રોકાણકારોને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના વધુ વિકલ્પો ઑફર કરવામાં આવશે

02 December, 2012 05:41 AM IST  | 

રોકાણકારોને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના વધુ વિકલ્પો ઑફર કરવામાં આવશે



સ્પેશ્યલ સ્ટોરી - જયેશ ચિતલિયા

દેશમાં સોનાની વધતી રહેતી આયાત સરકારનું બ્લડપ્રેશર વધારતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર સોનાની આયાત ઘટે, વપરાશ ઘટે કે ડિમાન્ડ ઘટે એ દિશામાં એક યા બીજા પ્રકારનાં પગલાં લઈ રહી છે. યસ, આ વાત છે ફિઝિકલ સોનાની. સરકાર સોનામાં રોકાણ હવે વધુમાં વધુ ફાઇનૅãન્શયલ ઍસેટ સ્વરૂપે થાય એવી મહેચ્છા રાખે છે. વાસ્તે સરકાર હવે સતત એક જ સંદેશ વહેતો કરી રહી છે - સોનામાં રોકાણ કરો તો એ રીતે કરો જેને લીધે દેશ પર બોજ ન વધે અને એ રોકાણનો રચનાત્મક ઉપયોગ થઈ શકે. આ હકીકતને કેન્દ્રમાં રાખી સરકારે સોનાના રોકાણ માટે વિવિધ વિકલ્પો ઑફર કરવાનું વિચાર્યું છે. આગામી સમયમાં આ દિશામાં થનારો અમલ ગોલ્ડ ઇન્વેસ્ટરો માટે તેમ જ સોના સાથે સંકળાયેલા વિવિધ વર્ગ માટે મહkવનો બની રહેશે.

ફાઇનૅન્શિયલ ઍસેટ તરીકે વિકલ્પો


વિશ્વસનીય સાધનો તેમ જ બજારના જાણકારો પાસેથી મળેલી માહિતી મુજબ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટને ફાઇનૅન્શિયલ ઍસેટ સ્વરૂપ તરફ વાળવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ વિચારી રહી છે જેમાં ઇન્વેસ્ટરો ચોક્કસ વળતર સાથે બૅન્કોમાં ડિપોઝિટ સ્વરૂપે સોનું રાખી શકે. બીજું, રોકાણકારો ગોલ્ડ લિન્ક્ડ અકાઉન્ટ ધરાવી શકે એવી જોગવાઈ વિચારાઈ રહી છે જેના આધારે તેઓ ગોલ્ડ ફ્યુચર્સ માર્કેટમાં હેજિંગ પણ કરી શકે અથવા વાયદાના સોદા પણ કરી શકે. ગોલ્ડ અક્યુમ્યુલેશન પ્લાન તરીકે સોનામાં એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) તરીકે રોકાણ કરી શકાય એવો વિકલ્પ પણ વિચારાધીન છે. આમ યેન કેન પ્રકારેણ સરકાર સોનામાં ફિઝિકલ ઇન્વેસ્ટરો ઘટે અને ફાઇનૅન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ વધે એવો વ્યૂહ ધરાવે છે.

આમ શા માટે?

સરકાર આ શા માટે કરી રહી છે એવા સવાલના જવાબમાં જાણકારો કહે છે કે સોનાની આયાત વધતી રહેવાથી દેશનું વિદેશી હૂંડિયામણ વપરાય છે જેમાં આયાત બિલ વધતું રહેતાં ડૉલર સામે રૂપિયો નબળો પડે છે, જ્યારે બીજી તરફ દેશની કરન્ટ અકાઉન્ટ ખાધ વધતી રહે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર વરસ ૨૦૧૧માં ભારતે ૯૬૯ ટન સોનાની નેટ આયાત કરી હતી જે વરસ ૨૦૧૨માં અત્યાર સુધી અંદાજિત ૮૦૦ ટન હોવાનું જણાય છે. સરકારે સોનાની આયાત ડ્યુટી વધારી દીધી હોવા છતાં આયાત વધતી હોવાનું નોંધાયું છે. એક અંદાજ મુજબ અત્યારે દેશમાં સોનાનો ખાનગી સ્ટૉક દેશની જીડીપી (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન - ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) સામે પચાસ ટકા જેટલો છે, જેનું મૂલ્ય આશરે ૯૬૦ અબજ ડૉલર જેટલું છે. આ મૂલ્ય ત્રણ વરસ અગાઉ ૫૫૦ અબજ જેટલું હતું.

