સમાજવાદી કલેવર-મૂડીવાદી આત્મા વચ્ચેનું સમતોલન-ફિસ્કલ ઝોક ધરાવતું બજેટ

03 February, 2020 11:56 AM IST  |  Mumbai | Biren Vakil

સમાજવાદી કલેવર-મૂડીવાદી આત્મા વચ્ચેનું સમતોલન-ફિસ્કલ ઝોક ધરાવતું બજેટ

કરન્સી

આર્થિક ઉદારીકરણ અને રક્ષણવાદ તેમ જ નાણાકીય વિસ્તરણ અને રાજકોષીય વિસ્તરણના જમાનામાં, ડિસરપ્શનના જમાનામાં બજેટને આમ તો વન-ડે ઇવેન્ટ જ ગણવું જોઈએ. આજે સેન્સેક્સનો ૧૦૦૦ પૉઇન્ટનો ઘટાડો કે આમઆદમી માટે કરવેરાની રાહતો, ખેતીવાડી અને આંતરમાળખા માટે મોટા ભંડોળની ફાળવણી અને નાના-નાના ઘણાખરા મુદ્દાઓને વધુ પડતું મહત્વ આપવું જરૂરી નથી, પણ વર્ષમાં એક જ વાર આવતો મહત્વનો પૉલિસી-દસ્તાવેજ સમજી પ્રવર્તમાન તકો અને પડકારોને ઝીલવાની સરકારની ક્ષમતા કે ઇચ્છાશક્તિ કેવી છે એનું પાઇલોટ રિડિંગ જાણી શકાય. સમગ્રતયા રીતે જોઈએ તો આર્થિક મામલે રાજકોષીય ખાધ વધવાની અપેક્ષા હતી જ, પણ સરકારે આ મામલે બોલ્ડ બનવાનું નક્કી કરીને ફિસ્કલ મૅનેજમેન્ટમાં અડધા ટકા સ્લિપેજની છૂટ લઈને ખાધ ૩.૩ ટકાને બદલે ૩.૮ ટકા, આવતા વર્ષ માટે ખાધ ૩.૩ ટકાનો અંદાજ મૂક્યો. ૮૦-૯૦ના દાયકામાં આવતા વિસ્તરણકારી બજેટની ઝલક દેખાઈ સાથોસાથ ન્યુ ઇકૉનૉમીની ઝલક પણ મળી. રિઝર્વ બૅન્ક પરનું નાણાકીય અવલંબન ટાળી શૅરબજાર પાસેથી અને વિદેશી રોકાણકારો પાસેથી નાણાં મેળવવા માટે એલઆઇસીનો આઇપીઓ, પંસદગીના કૉર્પોરેટ બૉન્ડમાં વિદેશી રોકાણકારો માટે રોકાણમર્યાદા ૯ ટકાથી વધારીને ૧૫ ટકા કરવી અને ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટૅક્સનું ભારણ કંપનીમાંથી હટાવી વ્યક્તિગત કરદાતા પર નાખવાની કવાયત પણ કરાઈ. (મૂડીવાદી આત્મા) કિસાનોની આવક બમણી કરવા માટે ખેતી ક્ષેત્રે ૧૫ લાખ કરોડની ફાળવણી અને નાબાર્ડ મારફતે ફાર્મ ક્રેડિટ સુલભ બનાવવી (સમાજવાદી કલેવર) એના પર ભાર મુકાયો. આનાથી ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીઓને ફાયદો થશે. દેશમાં અંદાજે ૫૦૦૦ જેટલી એફપીઓ છે. એમાં ઘણી ખરી અસ્તિત્વ ટકાવવા ઝઝૂમે છે. એમને એક લાઇફલાઇન મળશે. કિસાન રેલ કે કિસાન ઉડાન જેવી અનેક બાબતો એલાન થઈ છે. વેરાહાઉસિંગ, બાગાયત અને પરિવહન પર વિશેષ ધ્યાન અપાયું છે, પણ વિગતો આવવાની બાકી છે.

રૂપિયો કયાંથી આવ્યો અને કયાં ગયો એવા સમતોલન આંકડાઓ સિવાય, થીમેટિક રીતે સમજવું હોય તો બજેટમાં કલેવર સમાજવાદી અને આત્મા મૂડીવાદી છે એમ કહેવાય. સરકારનો ઝોક આર્થિક સ્લૉડાઉનને રોકવાનો અને એ માટે બજારમાં તોતિંગ માત્રામાં નાણાં ફેંકવાનો છે અને એક રીતે વૈશ્વિક પ્રવાહોની સાથે સંવાદ સાધવાનો છે. વિકસિત દેશોની નાણાકીય હળવી નીતિનો પ્રયોગ તેજી લાવી શક્યો નથી. યુરોપ અને જપાનમાં સાવ નિષ્ફળ ગયો છે એટલે હવે રાજકોષીય હળવી નીતિ અમલી બની છે. બૅન્કોને નાણાં અપાયાં, પણ એમણે નાણાં ધીર્યાં નહીં એટલે સરકાર સિસ્ટમમાં નાણાં મૂકશે.

બજારોની વાત કરીએ તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ હટાવાયો નહીં, ડીડીટીનું ભારણ કંપની પરથી હટીને રોકાણકાર પર આવ્યું એટલે બજારોમાં મોટો કડાકો આવ્યો છે. જોકે આ ઘટાડો સ્ટૉક પિકિંગ માટેની તક ગણાય. વ્યક્તિગત વેરા માટે બે ટૅક્સ રેજીમ - વેરામાં રાહત, પણ છૂટછાટો નહીં અથવા જૂના વેરા મુજબ કરમાળખું અને છૂટછાટનો લાભ - અને કરદાતાને પોતાને ગમે એવું કરમાળખું રાખવાની છૂટ. કેવું અજીબ!!

સોના-ચાંદી બજારો માટે રાબેતા મુજબ નિરાશા જ રહી. ઊંચી આયાતજકાત યથાવત્ રહી. ગોલ્ડ પૉલિસી, મૉનિટાઇઝેશન જેવાં કોઈ પગલાં આવ્યાં નહીં. ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ સ્થાપવાનું એલાવ કરાયું પણ એ તો ઑફશૉર બજાર - વિદેશીઓ માટે અને એ મામલે શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જ કે લંડન બુલિયન માર્કેટ અસોસિએશનનો બજારહિસ્સો ભારતને મળે એવી હાલમાં કોઈ શક્યતા નથી. કૉમોડિટી વાયદા બજારો માટે પણ કોઈ જાહેરાતો નથી. કૉમોડિટી ઇન્ડેક્સ ટ્રેડિંગમાં શૉર્ટસેલ પર ૦.૦૧ ટકા સીટીટીનો પ્રસ્તાવ છે. સંપૂર્ણ બજેટ હાથમાં આવી જાય પછી બિટવિન ધ લાઇન્સ માટે ઘણી કવાયત કરવી પડશે. કોથળામાં પાંચશેરી નથી, પણ હજારો એકશેરી ભરેલો મોટો કોથળો છે. થોડામાં ઘણું.

budget 2020 railway budget business news