02 June, 2025 07:00 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
એક તરફ ડોનલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને ‘ફૅક્ટરી ફર્સ્ટ’ મૉડલ પર લઈ જવા માગે છે તો બીજી તરફ તેમની ટૅરિફ નીતિ પર કોર્ટમાં ભીષણ લડાઈ ચાલી રહી છે. બુધવારે રાત્રે કોર્ટ ઑફ ઇન્ટરનૅશનલ ટ્રેડ (CIT) એ ટૅરિફ લાદવાના ટ્રમ્પના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કર્યો હતો, પરંતુ માત્ર ૨૪ કલાક પછી ફેડરલ કોર્ટે આ આદેશ પર સ્ટે મૂક્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે ટ્રમ્પ કટોકટીની શક્તિઓનો ઉપયોગ કરીને ફરીથી ટૅરિફ લાદી શકે છે, પરંતુ આ લડાઈ હજી પૂરી થઈ નથી. આગામી સુનાવણી અને સુપ્રીમ કોર્ટના સંભવિત હસ્તક્ષેપ સાથે આ કાનૂની લડાઈ વધુ ગરમ થઈ શકે છે. ટૅરિફ સામે દાવો દાખલ કરનારી કંપનીઓએ ફેડરલ કોર્ટના સ્ટેને ‘માત્ર એક પ્રક્રિયા’ ગણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોર્ટ આખરે તેમના પક્ષમાં ચુકાદો આપશે.