રિઝર્વ બૅન્કના અંકુશો

આ ઉપરાંત રિઝર્વ બૅન્કે ગોલ્ડની ખરીદી માટે કરાતા ધિરાણ (ફાઇનૅન્સ) પર પણ અંકુશો મૂકી દીધા છે. તાજેતરની ધિરાણનીતિમાં રિઝર્વ બૅન્કે સોના સામે લોન આપવાની પ્રવૃત્તિ સામે પણ પ્રતિબંધ મૂક્યા છે. નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ (એનબીએફસી)ને સોના સામે ધિરાણ આપવામાં મુશ્કેલી પડે એ માટે પણ રિઝર્વ બૅન્કે એનબીએફસીને ફાઇનૅન્સ કરવા બાબતે બૅન્કો પર ચોક્કસ અંકુશો મૂક્યા છે. આમ સોનાની ફિઝિકલ ખરીદી ઘટે એ માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યાં છે.

ઊંચા ભાવે ઘરાકી ઘટે છે

સોનાના ભાવો વધે છે એમ એની ફિઝિકલ ખરીદી એટલે કે રીટેલ ઘરાકી ઘટે છે એવો મત વ્યક્ત કરતાં ઝવેરી બજારમાં જ્વેલરી શૉપ ધરાવતા ઝવેરચંદ રાઠોડ કહે છે કે ‘મોટા ભાગે સોનાના વધતા ભાવ વાયદા બજારની ઊપજ ગણાય છે, જ્યાં ભાવ ફરકથી સોદા થાય છે. બાકી આટલા ઊંચા ભાવે ગ્રાહકો આવતા ઓછા થઈ જાય છે. અત્યારે પણ લગ્નસરાની ખરીદી છે, પણ એ આંશિક કહી શકાય.’

જાણકારો સોનાના વધતા ભાવ માટે કાળાં નાણાંનું કારણ પણ આપે છે. સામાન્ય રીતે સોનામાં કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કાળાં નાણાંનું ચલણ વધી જાય છે. જેમની પાસે આવાં નાણાનું વધુ પ્રમાણ છે તેઓ અન્ય સાધનો કરતાં સોનાને વધુ પ્રાધાન્ય આપે છે.

સોનાના સદુપયોગનું સૂચન


સોનાનો રચનાત્મક ઉપયોગ વધે એ ઉદ્દેશ સાથે એક એવું સૂચન પણ થયું છે કે સરકારે ડિમેટ સ્વરૂપે રહેલા ગોલ્ડમાંથી ઝવેરીઓને વર્કિંગ કૅપિટલ તરીકે લોન આપવી જોઈએ જેથી તેમની આયાત ઘટે, જ્યારે કે ડિમેટ સ્વરૂપ સામે સચવાયેલા ગોલ્ડનો ઉપયોગ થઈ શકે. અન્યથા એ સોનું ડિપોઝિટરી પાસે પડ્યું રહ્યું હોય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) સ્વરૂપે ખરીદાતા સોનામાં ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ ભલે ડીમૅટ સ્વરૂપે રહેતું હોય, પણ ગોલ્ડ ઈટીએફ ઇશ્યુ કરનાર ફન્ડે એની ફિઝિકલ ખરીદી કરવી પડતી હોય છે જે સોનું ફિઝિકલ સ્વરૂપે કસ્ટોડિયન પાસે જમા થતું રહેતું હોય છે.

સોનામાં હજી આકર્ષણનું કારણ


સોનામાં સતત છેલ્લાં ત્રણ વરસથી ઊપજેલા ઊંચા વળતરને કારણે સોનામાં રોકાણ પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું છે. શૅરબજાર કરતાં સોનાએ આ વીતેલાં ત્રણ વરસોમાં ફૅન્ટૅસ્ટિક વળતર (ઘણા કિસ્સામાં તો શૅરોમાં ભારે લૉસ પણ થયો છે) આપ્યું હોવાથી નાના-મોટા દરેક રોકાણકાર સોનાને પોતાના ઇન્વેસ્ટમેન્ટ ર્પોટફોલિયોનો હિસ્સો બનાવી રહ્યા છે. પરિણામે સોનાની સતત ખરીદી ચાલુ રહી છે. એના ભાવો ઐતિહાસિક ઊંચાઈ સર કર્યા બાદ પણ વધતા રહ્યા છે એટલું જ નહીં, અત્યારના ૩૨ હજાર રૂપિયા આસપાસના સ્તરેથી આ ભાવ વધીને દસ ગ્રામ દીઠ ૩૫ હજાર રૂપિયા સુધી જવાની ધારણા તાજેતરમાં જ વ્યક્ત થઈ છે. સોનાની વધતી ખરીદી રોકાણના આશયથી વિશેષ હોવાનું જણાવતાં સાધનો ઉમેરે છે કે મોટા ભાગની ખરીદી ફિઝિકલ સ્વરૂપે થઈ રહી છે, જેને લીધે આયાત ખર્ચનો કે કરન્સી બોજ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ હવે વધુ પોસાય એમ નહીં જણાતાં સરકારે તેમ જ રિઝર્વ બૅન્કે સોનાનું રોકાણ સોનાના ફિઝિકલ સ્વરૂપને બદલે ફાઇનૅન્શિયલ સ્વરૂપ તરફ વાળવાની વ્યૂહરચના ઘડી છે.