દેશમાંથી ચોખાની નિકાસ ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે એવો અંદાજ

29 October, 2014 05:29 AM IST  | 

દેશમાંથી ચોખાની નિકાસ ચાલુ વર્ષે ૩૦ ટકા ઘટે એવો અંદાજ


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા


તાજેતરમાં આંધþ પ્રદેશમાં વાવાઝોડાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાથી નિકાસમાં પણ ઘટાડો થાય એવી શક્યતા છે. ઇન્ટરનૅશનલ રાઇસ રિસર્ચ સંસ્થાના સોશ્યલ સાયન્સ વિભાગના વડા સમરેન્દ્રુ મોહાન્તીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોખાની નિકાસ ૭૦થી ૮૦ લાખ ટનની થાય એવી ધારણા છે, જે અગાઉ ૧૦૦ લાખ ટન થવાની ધારણા હતી.મોહાન્તીએ જણાવ્યું હતું કે દેશમાં ચોખાનું ઉત્પાદન અગાઉ ૧,૦૦૦ લાખ ટન થવાનો અંદાજ હતો, પરંતુ હવે ઘટીને ૯૫૦ લાખ ટન થાય એેવી ધારણા છે.

ગઈ સીઝનમાં ચોખાનું કુલ ૧૦૬૦ લાખ ટન ઉત્પાદન થયું હતું. ભારત ચોખાની નિકાસમાં થાઇલૅન્ડને પાછળ છોડીને આગળ નીકળે એવી શક્યતા હવે ઘટી ગઈ છે. મોહાન્તીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વાવેતર એક મહિનાથી પણ વધારે મોડાં થયાં હતાં અને કાપણી સમયે દેશના અનેક વિસ્તારમાં પૂર અને વાવાઝોડાંને કારણે અસર પહોંચી છે. તમામ પ્રકારનાં કુદરતી કારણોથી ઉત્પાદનમાં ઘટાડો થશે. હુદહુદ વાવાઝોડાને કારણે આશરે ૫૦ હજાર હેક્ટર ડાંગરના ઊભા પાકને અસર પહોંચી છે. પરિણામે સરેરાશ ઉત્પાદનને પણ અસર પહોંચશે. ભારતમાંથી ચોખાની નિકાસમાં ઘટાડા માટે ઉત્પાદનમાં ઘટાડા ઉપરાંત ઇબોલા વાઇરસની પણ અસર થશે. મોહાન્તીએ કહ્યું કે ઇબોલા વાઇરસને કારણે પણ આફ્રિકાની નિકાસને મોટી અસર પડે એવી ધારણા છે.