ડીઝલના ભાવમાં વધારો જરૂરી : ક્રિસિલ

23 August, 2012 05:54 AM IST  | 

ડીઝલના ભાવમાં વધારો જરૂરી : ક્રિસિલ

અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે જાહેર ક્ષેત્રની ઑઇલ માર્કેટિંગ કંપનીઓ તેમ જ સરકારની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ ન કરવી હોય તો ડીઝલના ભાવમાં તાત્કાલિક વધારો કરવો જરૂરી છે.

અગાઉ જૂન ૨૦૧૧માં ડીઝલ, કેરોસિન અને કુકિંગ ગૅસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

જાહેર ક્ષેત્રની ત્રણ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનની જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ફર્સ્ટ ક્વૉર્ટરમાં નાણાકીય ખોટ ૪૦,૫૦૦ કરોડ રૂપિયા થઈ છે. ડીઝલ, કુકિંગ ગૅસ અને કેરોસિનનું પડતરભાવ કરતાં સરકારે નક્કી કરેલા નીચા ભાવે વેચાણ કરવાથી કંપનીઓએ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૪૭૮ કરોડ રૂપિયાની નુકસાની સહન કરવી પડી છે. વ્યાજખર્ચ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી પણ આ કંપનીઓની ખોટ વધી રહી છે.

નુકસાની હજી વધશે

૨૦૧૧-’૧૨માં ઑઇલ માર્કેટિંગ કંપનીઓની નુકસાની ૭૮૨ અબજ રૂપિયાથી ૭૭ ટકા વધીને ૧૩૮૫ અબજ રૂપિયા થઈ છે. ચાલુ વર્ષમાં નુકસાનીમાં હજી વધુ વૃદ્ધિ થશે.

અત્યારે આ કંપનીઓએ ડીઝલના વેચાણ પર લિટરદીઠ ૧૪ રૂપિયા, કેરોસિનમાં ૨૯ રૂપિયા અને કુકિંગ ગૅસમાં સિલિન્ડરદીઠ ૨૫૦ રૂપિયાની નુકસાની સહન કરવી પડે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને છેલ્લાં ૭-૮ વર્ષમાં એ ૮૫ ટકા જેટલો થયો છે, જેને કારણે પેટ્રોલ કાર કરતાં ડીઝલ કારનું વેચાણ વધી રહ્યું છે.

કારના કુલ વેચાણમાં ૨૦૦૫-’૦૬માં ડીઝલ કારનો હિસ્સો ૨૦ ટકા હતો એ ૨૦૧૧-’૧૨માં વધીને ૩૮ ટકા થયો છે.

ઑઇલ કંપનીઓની કુલ નુકસાનીમાં ડીઝલનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે એટલે જો ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે તો આ કંપનીઓની નુકસાની ઓછી થાય.

સરકાર પર બોજ

ફ્યુઅલ્સના નિયંત્રિત ભાવને કારણે સરકારનો બોજ પણ વધે છે. ૨૦૧૧-’૧૨માં સબસિડીઝના કુલ ખર્ચમાં ઑઇલ સબસિડીઝનો હિસ્સો ૩૨ ટકા હતો અને એ માટેનો ખર્ચ ૮૩૫ અબજ રૂપિયા થયો હતો. ચાલુ વર્ષમાં આ રકમમાં હજી વધારો થશે.

કુલ નાણાકીય ખાધમાં ઑઇલ સબસિડીઝનો હિસ્સો ૨૦૦૯-’૧૦માં ૬ ટકા હતો એ ૨૦૧૧-’૧૨માં વધીને ૧૬ ટકા થયો છે.