રૂપિયામાં તેજી કયા સુધી, ડૉલર સહિત મોટા ભાગની કરન્સીમાં વિચિત્ર ચાલ

05 October, 2020 02:04 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપિયામાં તેજી કયા સુધી, ડૉલર સહિત મોટા ભાગની કરન્સીમાં વિચિત્ર ચાલ

કરન્સી

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા અને તેમના કૅમ્પેન અધિકારી કોરોના પૉઝિટિવ થતાં બજારોમાં અકલ્પ્ય ઉચાટ છવાયો છે. ટ્રમ્પને વૉલ્ટર રીડ હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં તેમનાં લક્ષણો માઇલ્ડ છે. તેમને બહારથી ઑક્સિજન અપાતો નથી. રેમડેવિસીર નામની ઍન્ટિવાઇરલ અને ઍન્ટિબૉડી કોકટેલ પ્રકારની મિક્સ સારવાર અપાઈ રહી છે. ચૂંટણી આડે પૂરો એક મહિનો પણ નથી. કોરોના થયા પછી ૧૫ ઑક્ટોબરે યોજાનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટનું ભાવિ અચોક્કસ છે. કોરોનાને કારણે ટ્રમ્પની ચૂંટણીઝુંબેશ પર અસર પડશે. ટ્રમ્પને કોરોના થયાના સમાચારથી શુક્રવારે અમેરિકી શૅરબજારોમાં પૅનિક સેલિંગ આવ્યું હતું. શુક્રવારે ચીન અને ભારતીય બજારો બંધ હતાં, પણ ગુરુવારે કૉપર, ક્રૂડમાં જે રીતે મોટો કડાકો આવ્યો અને સોનું જે રીતે બાઉન્સબૅક થયું એ જોતાં કોઈકને આ વાતની જાણ આગોતરી થઈ હોવી જોઇએ. માર્કેટ આમ તો ઑક્ટોબર કેઓસ માટે તૈયાર હતાં, પણ ટ્રમ્પના કોરોના ફૅક્ટર પછી કહાનીમાં આલ્ફ્રેડ હીચકૉકની થ્રિલરને ભૂલાવી દે એવી ટ્વિસ્ટ આવી છે. જરા બ્રોડર ફ્લેશબૅકમાં જોઈએ તો ૨૦૨૦નું આખું વરસ પરફેક્ટ વુકા યર છે. લશ્કરી રણનીતિની ભાષામાં વુકા એટલે વૉલેટિલિટી યાને અફડાતફડી, અનસર્ટેનિટી યાને અચોક્કસતા, એમ્બિગવિટી યાને સંદિગ્ધતા અને કૉમ્પલેક્સિટી યાને અકળતા. અમેરિકામાં ૨૦૨૦ની ચૂંટણીમાં પહેલી વાર બૅલટ કમ ઈ-મેઇલ મતદાન છે. પહેલી ડિબેટમાં ટ્રમ્પે આડકતરો ઇશારો કરી કહ્યું કે પ્રાઉડ બૉય સ્ટૅન્ડ બૅક ઍન્ડ સ્ટૅન્ડ બાય. આ ભાષા પ્રમુખની નહીં, પણ એક ટપોરીની હતી. પહેલી ડિબેટમાં તો બેઉ પક્ષોએ એકબીજા પર કાદવઉછાળ જ કર્યો હતો. અમેરિકી રાજનીતિનો આવો ધજાગરો વિશ્વએ ક્યારેય નહીં જોયો હોય.

