એશિયા અને યુરોપના પૉઝિટિવ ટ્રેન્ડની વચ્ચે ઘરઆંગણે બજારની નરમાઈ આગળ વધી

21 January, 2023 12:05 PM IST  |  Mumbai | Anil Patel

રિલાયન્સમાં પરિણામ પૂર્વે નબળું વલણ, અદાણી એન્ટર.ના ફૉલોઑનમાં ગ્રે માર્કેટ ખાતે ૭૬ના પ્રીમિયમ

પ્રતીકાત્મક તસવીર

ન્યુરેકા નવા નીચા તળિયે જઈને ૨૦ ટકાની તેજીમાં બંધ રહી, લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સમાં બીજી ૧૦ ટકાની મંદીની સર્કિટ લાગી : રૉયલ્ટીમાં વધારાના વસવસાથી હિન્દુ. યુનિલીવર ૧૦૨ રૂપિયા તૂટ્યો, લાર્સન નવી વિક્રમી સપાટી બતાવી પાછો પડ્યો : ખોટ કરતી અમેરિકન કંપનીનું ટેકઓવર સન ફાર્માને નડ્યું, ઇન્ડ્સ ટાવર નવા વર્સ્ટ લેવલે : ઍગ્રો ટેક ફૂડ્સમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ, માર્કેટ બ્રેડ્થમાં કમજોરી આગળ વધી

શૅરબજાર શુક્રવારે પૉઝિટિવ બાયર્સમાં ઓપનિંગ બાદ ઉપરમાં ૬૧,૦૦૧ અને નીચામાં ૬૦,૫૮૫ થઈ ૨૩૭ પૉઇન્ટ ઘટીને ૬૦,૬૨૨ બંધ થયું છે. નિફ્ટી ૮૦ પૉઇન્ટ નરમ હતો. બજારનું બીજું સત્ર બહુધા નબળું હતું. એશિયન બજારોના એકંદર સારા સુધારા પછી યુરોપિયન બજારોનું પૉજિટિવ ઓપનિંગ પણ ઘરઆંગણે કોઈ સાનૂકૂળ અસર લાવી શક્યું નહોતું. થાઇલૅન્ડની પોણા ટકા જેવી નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજારો ગઈ કાલે અડધાથી પોણાબે ટકા અપ હતાં. હૉન્ગકૉન્ગ ૧.૮ ટકા, ચાઇના અને ઇન્ડોનેશિયા પોણો ટકો તેમ જ જપાન, સિંગાપોર અને સાઉથ કોરિયા અડધા ટકાથી વધુ પ્લસ હતાં. યુરોપ આગલા દિવસના એકથી પોણાબે ટકાના ઘટાડા પછી પૉઝિટિવ ખૂલીને રનિંગમાં અડધા ટકાની આસપાસ ઉપર દેખાયું છે. પાવર, યુટિલિટી, બૅન્કિંગ, ફાઇનૅન્સ, ઑઇલ-ગૅસ તથા એનર્જી જેવાં સેક્ટોરલ સાધારણથી લઈ અડધો ટકો પ્લસ હતાં. બાકી બધું નરમ થયું છે. ટેલિકૉમ, આઇટી, મેટલ, ટેક્નૉલૉજી, રિયલ્ટી, કૅપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ગુડ્સ, હેલ્થકૅર જેવા બેન્ચમાર્ક કટ થયા છે. માર્કેટ બ્રેડ્થની વીકનેસ ચાલુ રહી છે. એસએસઈ ખાતે વધેલા ૭૯૦ શૅરની સામે ૧૨૩૧ જાતો ઘટી છે.

આ સાથે બજારનું ૨૦૨૩નું સપ્તાહ પૂરું થયું છે. વીકલી ધોરણે સેન્સેક્સ ૩૬૧ પૉઇન્ટ કે ૦.૬ ટકા તથા નિફ્ટી ૭૧ પૉઇન્ટ કે ૦.૪ ટકા સુધર્યા છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૫૯૬ પૉઇન્ટ કે બે ટકા વધ્યો છે. બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા સુધર્યો છે. સેન્સેક્સ ખાતે ૪.૪ ટકાની મજબૂતીમાં લાર્સન સપ્તાહનો હીરો બન્યો છે. પાવરગ્રીડ તથા ટેક મહિન્દ્ર ૪.૪ ટકા વધ્યા છે. સામે એશિયન પેઇન્ટ્સ અને બજાજ ફાઇ. ૪.૫ ટકા ઘટ્યા છે. રિલાયન્સ વીકલી ધોરણે એક ટકો કટ થયો છે.

