ફુગાવો ફરી બે આંકડે બજારનો જીવ ચાકડે

21 October, 2011 07:16 PM IST  | 

ફુગાવો ફરી બે આંકડે બજારનો જીવ ચાકડે



(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

નિફ્ટી ૪૭ પૉઇન્ટની નબળાઈમાં ૫૦૯૨ નજીક બંધ હતો. બજારનું માર્કેટ કૅપ ૪૨,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડે ૬૦.૪૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં ૧૧૨૧ શૅર વધેલા હતા. ૧૬૬૩ જાતો નરમ હતી. એ ગ્રુપમાં ૭૪ ટકા શૅર ઘટેલા હતા. રોકડામાં આ પ્રમાણ ૫૪ ટકા હતું. ૧૩૪ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૧૭૫ સ્ક્રિપ્સમાં મંદીની સર્કિટ લાગેલી હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૨ શૅર અને માર્કેટના ૨૧માંથી ૧૯ બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં હતા.

રિયલ્ટી-ઑટો વધુ ખરડાયા

સેન્સેક્સના ૦.૯ ટકાની સામે રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા, ઑટો ઇન્ડેક્સ દોઢ ટકો, કૅપિટલ ગુડ્ઝ તથા પાવર ઇન્ડેક્સ ૧.૩ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ ૧.૨ ટકા, બૅન્કેક્સ ૦.૯ ટકા નરમ હતા. આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ નહીંવત્ વધેલા હતા. સારાં પરિણામોની અસરમાં નવીન ફ્લુરીનમાં નોંધપાત્ર કરન્ટ હતો. આવકમાં ૨૧ ટકા, પણ નફામાં છ ટકા વધારો દર્શાવી બજારને નિરાશ કરનાર બજાજ ઑટો ઇન્ટ્રા-ડેમાં ૧૦૦ રૂપિયા ગગડી છેલ્લે ૧૬૦૮ રૂપિયા કે પોણાબે ટકા ડાઉન થયો હતો. આંદોલનકારી કામદારો સાથે સમાધાન માટે મૅનેજમેન્ટની હિલચાલથી મારુતિ એક ટકો વધીને ૧૦૭૬ રૂપિયા બંધ હતો. હીરો મોટોકૉર્પ, મહિન્દ્ર તથા તાતા મોટર બે ટકાની આજુબાજુ ઘટેલા હતા. કામદાર અશાંતિનો ઉકેલ આવતાં મોસર બૅર એક તબક્કે ૧૦ ટકા ઊછળ્યો હતો. ટૉરન્ટ કેબલ નબળી કામગીરીમાં ૧૨ ટકા ડાઉન હતો. એક્સાઇડ આવા જ કારણસર સાડાસાત ટકા ખરડાયો હતો.

લો, ફુગાવો ફરી બે આંકડે

રિઝર્વ બૅન્કે ૧૮ મહિનામાં બાર વખત વ્યાજદરમાં વધારાની સાથે કડક નાણાનીતિ અખત્યાર કરી હોવા છતાં ફુગાવાનો દર ફરી પાછો બે આંકડે આવી ગયો છે. ૨૫ ઑક્ટોબરના રોજ જાહેર થનારી નાણાનીતિની અર્ધવાર્ષિક સમીક્ષા દરમ્યાન રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં વધુ ૦.૨૫ ટકાનો વધારો કરશે એવી આશંકાએ ફરીથી માથું ઊંચક્યું છે. એના કારણે રિયલ્ટી, ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, કૅપિટલ ગુડ્ઝ, બૅન્કિંગ જેવા રેટ-સેન્સિટિવ સેક્ટરના શૅરો ઘટ્યા હતા.

એમબીમાં સેલર્સ ફસાયા

શૅરદીઠ ૧૮૬ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળા એમ ઍન્ડ બી સ્વિચ ગિયર્સના લિસ્ટિંગમાં જબ્બર ધમાલ જોવા મળી છે. શૉર્ટ સેલર્સની ખો નીકળી જવાની લાગે છે. માંડ ૧.૬ ગણા ભરાયેલા આ ભરણાનું લિસ્ટિંગ ૧૮૦ રૂપિયાના ભાવે થયું હતું. ડિસ્કાઉન્ટમાં ખૂલ્યા પછી શૅર બપોરના દોઢ વાગ્યા સુધી સતત બિલો પાર હતો, જેમાં નીચામાં ૧૧૮ રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો અને ત્યાર પછી ઑપરેટરનો ખેલ શરૂ થયો. દોઢથી અઢીના માત્ર એક જ કલાકમાં ભાવ ૧૧૮ રૂપિયાના તળિયેથી ખેંચીને ૩૦૮ રૂપિયા નજીક લઈ જવાયો હતો. ત્યાં થોડોક સમય સાંકડી રેન્જમાં રમાડી ફરી પાછો તેજીના તોફાનમાં ૩૫૬ રૂપિયાની ટોચે પહોંચ્યો હતો. છેલ્લે બંધ ૩૫૪ રૂપિયા આસપાસ હતો. વૉલ્યુમ અઢી કરોડ શૅર જેવું હતું. આ કાઉન્ટરમાં શૉર્ટ સેલર ફસાયા છે. તેમનો દાવ લેવાયા પછી શૅરમાં નીચલી સર્કિટ વાગવાનું શરૂ થાય તો નવાઈ નહીં.

