FMCG સેક્ટરની કંપનીઓના ભાવમાં ઉછાળો એક વર્ષમાં FMCG ઇન્ડેક્સમાં ૪૫ ટકાનો જમ્પ

30 December, 2012 05:43 AM IST  | 

FMCG સેક્ટરની કંપનીઓના ભાવમાં ઉછાળો એક વર્ષમાં FMCG ઇન્ડેક્સમાં ૪૫ ટકાનો જમ્પ



એફએમસીજી ઇન્ડેક્સમાં વધારો થવાથી આ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવ પણ નોંધપાત્ર વધ્યા છે અને રોકાણકારોને સારું વળતર મળ્યું છે. સામાન્ય રીતે એફએમસીજી સેક્ટરને સેફ સેક્ટર માનવામાં આવે છે. અન્ય સેક્ટર્સની સરખામણીએ ઇકૉનૉમિક સ્લોડાઉનની અસર આ ક્ષેત્ર પર ઓછી થાય છે. આ કારણથી જ અર્થતંત્રના ગ્રોથરેટમાં ઘટાડો થયો હોવાથી કૅપિટલ ગુડ્ઝ, ઑટોમોબાઇલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ, સિમેન્ટ વગેરે સેક્ટરની કંપનીઓની કામગીરીને અસર થઈ હતી એને પગલે આ સેક્ટરની કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો અથવા તો મર્યાદિત વૃદ્ધિ થઈ હતી. એની સામે એફએમસીજી સેક્ટરનો ગ્રોથરેટ સારો રહ્યો છે.

એફએમસીજી સેક્ટરની જે ૯ કંપનીઓના શૅરના ભાવમાં ૨૦૧૨ દરમ્યાન ૨૦થી ૧૩૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો એની વિગત જોઈએ. બજાજ કૉર્પના શૅરનો ભાવ સૌથી વધુ ૧૩૫ ટકા વધ્યો હતો. નેસ્લે ઇન્ડિયાનો ભાવ સૌથી ઓછો ૨૦ ટકા વધ્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ભાવ ૯૩ ટકા, મેરિકોનો ૫૧ ટકા, કૉલગેટ પામોલિવનો ૫૦ ટકા, ગ્લેક્સો સ્મિથક્લાઇમ કન્ઝ્યુમર હેલ્થકૅરનો ૪૮ ટકા, આઇટીસીનો ૪૩ ટકા, હિન્દુસ્તાન યુનિલિવરનો ૩૦ ટકા અને ડાબર ઇન્ડિયાનો ભાવ ૨૯ ટકા વધ્યો હતો.

આગામી સમય

ઍનલિસ્ટ્સનું માનવું છે કે ૨૦૧૨માં આ કંપનીઓના શૅરના ભાવમાં જે વૃદ્ધિ થઈ છે એને કારણે એમના વૅલ્યુએશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે એટલે હવે ૨૦૧૩માં ભાવવધારાનો વૃદ્ધિદર ધીમો પડશે. જોકે મિડલ ઇન્કમ અને લો ઇન્કમ ગ્રાહકોની એફએમસીજી પ્રોડક્ટ્સની ખરીદીમાં વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા છે. આગામી ત્રણ વર્ષમાં એફએમસીજી સેક્ટરના કુલ વેચાણમાં ૫૦ ટકા જેટલો વધારો થવાનો અંદાજ છે.