રિલાયન્સ રિઝલ્ટ પૂર્વે નરમ, એચડ‌ીએફસી ટ‍્વિન્સ સતત સુધારામાં

સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર ગઈ કાલે નરમ હતા. હિન્દુ. યુનિલીવર ૩.૮ ટકાની ખરાબીમાં બન્ને બજાર ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. જેએસડબ્લ્યુ સ્ટીલ સવાબે ટકા, એશિયન પેઇન્ટ્સ ૩.૮ ટકા, નેસ્લે અઢી ટકા ડાઉન હતા. બજાજ ફાઇનૅન્સ અઢી ટકા કે ૧૫૪ રૂપિયા કપાયો છે. એચડીએફસી લાઇફ નબળા રિઝલ્ટમાં અઢી ટકા ખરડાઈ ૫૯૦ હતો. લાર્સન ૨૨૯૭ની નવી ટૉપ બનાવી પ્રૉફિટ બુકિંગમાં એક ટકો ઘટી ૨૨૪૮ થયો છે. રિલાયન્સ રિઝલ્ટ પૂર્વે ૨૪૮૨ની ઇન્ટ્રા-ડે ટૉપથી નીચામાં ૨૪૩૮ થઈ ૧.૨ ટકાની કમજોરીમાં ૨૪૪૩ બંધ આબી બજારને ૮૬ પૉઇન્ટ નડ્યો છે. એચડીએફસી ટ્વિન્સ સુધારાની હૅટ-ટ્રિકમાં એકાદ ટકો વધતાં બજારને કુલ ૧૦૨ પૉઇન્ટ મળી ગયા હતા. કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, પાવર ગ્રીડ ૧.૨ ટકા, આઇટીસી પોણો ટકો અપ હતા.

અદાણી એન્ટર.નો એકના શૅરદીઠ ૩૨૭૬ની અપર બેન્ડ સાથેનો ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો ફૉલોઑન ઇશ્યુ ૨૭એ ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં ૭૬ રૂપિયાના પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. રીટેલ માટે અહીં શૅરદીઠ ૬૪ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. પ્રીમિયમની શરૂઆત ૭૮થી થઈ હતી. શૅર ગઈ કાલે સહેજ ઘટાડે ૩૪૫૬ બંધ હતો. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર એક ટકો, અદાણી વિલ્મર અડધો ટકો, એનડીટીવી અઢી ટકા, એસીસી દોઢ ટકો ડાઉન હતા. અદાણી ટોટલ પોણાબે ટકા અને અદાણી ગ્રીન સવા ટકો વધ્યા છે. ઍગ્રીટેક ફૂડ્સ તેજીની ચાલમાં ૨૦ ટકા ઊછળી ૧૧૮ વટાવી ગયો છે. નૅશનલ સ્ટાન્ડર્ડ્સ ૧૦ ટકાની બીજી મંદીની સર્કિટમાં ૬૭૧૬ થયો છે. હિન્દુ. ઝિન્ક નબળા રિઝલ્ટમાં ૬.૫ ટકા ખરડાઈને ૩૫૩ હતો.

