ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જાણવા જેવી વિગતો

25 July, 2023 12:26 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

આઇટીઆર ફૉર્મના વિવિધ પ્રકારો વિશે અને કોણે કયાં ફૉર્મ ભરવાં જોઈએ એ વિશે વિસ્તારપૂર્વક જાણ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મારા ગયા વખતના લેખમાં કોણે રિટર્ન ભરવું જરૂરી છે એ વિશે, આઇટીઆર ફૉર્મના વિવિધ પ્રકારો વિશે અને કોણે કયાં ફૉર્મ ભરવાં જોઈએ એ વિશે વિસ્તારપૂર્વક જાણ્યું હતું. આજે આપણે ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરવા બાબત બીજી વિગતો વિશે સમજીએ.   

ઇન્કમનું રિટર્ન ફાઇલ કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ?

AIS (ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ) અને ૨૬ASને ડાઉનલોડ કરો અને ટીડીએસ/ટીસીએસ/ભરેલા ટૅક્સની રકમને તમારી વિગતો સાથે મેળવો.
જૂની ટૅક્સ રેજિમ હેઠળ મળતાં બધાં સામાન્ય ટૅક્સ ડિડક્શનને મૂલવી જુઓ 
૮૦C–લાઇફ ઇન્શ્યૉરન્સ, ઈએલએસએસમાં કરેલું રોકાણ, ઈપીએફમાં આપેલો ફાળો, હોમ લોનમાંની પ્રિન્સિપલ રકમની કરેલી ચુકવણી, સ્ટૅમ્પ ડ્યુટી વગેરે.
એનપીએસ-એનપીએસમાં ૧,૫૦,૦૦૦ રૂપિયા સુધીનો કર્મચારીઓ દ્વારા આપેલો ફાળો, કર્મચારીનું વધારાનું યોગદાન-૫૦,૦૦૦ રૂપિયા પગારના ૧૦ ટકા સુધીનું એમ્પ્લૉયરોનું યોગદાન .
૮૦D  હેઠળ – 
આરોગ્યવીમાનું પ્રીમિયમ પોતાનું અને પરિવારનું ૨૫,૦૦૦ રૂપિયા સુધી અને માતા-પિતા માટે ૫૦,૦૦૦ રૂપિયા સુધી. 
૬૦ વર્ષની ઉપરની વ્યક્તિઓ માટે જો ઇન્શ્યૉરન્સ ન હોય તો તબીબીખર્ચ પોતાના અને પરિવાર માટે ૫૦,૦૦૦ રૂપિયા અને માતા-પિતા માટે ૫૦,૦૦૦ રૂપિયા.
પ્રિવે​ન્ટિવ હેલ્થ ચેક-અપ ૫,૦૦૦ રૂપિયા 
૮૦G હેઠળ નિર્દિષ્ટ સંસ્થાઓને આપેલા દાનની રકમ ઉપર મળતું ૫૦% / ૧૦૦% ડિડક્શન, ૮૦GGC હેઠળ રાજકીય પક્ષોને આપેલું દાન.
વ્યાજ માટે ૮૦TTA હેઠળ બચતખાતાનું વ્યાજ ૧૦,૦૦૦ રૂપિયા, ૮૦TTB  હેઠળ વરિષ્ઠ નાગરિકની ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ ૫૦,૦૦૦ રૂપિયા
અન્ય-૮૦E હેઠળ કોઈ નાણાકીય મર્યાદા વગર આઠ વર્ષ સુધી શૈક્ષણિક લોન પરનું વ્યાજ,  જો એચઆરએ (હાઉસ રેન્ટ અલાવન્સ) ન મળ્યું હોય તો ૮૦GGA  હેઠળ ૫,૦૦૦ રૂપિયા સુધીનું ઘરનું ભાડું. 
નવી ટૅક્સ રેજિમમાં તમને ફક્ત નીચેનાં ડિડક્શન જ મળી શકશે 
એપ્રિલ ૧, ૨૦૨૩થી સૅલેરીમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન (૫૦,૦૦૦ રૂપિયા) (પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઉપલબ્ધ નથી)
પીએફમાં એમ્પ્લૉયર દ્વારા અપાયેલો ફાળો.
સેક્શન ૨૪ હેઠળ ભાડે આપેલી પ્રૉપર્ટીની હોમ લોનનું વ્યાજ. 
અમુક શરતોને આધીન ગ્રૅચ્યુઇટી અને લીવ એનકૅશમેન્ટ. 
બન્ને ટૅક્સ રેજિમમાંથી જે વધારે ફાયદાકારક ટૅક્સ રેજિમ લાગે એની પસંદગી કરો. કર્મચારીઓ દર વર્ષે આ બેમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે, પરંતુ બિઝનેસ / વ્યાવસાયિક (પ્રોફેશનલ) એકવાર જ આ પસંદગી કરી શકે છે.
જે પગારદાર વ્યક્તિઓની ફ્યુચર અને ઑપ્શન્સમાંથી પણ આવક થતી હોય તેમણે આઇટીઆર-૩ ફાઇલ કરવાનું હોય છે. એટલે તેમના માટે દર વર્ષે ટૅક્સ રેજિમની પસંદગીનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં.
નિયત તારીખે અથવા એના પહેલાં ઇન્કમનું રિટર્ન ઈ-ફાઇલ કરો. ઇન્કમ ટૅક્સનું રિટર્ન ભરવામાં વિલંબ થાય તો લેટ ફાઇલિંગ ફીસ ભરવી પડે છે અને જો કોઈ નુકસાન કૅરી ફૉર્વર્ડ કરવાનું હોય તો એ કરી શકાતું નથી.
રિટર્ન ઈ-ફાઇલ કર્યા પછી ઈ-વેરિફાય કરો એટલે કે ઑનલાઇન ચકાસો. 
આઇટીઆર ફૉર્મ્સમાં કયા મોટા બદલાવો થયા છે?
સૅલેરી અને  ઇન્કમ ફ્રૉમ અધર સોર્સિસ : ‘ઇન્કમ ફ્રૉમ રિટાયરમેન્ટ બેનિફિટ અકાઉન્ટ્સ’ માટે એક નવી જાહેરાત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉના કોઈ પણ વર્ષ દરમ્યાન સેક્શન ૮૯A  હેઠળ કરપાત્ર આવક કે જેની ઉપર રાહતનો દાવો કરવામાં આવ્યો હોય તો એ વિશેની વિગતોની જાહેરાત કરવી આવશ્યક છે. 
ક્રિપ્ટો/વીડીએ (વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ) :
a    એક અલગ શેડ્યુલ જેને ‘શેડ્યુલ-વીડીએ’નું નામ આપવામાં આવ્યું છે એ હેઠળ વીડીએના દરેક ખરીદ અને વેચાણની જાણ વેચાણ અને ખરીદીની તારીખો સાથે કરવી આવશ્યક છે.  
b    આવકના વર્ગીકરણ પ્રમાણે કરપાત્ર આવક કૅપિટલ ગેઇન અથવા બિઝનેસ ઇન્કમ ગણાશે.  
c    જો વીડીએને કૅપિટલ ગેઇન તરીકે ગણવામાં આવશે તો ત્રિમાસિક બ્રેકઅપ આપવું આવશ્યક છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ ડિસ્ક્લોઝર: ઇન્ટ્રા-ડે ટ્રેડિંગનું ટર્નઓવર અને એમાંથી મેળવેલી આવકની  ટ્રેડિંગ અકાઉન્ટ હેઠળ અલગથી જાણ કરવી આવશ્યક છે.
જૂની કે નવી ટૅક્સ રેજિમ : કરદાતાએ અગાઉનાં વર્ષો દરમ્યાન નવી ટૅક્સ રેજિમને કોઈ પણ વાર નાપસંદ કરી હતી કે નહીં એની જાણકારી મેળવવા માટે આઇટીઆર–૩ અને આઇટીઆર–૪માં નવી પ્રશ્નાવલી ઉમેરવામાં આવી છે  
ડોનેશન (દાન) : જે સંસ્થાઓમાં કરેલા દાનની રકમમાં ૫૦%નું ડિડક્શન મળતું હોય (મર્યાદાને આધીન રકમ સુધી) તો એવી સંસ્થાઓને આપેલા દાનની વિગતો DRN (ડોનેશન રેફરન્સ નંબર) જાહેર કરવા માટે એક નવી કૉલમ દાખલ કરવામાં આવી છે. 