આજે ૧૦૦ જેટલાં પરિણામો

આજે ૨૧ ઑક્ટોબરના રોજ આશરે ૧૦૦થી વધુ ૧૦૨ કંપનીઓનાં પરિણામો આવશે, જેમાં થ્રી-આઇ ઇન્ફોટેક, અરવિંદ, આલ્ફાલાવેલ, એક્ઝો ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, અતુલ, બ્લુડાર્ટ, એસ્સેલ પ્રોપૅક, ફેડરલ બૅન્ક, ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત ફ્લુરોકેમ, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ, આઇડિયા સેલ્યુલર, ઇન્ગરસોલ રેન્ડ, લાર્સન, જેએસડબ્લ્યુ સ્ટીલ, નીટ, પેનાકા બાયો, થૉમસ, કૂક, રાષ્ટ્રીય કેમિકલ્સ, નોસિલ, યુનાઇટેડ ફૉસ્ફરસ, યુનિફોસ, તાતા મેટાલિક, ક્લેરિયન્ટ કેમિકલ્સ, ડનલોપ ઇન્ડિયા, ફોસેકો, િગ્રવ્સ કૉટન, ગોદરેજ પ્રૉપર્ટીઝ, હિલ્ટન મેટલ્સ, આયોન એક્સચેન્જ, કર્લિોસ્કર, ફેરો ઍલૉય્ઝ, ઑનવર્ડ ટેક્નૉલૉજીઝ, ઓરિયેન્ટલ કાર્બન, પેરી શુગર્સ, પીવીઆર, રાણે મદ્રાસ, રાવલગાંવ શુગર્સ, રેવતી ઇક્વિપમેન્ટ્સ, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સમાકો, થાણે ઇલેક્ટિÿક કંપની, ટિમ્બર હોમ, ઉત્તમ ગાલ્વા, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, વાડીલાલ એન્ટરપ્રાઇઝિસ, ઝેનસાર ટેક્નૉ, ઝૉડિયાક જેઆરડી વગેરે સામેલ છે.

ચાઇનીઝ માર્કેટ ૩૧ મહિનાના તળિયે

સ્લો-ડાઉનની અસરમાં ચાઇનીઝ શૅરબજારનો શાંઘાઈ ઇન્ડેક્સ બે ટકા ગગડી ગઈ કાલે ૨૩૩૧ બંધ આવ્યો છે, જે ૨૫ માર્ચ ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટી છે. આ સાથે ચાઇનીઝ માર્કેટ વર્ષારંભના મુકાબલે ૧૭ ટકાના ધોવાણ સાથે અત્યારે ૧૦.૮ના પી/ઈ પર આવી ગયું છે. ચાઇનાના આર્થિક વિકાસદરમાં કમજોરીની સાથે યુરો-ઝોનની દેવાની કટોકટીના ઉકેલ માટે ફ્રાન્સ અને જર્મની વચ્ચે ભિન્ન-મત કે મતભેદના અહેવાલથી ગુરુવાર વિશ્વભરનાં શૅરબજારો માટે ભારે નીવડ્યો હતો. એશિયા ખાતે સાઉથ કોરિયન શૅરબજાર ૨.૮ ટકા, થાઇલૅન્ડ સવાત્રણ ટકા, ઇન્ડોનેશિયા બે ટકા, હૉન્ગકૉન્ગ ૧.૮ ટકા, તાઇવાન દોઢ ટકો, સિંગાપોર અને જપાન એક ટકો ખરાબ થયાં હતાં. યુરોપ ખાતે પણ આગલા દિવસના સુધારા પર પાણી ફરી વળ્યું હતું અને તમામ અગ્રણી શૅરબજારો એકથી પોણાબે ટકા નીચાં ચાલતાં હતાં. ડાઉ ફ્યુચર્સ અને નાસ્ડેક ફ્યુચર્સ સાવ ડલ હતા. ચાઇનીઝ માગ ઘટવાની આશંકાથી ક્રૂડ, રબર, આયર્ન ઑર, કૉપર ઇત્યાદિ કૉમોડિટીઝમાં નરમાઈ દેખાઈ હતી.