હિન્દુ. યુનિલીવરના ભારમાં એફએમસીજી ઇન્ડેક્સ એક ટકો ડાઉન થયો

હિન્દુસ્તાન યુનિલીવરનાં પરિણામ સારાં આવ્યાં છે, પરંતુ પેરન્ટ કંપની યુનિલીવરને કરાતી ૨.૬૫ ટકાના દરે રૉયલ્ટીની ચુકવણી વધારી ૩.૪૫ ટકા કરવામાં આવી છે, જેમાંથી ૦.૪૫ ટકાની વૃદ્ધિ ફેબ્રુઆરીથી ડિસેમ્બરના ચાલુ વર્ષે લાગુ પડશે. રૉયલ્ટી પેમેન્ટની વૃદ્ધિથી માર્જિન પર માઠી અસર થવાની દહેશતથી શૅર બમણા વૉલ્યુમે નીચામાં ૨૫૩૬ થઈ ૩.૮ ટકા કે ૧૦૨ રૂપિયા બગડી ૨૫૪૮ બંધ થયો છે. એના લીધે સેન્સેક્સને ૮૦ પૉઇન્ટની તથા એફએમસીજી ઇન્ડેક્સને ૧૪૬ પૉઇન્ટની હાનિ થઈ છે. આ આંક ગઈ કાલે એમ ટકો કે ૧૪૭ પૉઇન્ટ ડાઉન હતો. હેરિટેજ ફૂડ્સ શૅરદીઠ એક રાઇટમાં એક્સ રાઇટ થતાં ૪.૮ ટકા વધીને ૧૮૭ બંધ આવ્યો છે. વાડીલાલ ઇન્ડ. ૮.૨ ટકા મજબૂત હતો. નેસ્લે ૨.૪ ટકા કે ૪૬૭ રૂપિયા નરમ થયો છે.

સન ફાર્માએ અમેરિકાની કોન્સર્ટ ફાર્માને ૫૭૬૦ લાખ ડૉલરમાં હસ્તગત કરી છે. કોન્સર્ટે ૨૦૨૨ના પ્રથમ નવ માસમાં ૨૯,૦૦૦ ડૉલરની આવક સામે ક્યાંય મોટી ૯૦૬૦ લાખ ડૉલરની ચોખ્ખી ખોટ કરેલી છે. સન ફાર્માનો શૅર બમણા કામકાજે નીચામાં ૧૦૧૭ થૅ એક ટકો ઘટી ૧૦૩૧ બંધ થયો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૬માંથી ૭૩ શૅરના ઘટાડે ૦.૮ ટકા ઢીલો હતો, પરંતુ ન્યુરેકા ૩૧૫ના નવા તળિયે જઈ જબ્બર ઉછાળે ૪૦૨ નજીક જઈ ૨૦ ટકાના જમ્પમાં ત્યાં જ બંધ થયો છે. કામકાજ ૧૧ ગણા હતા. સિપ્લા, દીવીસ લૅબ, અપોલો હૉસ્પિટલ, ટોરન્ટ ફાર્મા, મેક્સ હેલ્થકૅર, ઝાયડ્સ લાઇફ જેવી જાતો દોઢ ટકા સુધી નરમ હતી.

યસ બૅન્ક સામેનો કેસ જીતી જતાં ૬૩ મૂન્સ વૉલ્યુમ સાથે તેજીમાં

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૨૦ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો નરમ હતો. કોફોર્જ દ્વારા ૨૪ ટકાના વધારામાં ૨૨૮ કરોડના નેટ પ્રૉફિટ સાથે ગાઇડન્સિસ અપવર્ડ કરી સારો દેખાવ થતાં ભાવ ૭ ગણા વૉલ્યુમે ઉપરમાં ૪૨૫૦ બતાવી ૩.૪ ટકા કે ૧૩૪ રૂપિયાની મજબૂતીમાં ૪૧૦૦ બંધ આવ્યો છે. ઑનવર્ડ ટેક્નૉ ૪.૮ ટકા પ્લસ હતો. લાર્સન ટેક્નૉલૉજીસ અપેક્ષા કરતાં નબળા રિઝલ્ટ પાછળ ૧૬૭ રૂપિયા કે પાંચ ટકા બગડી ૩૨૩૨ થયો છે. ઇમુદ્રા ૩.૨ ટકા, માસ્ટેક ચાર ટકા, ડેટા મૅટિક્સ ૨.૮ ટકા નરમ હતા. ઇન્ફી એક ટકો ઘટી ૧૫૨૫, ટીસીએસ સાધારણ ઘટાડે ૩૩૬૨, વિપ્રો ૪૦૩ના લેવલે ફ્લૅટ, ટેક મહિન્દ્ર અડધો ટકો ઘટી ૧૦૪૬ બંધ હતા. તાતા ઍલેક્સીનાં પરિણામ ૨૫મીએ છે. શૅર સવા ટકો વધીને ૬૩૭૫ રહ્યો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૪ ટકા કટ થયો છે. ઇન્ડ્સ ટાવર ૧૭૦ની નવી બૉટમ બનાવી ૨.૭ ટકા ગગડી ૧૭૧ બંધ થયો છે. એમટીએનએલ ચાર ટકા તથા કમ્યુ. બે ટકા, તેજસ નેટ ત્રણ ટકા, વોડાફોન ૨.૨ ટકા, ભારતી ઍરટેલ ૦.૯ ટકા નરમ હતા. સ્ટરલાઇટ ટેક્નૉ ૧.૪ ટકા તથા વિન્દય ટેલિ અડધો ટકો સુધર્યા છે. ટેક્નૉલૉજીસ સ્પેસમાં પીવીઆર ચાર ટકા, આઇનોક્સ લિઝર એક ટકો, જસ્ટ ડાયલ ૩.૨ ટકા ડાઉન હતા. યસ બૅન્ક સામે એટીવન બૉન્ડનો કેસ જીતી જવાના પગલે ૬૩ મૂન્સ સાડાસાત ગણા કામકાજે ઉપરમાં ૧૮૨ થઈ સાતેક ટકાની તેજીમાં ૧૭૮ નજીક બંધ થયો છે. આ કેસ જીતવાથી કંપનીનું એ બૉન્ડમાં અટવાયેલું ૩૦૦ કરોડનું રોકાણ છૂટું થવા વકી છે.