પ્રશ્ન : મારી આવક પગાર અને બીજા અન્ય સ્ત્રોત મારફત થાય છે જે ૫૦ લાખ રૂપિયાથી વધુની છે. શું મારે કોઈ વધારાની વિગતો જાહેર કરવી પડશે?
ઉત્તર : જો પગારદાર વ્યક્તિની કુલ આવક ૫૦ લાખ રૂપિયાથી વધુની હોય તો તેણે પણ ઍસેટ અને લાયબિલિટીનું સ્ટેટમેન્ટ આપવું પડશે, જેમાં નીચેની વિગતો હોવી જોઈશે :
જે સ્થાવર અને જંગમ (મૂવેબલ અને ઇમમૂવેબલ) ઍસેટ હોય એ બધાની વિગતો જેવી કે જમીન, મકાન, જ્વેલરી, સોના-ચાંદી, આર્કિયોલૉજિકલ કલેક્શન્સ, ચિત્રો, પેન્ટિંગ્સ, વાહનો, યાટ્સ, બોટ્સ, વીમા વગેરે. 
ફાઇનૅ​ન્શિયલ ઍસેટ્સની વિગતો જેવી કે બૅન્ક બૅલૅન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, શૅર્સ, સિક્યૉરિટીઝ, ઇન્શ્યૉરન્સ પૉલિસીની રકમ, આપેલી લોનની રકમ, કૅશ ઑન હૅન્ડ વગેરે.
ઉપરોક્ત ઍસેટ સંદર્ભે રહેલી લાયબિલિટીઝ 

business news income tax department gujarati mid-day