ડેટ સાધનોનું માર્કેટ મોટું થશે

27 November, 2012 06:31 AM IST  | 

ડેટ સાધનોનું માર્કેટ મોટું થશે



શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા


મારે તો ઇન્વેસ્ટમેન્ટનું કોઈ જોખમ લેવું નથી, આપણે તો સીધા બૅન્કની એફડી (ફિક્સ્ડ ડિપોઝિટ)માં નાણાં મૂકી દઈએ એટલે શાંતિ, કોઈ મગજમારી નહીં. ચોક્કસ વ્યાજ જમા થતું રહે અને સલામતીની કોઈ ચિંતા નહીં. અથવા મ્યુચ્યુઅલ ફન્ડની કોઈ ડેટ સ્કીમ પસંદ કરવાની, જેમાં જોખમ ન હોય, નિયત આવક થયા કરે. પૈસા ડૂબી જવાની કોઈ ભય નહીં. ઇન્વેસ્ટમેન્ટની વાત આવે અને એમાં પણ સલામતીની વાત આવે ત્યારે સામાન્ય રીતે લોકો આવું વિચારતા હોય છે. આ પ્રકારની માનસિક ધરાવતા રોકાણકારો આમ એક યા બીજા ડેટ ઇન્સ્ટુમેન્ટ (ઋણ સાધનો)માં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ ડેટ સાધનો કેટલા પ્રકારનાં હોય છે? આ રોકાણ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? વગેરે જેવી બાબતોની સાદી સમજ મેળવીએ.

ડેટ સાધનોમાં શું આવે?

ફિક્સ્ડ મૅચ્યોરિટી પ્લાન (એફએમપી), મની માર્કેટ ફન્ડ્સ, શૉર્ટ ટર્મ ઇન્કમ ફન્ડ, લૉન્ગ ટર્મ ઇન્કમ ફન્ડ, ક્રેડિટ ઑપોચ્યુર્નિટીઝ, ગિલ્ટ (ગવર્નમેન્ટ સિક્યૉરિટીઝ ફન્ડ) ફન્ડ, ડિબેન્ચર્સ, બૉન્ડ્સ વગેરે જેવાં સાધનોનો ડેટમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે કૉર્પોરેટ્સ, નાણાસંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ આવી પ્રોડક્ટ્સ ઑફર કરતાં હોય છે, જે મોટા ભાગે વ્યાજદરો પર આધાર રાખતી હોય છે. જોકે ડિબેન્ચર્સ કે બૉન્ડ્સમાં વ્યાજદર નિયત હોય છે, પણ તેમાં થોડુંઘણું મર્યાદિત જોખમ અવશ્ય સંકળાયેલું હોય છે, જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડમાં બૅન્ક એફડીની જેમ ખાતરીપૂર્વકનું નિયત વળતર હોતું નથી, જેથી કૂપન રેટ હોય છે, જે ફિક્સ્ડ હોય છે અને બાકીનું યિલ્ડ (વળતર) બજારનાં પરિબળો નક્કી કરે છે. આ તમામ સાધનોમાં જોખમ સામાન્ય કે નહીંવત્ હોય છે, જેથી વળતર પણ સાધારણ જ હોય છે. અને હા, આમાં અમુક મની માર્કેટ સાધનો કે સરકારી સિક્યૉરિટીઝ સમાન સાધનોને બાદ કરતાં સમયગાળો ત્રણ વરસ જેવો લાંબો હોય છે. અલબત્ત, અમુક શૉર્ટ ટર્મ સાધનો એક વરસનાં પણ હોય છે તો અમુક ૯૦ દિવસનાં પણ હોય છે. એક વિશેષ સાધન સ્વરૂપે લિક્વિડ ફન્ડ હોય છે, જે ટૂંકા ગાળા માટે રોકાણ કરવામાં સહાયરૂપ થાય છે, જેમાં સલામતી ઉપરાંત પ્રવાહિતા સારી હોય છે. જ્યારે કંઈ ન સૂઝે ત્યારે શૉર્ટ ટર્મ માટે આ ફન્ડ બેસ્ટ ગણાય છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ડેટ સ્કીમ્સ

મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓમાં ડેટ સાધનોના રોકાણની સ્કીમ્સ તો છે જ, પરંતુ સાથે-સાથે ઘણી બૅલેન્સ સ્કીમ (જેને બૅલેન્સ ફન્ડ પણ કહેવાય છે) પણ હોય છે, જેમાં ઓછા જોખમે સારા વળતરની અપેક્ષા રાખતા રોકાણકારો રોકાણ કરે છે. આવી યોજનાઓમાં ઇક્વિટી અને ડેટ સાધનોનું કૉમ્બિનેશન હોય છે. અર્થાત્ સ્કીમનું પચાસ ટકા રોકાણ ઇક્વિટી અને પચાસ ટકા રોકાણ ડેટ સાધનોમાં કરાય છે. ઇક્વિટી વળતર ઊંચું રાખવામાં અને ડેટ સલામતી જાળવી રાખવામાં સહાય કરે છે. જોકે ઘણી વાર ઇક્વિટી લૉસ પણ કરાવે છે. આ રોકાણ રેશિયો ક્યારેક ૬૦:૪૦ કે ૭૦:૩૦નો પણ હોય છે.

