પામતેલમાં ડિસેમ્બર પછી તેજી , મલેશિયન વાયદો ૨૫૦૦ રિંગિટ થશે : દોરાબ મિસ્ત્રી

07 November, 2014 05:17 AM IST  | 

પામતેલમાં ડિસેમ્બર પછી તેજી , મલેશિયન વાયદો ૨૫૦૦ રિંગિટ થશે : દોરાબ મિસ્ત્રી



કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા


ચીનમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ‘મલેશિયન પામતેલ વાયદો ૧૦ ડિસેમ્બર સુધી ૨૩૦૦ રિંગિટ સુધી અથડાતો રહેશે અને ત્યાર બાદ માર્ચ ૨૦૧૫ સુધી વાયદામાં ૨૫૦૦ રિંગિટની સપાટી જોવા મળશે. જૂન ૨૦૧૫ પછી પામતેલનો ભાવ ૨૫૦૦ રિંગિટને પાર કરશે અને મલેશિયાનો પામતેલ સ્ટૉક મોટા પ્રમાણમાં ઘટશે.’મલેશિયન પામતેલ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો ગઈ કાલે ૨૯ રિંગિટ ઘટીને ૨૨૨૩ રિંગિટ બંધ આવ્યો હતો.


દોરાબ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘પામતેલ વાયદો બીજી સપ્ટેમ્બરે ઘટીને ૧૯૧૪ રિંગિટ થયો હતો. હવે આ સપાટી સુધી ભાવ ઘટવાની શક્યતા બહુ જ ઓછી છે છતાં જો બ્રાઝિલ-આર્જેન્ટિનામાં સોયાબીનનું રેકૉર્ડબ્રેક ઉત્પાદન થાય અને મલેશિયા-ઇન્ડોનેશિયામાં પામતેલનું ઉત્પાદન આવતા ત્રણ-ચાર મહિનામાં ધારણાથી વધી જાય તો જ પામતેલમાં મંદી થઈ શકે છે.’


ક્રૂડ તેલની મંદીની અસર ખાદ્ય તેલોના ભાવ પર નહીં પડે એવું કહેતાં તેમણે જણાવ્યું હતું કે ‘સમગ્ર વિશ્વમાં ૮૦થી ૯૦ ટકા બાયોડીઝલનો વપરાશ જે-તે સરકારના મેન્ડેટ આધારિત હોવાથી ક્રૂડ તેલના ભાવ ઘટે તો પણ બાયોડીઝલની માગ ઘટવાની શક્યતા બહુ જૂજ માત્રામાં છે. વળી અમેરિકામાં રેકૉર્ડબ્રેક સોયાબીનનું ઉત્પાદન થયાનો રર્પિોટ અને બ્રાઝિલ-આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન બમ્પર માત્રામાં થવાના અંદાજ વચ્ચે પણ છેલ્લા બે મહિનામાં ખાદ્ય તેલોના ભાવ એની બૉટમથી ૧૫ ટકા વધી ગયા હતા.’


પામતેલના ઉત્પાદન વિશે તેમણે જણાવ્યું હતું કે ‘મલેશિયામાં હવે પામતેલના ઉત્પાદનની બાયોલૉજિકલ લો-સાઇકલ ચાલુ થશે. ચાલુ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઓછો વરસાદ પડ્યો હતો એની અસર ડિસેમ્બર-જાન્યુઆરીના પ્રોડક્શન પર જોવા મળશે. મલેશિયાનો પામતેલ સ્ટૉક ઑક્ટોબરના અંતે પીક લેવલે હશે, પણ ત્યાર બાદ સતત ઘટતો રહેવાની ધારણા છે. વળી આવનારા દિવસોમાં પામતેલની એક્સર્પોટ પણ વધતી રહેશે જેમાં ભારતની ઇમ્ર્પોટનો સિંહફાળો હશે.’