25 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
DBS બૅન્કે સ્ટ્રક્ચર્ડ નોટ્સનું ટોકનાઇઝેશન કરીને આ ક્ષેત્રે બ્લૉકચેઇનની ક્ષમતાનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. ક્રિપ્ટો લિન્ક્ડ સ્ટ્રક્ચર્ડ નોટ્સમાં હવે DBSના ક્લાયન્ટ્સ ન હોય એવા લોકો પણ રોકાણ કરી શકશે. એને માટે બૅન્કે ત્રણ ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લૅટફૉર્મ્સ અને ડિજિટલ એક્સચેન્જિસ સાથે સહયોગ સાધ્યો છે.
DBSના ક્લાયન્ટ્સે વર્તમાન કૅલેન્ડર વર્ષના પૂર્વાર્ધમાં ક્રિપ્ટો ઑપ્શન્સ અને સ્ટ્રક્ચર્ડ નોટ્સનું ૧ અબજ ડૉલર મૂલ્યનું ટ્રેડિંગ કર્યું હતું. ઇથેરિયમ પબ્લિક બ્લૉકચેઇન પર સ્ટ્રક્ચર્ડ નોટ્સનું ટોકનાઇઝેશન કરવામાં આવવાનું છે. એને માટેનાં ત્રણ ડિજિટલ પ્લૅટફૉર્મ્સમાં ઍડએક્સ, ડિજિએફટી અને હાઇડ્રાએક્સનો સમાવેશ થાય છે.
અહીં જણાવવું રહ્યું કે સ્ટ્રક્ચર્ડ નોટ્સમાં લઘુતમ ૧ લાખ ડૉલરનું રોકાણ કરવાનું હોય છે. એનું ટોકનાઇઝેશન કરવાથી મૂળ નોટને ૧૦૦૦ ડૉલરના હિસ્સામાં વિભાજિત કરવામાં આવે છે. એને લીધે એનું ટ્રેડિંગ વધુ સરળ બને છે. સ્ટ્રક્ચર્ડ નોટ એક જટિલ નાણાકીય પ્રોડક્ટ છે, જે મોટી બૅન્ક કે નાણાકીય સંસ્થા ઇશ્યુ કરે છે. એમાં પરંપરાગત બૉન્ડના રોકાણની સાથે ઑપ્શન્સ જેવા ડેરિવેટિવને સાંકળવામાં આવે છે. એમાં મુદ્દલ સલામત રાખવાનો અને મુદ્દલ જોખમમાં મુકાય એવા બે વિકલ્પ પણ આપવામાં આવે છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સાધારણ વૃદ્ધિ થઈ હતી. માર્કેટ કૅપિટલાઇઝેશન ૦.૨૯ ટકા વધીને ૩.૮૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનમાં ૧.૧૦ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૧,૧૩,૭૪૩ ડૉલર અને ઇથેરિયમમાં ૩.૯૨ ટકાના વધારા સાથે ભાવ ૪૨૮૩ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૨.૫૭ ટકાનો સુધારો થઈને ભાવ ૨.૯૦ ડૉલર પર પહોંચ્યો હતો.