મ્યુચ્યુઅલ ફન્ડના ખર્ચની દૈનિક ગણતરી થાય છે

03 July, 2017 06:27 AM IST  | 

મ્યુચ્યુઅલ ફન્ડના ખર્ચની દૈનિક ગણતરી થાય છે


મ્યુચ્યુઅલ ફન્ડનો ફન્ડા - અમિત ત્રિવેદી


રોકાણકાર અમુક સમયગાળાની અંદર સ્કીમમાંથી બહાર નીકળી જાય તો તેને એક્ઝિટ લોડ લાગુ પડે છે. સ્કીમમાં પહેલેથી જ એ સમયગાળો જાહેર કરી દેવાયેલો હોય છે જેથી રોકાણકાર સમજી-વિચારીને નિર્ણય લઈ શકે. ફન્ડની કંપની અનેક પ્રકારના ખર્ચ કરતી હોય છે અને આખરે તો એ બધો ખર્ચ લોકોનાં નાણાંનો વહીવટ કરવા માટેનો હોય છે. આથી એ ખર્ચ લોકો અર્થાત્ રોકાણકારો પાસેથી જ લેવાનો હોય છે. ઉદ્યોગના વિવિધ ઘટકો પાછળ આ ખર્ચ થાય છે. આજના આપણા લેખમાં એના વિશે વિગતવાર વાત કરીએ.

મ્યુચ્યુઅલ ફન્ડ રોકાણકારના શ્રેષ્ઠ હિતમાં કામ કરે એ માટે અનેક ઘટકો ઉપયોગી થાય છે. તેમને તેમની સર્વિસિસની ફી ચૂકવવી પડે છે. ફન્ડમાં જમા થયેલી કુલ રકમના અમુક ટકા રકમ દરેક સ્કીમમાંથી લેવામાં આવે છે. આથી જ એને ઍસેટ અન્ડર-મૅનેજમેન્ટના ટકા તરીકે જણાવવામાં આવે છે. કોઈ સ્કીમ મહત્તમ કેટલા ટકા ચાર્જ લઈ શકે એનો નિર્ણય સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબી લે છે.

આ ખર્ચ ઍસેટ અન્ડર-મૅનેજમેન્ટની વાર્ષિક ટકાવારી તરીકે લખવામાં આવે છે, પરંતુ એની વસૂલાત દૈનિક ધોરણે થાય છે. આ ગણતરી એક ઉદાહરણ દ્વારા સ્પક્ટ કરી લઈએ. ધારો કે સ્કીમમાં કુલ ૧,૦૦,૦૦૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું છે અને એના ખર્ચનું પ્રમાણ વાર્ષિક બે ટકા છે. આ સ્થિતિમાં દૈનિક ધોરણે લેવાનારા ચાર્જની ગણતરી આ પ્રમાણે થશે:

દિવસનો ખર્ચ = સ્કીમનું ભંડોળ X ખર્ચની વાર્ષિક ટકાવારી / ૩૬૫

આ કિસ્સામાં દિવસનો ખર્ચ = ૧,૦૦,૦૦૦ X ૨ ટકા / ૩૬૫ = ૫.૪૮ રૂપિયા

જેમ-જેમ સ્કીમના કુલ ભંડોળમાં વધારો થતો જાય તેમ-તેમ વધારે ને વધારે રકમ ખર્ચ પેટે લાગુ કરવામાં આવે એ સ્વાભાવિક છે. એ જ રીતે જો ભંડોળ ઘટી જાય તો ખર્ચ પણ ઘટી જાય. ઉક્ત ઉદાહરણમાં જો ભંડોળ વધીને ૧,૧૦,૦૦૦ રૂપિયા થઈ જાય (ફન્ડે રોકાણ કર્યું હોય એ સિક્યૉરિટીઝના બજારભાવમાં વધારો થવાથી કે રોકાણકારોએ વધુ રોકાણ કર્યું હોવાથી કે પછી ડિવિડન્ડની આવક થવાથી ભંડોળ વધી શકે છે) તો ખર્ચ પણ વધી જાય.

દિવસનો ખર્ચ = ૧,૧૦,૦૦૦ X ૨ ટકા / ૩૬૫  = ૬.૦૩ રૂપિયા

રોકાણકારોએ ઉપાડ કર્યો હોય કે સિક્યૉરિટીઝના બજારભાવ ઘટ્યા હોય એ સંજોગોમાં જો ભંડોળ ઘટી જાય અને એને પગલે ખર્ચ પણ ઘટી જાય. આપણા કિસ્સામાં આપણે ધારી લઈએ કે ભંડોળ ૯૫,૦૦૦ રૂપિયા થયું.

દિવસનો ખર્ચ = ૯૫,૦૦૦ X ૨ ટકા / ૩૬૫ = ૫.૨૧ રૂપિયા

જો કોઈ રોકાણકારે ફક્ત ત્રણ દિવસ માટે રોકાણ રાખીને ઉપાડ કરી લીધો હોય તો તેને ફક્ત ત્રણ દિવસનો જ ખર્ચ લાગુ પડે. આ ચાર્જ એન્ટ્રી કે એક્ઝિટ વખતે નહીં, પણ દૈનિક ધોરણે લેવાતો હોય છે. એનું કારણ એ કે તમામ રોકાણકારોને તેમના રોકાણના સમયગાળા અનુસાર પ્રમાણસર ચાર્જ લાગુ થાય.

આશા છે કે ઉક્ત ઉદાહરણ પરથી વાંચકોના કેટલાક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે.

(લેખક કર્મયોગ નૉલેજ ઍકૅડેમીના સ્થાપક છે. તેમણે અહીં પોતાનાં અંગત મંતવ્યો રજૂ કર્યા છે.)