રેટિંગનું મહત્વ

મોટા ભાગનાં ડેટ સાધનો માટે રેટિંગ ફરજિયાત છે, જેથી રોકાણકારો આવાં સાધનોમાં રોકાણ કરતી વખતે રેટિંગને ખાસ જુએ છે. આવાં સાધનોમાં ડિબેન્ચર્સ તથા બૉન્ડ્સનો પણ સમાવેશ થાય છે. ટ્રિપલ એ (એએએ) રેટિંગ ધરાવતાં સાધનોમાં વધુ રોકાણ થાય છે. સલામતીવાળું રોકાણ ઇચ્છતા રોકાણકારો આવાં સાધનો પસંદ કરતા હોવાથી સરકારે ડેટ સાધનો માટે રેટિંગ ફરજિયાત બનાવ્યું છે. નીચા કે નબળા રેટિંગગાળાં સાધનો ટાળવાં જોઈએ. આ ક્રેડિટ રેટિંગ જે-તે સાધનની શાખ એટલે કે એ સાધનમાં કરાયેલું રોકાણ કેટલું સલામત ગણાય એનો નિર્દેશ કરે છે. એએએ રેટિંગ ઉચ્ચ સલામતી દર્શાવે છે. આમાં ડી જેવાં રેટિંગ પણ હોય છે, જે ડિફૉલ્ટનો સંકેત આપે છે.

વ્યાજદરો પર આધાર


જ્યારે પણ વ્યાજદરો ઘટવાની સંભાવના હોય ત્યારે ડેટ સાધનોમાં રોકાણનો સમયગાળો વધારી દેવાય છે, પરંતુ જ્યારે વ્યાજદરો વધવાની શક્યતા જણાય ત્યારે ડેટ સાધનોનો સમયગાળો નાનો કરી દેવામાં સાર રહે છે. ઇક્વિટીમાં જોખમ વધી જાય ત્યારે પણ ડેટ સાધનોની માગ વધે છે અને ઇક્વિટીમાં તેજી કે ડિમાન્ડ વધે ત્યારે ડેટ સાધનોમાંથી રોકાણ પાછું ખેંચાવા લાગે છે.

ડેટ માર્કેટ મોટું થશે

હવે પછી શૅરબજારોમાં પણ ડેટ સાધનોનું કામકાજ વધવાની આશા છે, કારણ કે શૅરબજારો વચ્ચેની સ્પર્ધા આગામી સમયમાં વધવાની છે. ત્રણેય સ્ટૉક એક્સચેન્જિસ ડેટ સાધનોનું ટ્રેડિંગ વૉલ્યુમ વધે એવા પ્રયાસ કરવા તત્પર બન્યાં છે. એમસીએક્સ સ્ટૉક એક્સચેન્જે આ બાબત પર વધુ જોર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યારે હોલસેલ ડેટ માર્કેટ થોડુંઘણું સક્રિય છે, પરંતુ હવેની સ્પર્ધામાં રીટેલ ડેટ માર્કેટને વિકસાવવાનું લક્ષ્ય રહેશે. જોખમ ન લેવા માગતા તેમ જ સાધારણ વળતરથી રાજી હોય એવા રોકાણકારો વરસોથી ડેટ સાધનો પસંદ કરતા રહ્યા છે. આવા રોકાણકારો ભવિષ્યમાં સ્ટૉક એક્સચેન્જ પર પણ ઓછા જોખમવાળાં સાધનો ઉપલબ્ધ થતાં આ બજાર તરફ ખેંચાશે, જેને પગલે આખરે કૉર્પોરેટ્સ અને સંસ્થાઓને પણ ઉત્તેજન મળશે. માત્ર ઇક્વિટી નહીં, બલ્કે સ્ટૉક એક્સચેન્જમાં ઇન્વેસ્ટમેન્ટ કલ્ચર વિકસાવવામાં ડેટ માર્કેટ મહત્વની ભૂમિકા ભજવશે.