ટોચના CFOમાંથી ૯૯ ટકા લોકોએ લાંબા ગાળે તેમના બિઝનેસમાં ક્રિપ્ટોના ઉપયોગની સંભાવના દર્શાવી

04 August, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧ અબજ ડૉલર કરતાં વધુ આવક ધરાવતી ૨૦૦ કંપનીઓના CFOનું આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

એક સમયે જાણીતા લોકો જેના પ્રત્યે સૂગ ધરાવતા હતા એ ક્રિપ્ટોકરન્સીને હવે મોટી-મોટી કંપનીઓના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરો (CFO) મહત્ત્વ આપવા માંડ્યા છે. ડેલૉઇટ કંપનીએ કરાવેલા  CFOના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે ૯૯ ટકા CFO લાંબા ગાળે તેમના બિઝનેસ માટે ક્રિપ્ટોનો ઉપયોગ કરવા માગે છે.

૧ અબજ ડૉલર કરતાં વધુ આવક ધરાવતી ૨૦૦ કંપનીઓના CFOનું આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૨૩ ટકા લોકોએ કહ્યું હતું કે આગામી બે વર્ષમાં તેમના ટ્રેઝરી ખાતા દ્વારા રોકાણ માટે અથવા પેમેન્ટ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવામાં આવે એવી સંભાવના છે. ૧૦ અબજ ડૉલર કરતાં વધુ આવક ધરાવતી કંપનીઓના CFO તો એનાથી પણ આગળ વધે છે. લગભગ ૪૦ ટકા CFOએ આવા ઉપયોગની શક્યતા દર્શાવી છે.

નોંધનીય છે કે ઘણા CFOએ ક્રિપ્ટોની ભાવચંચળતા બાબતે ચિંતા વ્યક્ત કરી છે. ક્રિપ્ટોને અપનાવવામાં સૌથી મોટો અવરોધ ભાવચંચળતાને કારણે આવે છે એવું ૪૩ ટકા CFOએ કહ્યું હતું.

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સાધારણ વધ-ઘટ થઈ હતી. માર્કેટ કૅપ ૦.૪૮ ટકા ઘટીને ૩.૮૫ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું, જ્યારે બિટકૉઇનમાં ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૧,૧૮,૧૧૫ ડૉલરનો ભાવ ચાલી રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૩૮ ટકા અને XRPમાં ૧.૩૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

હાઇપરલિક્વિડ કૉઇનમાં ૧.૯૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે ટોનની વૃદ્ધિ ૦.૨૮ ટકા રહી હતી.

crypto currency business news