05 May, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મુંબઈમાં વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES-વેવ્સ) 2025 ખાતે નિફ્ટી વેવ્સ ઇન્ડેક્સ લૉન્ચ કરવામાં આવ્યો હતો. નિફ્ટી વેવ્સ ઇન્ડેક્સમાં મીડિયા, મનોરંજન અને ગેમિંગ ઉદ્યોગ સાથે જોડાયેલી ૪૩ લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે.
ફિલ્મ, ટેલિવિઝન, ડિજિટલ પ્લૅટફૉર્મ, સંગીત અને ગેમિંગને આવરી લેતી વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ સાથે ભારતીય મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે, જેમાં સર્જનાત્મક નાવીન્ય અને ઝડપથી ટેક્નૉલૉજી અપનાવવાનો સમાવેશ થાય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (ભારત સરકાર) દ્વારા પ્રમોટ કરાયેલો અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલો વર્લ્ડ ઑડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ જેને WAVESના ટૂંકાક્ષર તરીકે ઓળખવામાં આવે છે, એ મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ચર્ચાઓ, સહયોગ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટેનો એક પ્રમુખ મંચ છે.
નિફ્ટી વેવ્ઝ ઇન્ડેક્સમાં દરેક સ્ટૉકનું વેઇટ ફ્રી ફ્લૉટ માર્કેટ કૅપિટલાઇઝેશન પર આધારિત છે જે પાંચ ટકાની કૅપને આધીન છે. ઇન્ડેક્સની બેઝ ડેટ ૨૦૦૫ની ૧ એપ્રિલ છે અને બેઝ વૅલ્યુ ૧૦૦૦ છે. ઇન્ડેક્સનું પુનર્ગઠન અર્ધ-વાર્ષિક ધોરણે કરવામાં આવશે અને ત્રિમાસિક ધોરણે પુનઃસંતુલિત કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે ‘ભારતની આગામી મહત્ત્વપૂર્ણ નિકાસ આપણી વાર્તાઓ, સંગીત, નવીનતા અને સર્જનાત્મક ભાવનાઓ રહેવાની છે.
WAVES દ્વારા આપણે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અસીમ ડિજિટલ ભવિષ્ય વચ્ચે એક સેતુ બનાવી રહ્યા છીએ. નિફ્ટી વેવ્ઝ ઇન્ડેક્સથી આ ક્ષેત્રમાંની સફળતા માપી શકાશે જેના દ્વારા ઘણા વધુ ઉદ્યોગસાહસિકોને પ્રેરણા મળશે.’