બજાજ ફાઇ.માં ૧૫૪ રૂપિયાની ખરાબી, બૅન્કિંગના ૩૭માંથી ૧૨ શૅર સુધર્યા

મૂડીઝ દ્વારા કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ બરોડા અને પીએનબી માટે સ્થાનિક તેમ જ ફૉરિન કરન્સીમાં થાપણોના કિસ્સામાં લૉન્ગ ટર્મ રેટિંગ સુધારીને બીએએ-૩ કરાયું છે. ગઈ કાલે બૅન્ક ઑફ બરોડા પોણો ટકો વધી ૧૭૯, કૅનેરા બૅન્ક ૦.૪ ટકા ઘટીને ૩૧૯ તથા પીએનબી ૦.૪ ટકા ઘટી ૫૭ બંધ હતા. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૨ શૅર સુધર્યા હતા. આરબીએલ બૅન્ક દોઢ ટકા પ્લસ હતો. ફ્રન્ટ લાઇનમાં એચડીએફસી બૅન્ક સુધારાની હૅટ-ટ્રિકમાં ૧૬૬૮ થઈ એક ટકો વધી ૧૬૬૧ થયો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધો ટકો તો સ્ટેટ બૅન્ક નહીંવત્ નરમ રહ્યા છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક મામૂલી વધી ૧૨૦૨ હતો. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના સથવારા વચ્ચે ૦.૪ ટકા કે ૧૭૮ પૉઇન્ટ પ્લસ હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૨ શૅરના સુધારામાં ફ્લૅટ બંધ રહ્યો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ નજીવો વધ્યો હતો. એના ૧૩૭માંથી ૮૧ શૅર નરમ હતા. સેન્ટ્રલ કૅપિટલ ૪ ગણા કામકાજે ઉપરમાં ૨૬ થઈ ૪.૫ ટકા ઊંચકાઈને ૨૫ હતો. ધાની સર્વિસિસ ૩.૯ ટકા તો એડલવીસ ૫.૩ ટકા ડાઉન હતા. એચડીએફસી ૦.૯ ટકાની આગેકૂચમાં ૨૭૧૫ થયો છે. બજાજ ફાઇનૅન્સ અઢી ટકા તથા બજાજ ફિન સર્વ દોઢ ટકો માઇનસ હતા. પેટીએમ ૩.૫ ટકા વધી ૫૫૧ બંધ આવ્યો છે. નાયકા ૧.૪ ટકા ખરડાઈ ૧૨૭ હતો. પંજાબ સિંઘ બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, સિટી યુનિયન બૅન્ક યથાવત્ બંધ રહી છે. ફિનો પેમેન્ટ બૅન્ક સવાબે ટકા માઇનસ હતી. 

business news share market stock market sensex nifty national stock exchange bombay stock exchange