બજારોની વાત કરીએ તો રૂપિયામાં અણધાર્યો ઉછાળો હતો. રિઝર્વ બૅન્કે મૉનિટરી પૉલિસી મીટિંગ રદ કરી અને રિલાયન્સ જિયો પછી રિલાયન્સ રીટેલમાં વિદેશી રોકાણો શરૂ થતાં અને વેપારખાધમાં મોટો ઘટાડો થવાથી રૂપિયામાં માનસ તેજીનું હતું. જોકે આજે શૅરબજારો કેવાં ખૂલે છે એ ભરેલા નાળિયેર જેવો પ્રશ્ન છે. ગુરુવારે રૂપિયો ૬૧ પૈસા વધીને ૭૩.૧૪ બંધ હતો. ઓટીસી બજારમાં રૂપિયો છેલ્લે ૭૩.૩૦ રહ્યો હતો. ભારતની બજેટખાધ ચાલુ નાણાકીય વરસના ચાર મહિનામાં જ ૩.૫ ટકાનો લક્ષાંક વટાવી ગઈ છે. સરકારે નાણાકીય વરસ માટે ૧૨ લાખ કરોડ બોરોઇંગ મર્યાદા નક્કી કરી છે. ડેબ્ટ મોરેટોરિયમમાં વ્યાજમાફી સરકાર ભોગવે તો એનો બોજો વધે. બૅન્કોની એનપીએ જોતાં બૅન્કો હવે વધુ બોજો સહન કરી શકે એમ નથી. માત્ર શૅરબજારની તેજી પર નિર્ભર રૂપિયો અતિશય નબળાં મેક્રો ફન્ડામેન્ટલ્સને કયા સુધી પડકારતો રહેશે, એ સમયનો સવાલ છે. જ્યારે લાંબા સમય સુધી કોઈ એસેટ એની મેરિટથી વિપરિત વર્તન કરે ત્યારે જે બૅકલેશ આવે એ ઘણો પાવરફુલ હોય છે. ૨૦૧૩-’૧૪માં રૂપિયો ૫૧થી ૬૮ થયો, અંદાજે ૨૮ ટકા અવમૂલ્યન થયું એ આવો બૅકલેશ જ હતો. વિશ્વ બજારની વાત કરીએ તો ઑક્ટોબર આવે એટલે શૅરબજારોના રોકાણકાર માટે ફડકનો મહિનો ગણાય. ચૂંટણી ટાણે ટ્રમ્પનો કોરોના, વિશ્વમાં ઠેર-ઠેર યુદ્ધ જેવો તનાવ, માગની મંદી, લૉકડાઉનની પાછોતરી અસર નીચે તોળાતી બેકારી એમ અનેક સમસ્યાઓ ઊભી છે. ઐતિહાસિક પરિપેક્ષ્યમાં જોઈએ તો ૧૮૭૩ની મંદી સપ્ટેમ્બરમાં વિયેનાથી શરૂ થઈ ઑક્ટોબરમાં અમેરિકામાં ક્રૅશ આવ્યો, પાંચ વરસ મંદી ચાલી. ૧૯૦૭નો ક્રૅશ ૧૬ ઑક્ટોબરે, ૧૯૨૯ની મંદી ૨૪ ઑક્ટોબરે, ૧૯૮૭ની મંદી ૧૯ ઑક્ટોબરે અને ૨૦૦૮ની મંદી ૨૪ ઑક્ટોબરે આવી.

૨૦૨૦ પછી તોતિંગ સ્ટિમ્યુલસ અને કોરોના વૅક્સિનના આશાવાદે શૅરબજારો, ખાસ કરીને ચુનંદા ટેક્નૉલૉજી શૅરોમાં વિક્રમી તેજી છે, પણ ગ્રાઉન્ડ લેવલે કમજોર ક્રેડિટ ઑફટેક અને વધતી બેકારી તેજી માટે અલાર્મ છે. ન કરે નારાયણ ટ્રમ્પને કંઈક થાય, ચૂંટણી પાછી ઠેલાય, બજારોનો ઉચાટ વધે તો શૅરબજારમાં પૅનિક સેલ ઑફની સંભાવના નકારાય નહીં. તાત્કાલિક સેકન્ડ સ્ટિમ્યુલસ નહીં આવે તો ટેક્નૉલૉજી બબલ બજાર માટે મોટું રિસ્ક લાગે છે. ડૉલર ઇન્ડેકસ, યુરો સહિત અનેક કરન્સી અત્યારે ટ્રેન્ડલેસ છે.

indian rupee business news