગાળામાં મળતો નફો ઘરમાં લઈ લો અને બજાર ઘટે ત્યારે ફરી ખરીદો એવો ફન્ડા હવે પછી કામ કરતો થઈ જાય તો નવાઈ નહીં.

વધઘટની બદલાતી પૅટર્ન

લાંબા ગાળા માટે રોકાણ કરો એવું વરસોથી કહેવાઈ રહ્યું છે. સૈદ્ધાંતિક રીતે આ વાત સાચી પણ છે, પરંતુ હકીકતમાં બદલાતા સમય સાથે માર્કેટની વધઘટની પૅટર્ન પણ બદલાઈ રહી છે અને એમાં હવે લાંબા ગાળા કરતાં સમયસર નફો કરી લેવાનું ચલણ વધી રહ્યું છે, કારણ કે લાંબા ગાળાની આશાએ નફો બુક કરવાનું ચૂકી જનાર પછીથી લાંબા ગાળે પણ એ નફો મેળવી શકશે કે કેમ એ સવાલ અધ્ધર જ રહે છે. અલબત્ત, સૌથી મહત્વનું એ છે કે રોકાણકાર કયા ભાવોના સ્તરે બજારમાં પ્રવેશ્યો છે, અર્થાત, તમે જે લેવલે શૅરો ખરીદ્યા હતા એ પછી પણ બજાર વધ્યું હતું, પણ તમે લાંબા ગાળાના રોકાણકાર હોવાથી એ વધારો જતો કર્યો હતો, જે પછીથી બજારમાં એક યા બીજાં પરિબળો -સંજોગોને કારણે વળાંક આવી ગયો, તેથી બજાર નીચે ઊતરી ગયું, હવે તમે તમારા ખરીદભાવથી એ શૅરોના ભાવ ફરી ઊંચા જાય એની રાહ જોઈ રહ્યા છો, પરંતુ તમને નફો કરવાની પુન: તક આપે એવો સમય ક્યારે આવશે અને આવશે કે કેમ એની ખાતરી કોણ આપશે?

કોણ કેટલું વળતર આપે છે?

લાંબા ગાળે સારી મૂલ્યવૃદ્ધિ મળે છે એ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીને ચાલીએ તો પણ જાતને એક સવાલ પૂછવા જેવો છે. તમે બૅન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટમાં નાણાં મૂકો છો ત્યારે કેટલા વ્યાજની અપેક્ષા રાખો છો? નૅચરલી, અહીં તમારી અપેક્ષા ન ચાલે, પણ બૅન્ક જે આઠથી ૧૦ ટકાની વચ્ચે વ્યાજ ઑફર કરે એ સ્વીકારી લેવું પડે છે. એમાં પણ મોંઘવારીનો દર લાગુ પડે, તેથી વાસ્તવિક વળતર તમારા હાથમાં ઓછું ન આવે, એ ઉપરાંત ટૅક્સ પણ લાગુ થતો હોય તો ગણવો પડે. ખેર, ચાલો, તમે કોઈ પણ નૅશનલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો (પીપીએફ - પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ, પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ વગેરે) ત્યારે તમને શું વળતર - વ્યાજ મળે છે? એ જ સાતથી ૧૧ ટકાની રેન્જમાં. (સોનું અને પ્રૉપર્ટી આ મામલે અપવાદ ગણાય, જેથી એની ચર્ચા અત્યારે અહીં ટાળી છે.) હવે જો આ તમામ દર કરતાં શૅરોમાં તમને એનાથી પણ ઊંચો દર મળતો હોય તો તમે શા માટે નફો બુક કરતા નથી? શૅરબજારમાં છ-બાર મહિનામાં પણ આ વળતર કે તેથી પણ વધુ વળતર મળી જતું હોય છે, પણ એ સમયે તમે હજી વધશે. લાંબા ગાળે ઑર વધશેની આશાએ નફો લઈ લેતા નથી અને પછી બજાર વળાંક લઈ લેતાં રહી જાઓ છો. જે સાધનો તમને છ-સાત વરસે જે વળતર આપતાં હોય છે એ કે એનાથી વધુ વળતર તમને શૅરોમાં છ-બાર મહિને મળી જતું હોય ત્યારે એ ચૂકી જવું વાજબી નથી. લાંબા ગાળે એ હજી વધે એવું પણ બની શકે, પરંતુ વધશે જ એમ માની લઈ શકાય નહીં. પ્રૉફિટ-બુકિંગ શીખી લેવાનો સમય આવી ગયો છે, પણ આ સાથે કયા ભાવે બજારમાં એન્ટ્રી લેવી એ સમજવું પણ જરૂરી છે.

હવે સુધારા પર પેટ્રોલ ફરી વળશે

શુક્રવારે સપ્તાહના અંતે શૅરબજારે રોકાણકારોને ફરી આંચકો આપ્યો, શરૂઆતથી બજાર સતત વધતું ગયું અને છેલ્લે ૩૩૭ પૉઇન્ટ વધીને ૧૭,૬૮૩ બંધ રહ્યું, જ્યારે નિફ્ટી ૧૦૩ પૉઇન્ટ વધીને ૫૩૪૨ બંધ રહ્યો. છેલ્લા કેટલાક દિવસોથી મંદગતિએ ચાલતું રહેલું બજાર હજી કોઈને કળાતું નથી, પરંતુ યુરોપના પોઝિટિવ સંકેતે બજારને નવું જોમ આપી દીધું હતું. આ સાથે શુક્રવારે ડૉલર સામે રૂપિયો અને યુરો બન્ને સુધરતાં બજારનો સુધારો ઉછાળામાં પરિણમ્યો હતો. આમ એક સપ્તાહમાં બજાર એકંદરે ૩૦૦ પૉઇન્ટ વધ્યું હતું. જોકે હવે આગામી સપ્તાહમાં સરકાર પેટ્રોલ-ડીઝલ, ગૅસ અને કેરોસીનના ભાવ વધારે એવી સંભાવના છે, જે બજારના સુધારાને આગળ વધારવાને બદલે ધોઈ નાખે એમ જણાય છે. વૈશ્વિક સંજોગો પર પણ નજર રાખવી જરૂરી છે. હાલ તો બજારની રેન્જ ૧૬થી ૧૮ હજાર વચ્ચેની બની રહે એવો તાલ છે.